ઑકિનલૅક, ક્લૉડ જૉન આયર સર (જ. 21 જૂન 1884, હેમ્પશાયર, ઇંગ્લેન્ડ; અ. 23 માર્ચ 1980, મોરોક્કો) : નામી બ્રિટિશ સેનાપતિ. તેમણે વૅલિંગ્ટન કૉલેજમાં અભ્યાસ કર્યો. 1904માં તે 62મી ‘પંજાબીઝ’માં જોડાયા અને 1941માં તેઓ ભારતમાં કમાંડર-ઇન-ચીફ બન્યા; ત્યાર પછી ઉત્તર આફ્રિકામાં વૅવેલના ઉત્તરાધિકારી બન્યા. તેમણે સિરેનાઇકા તરફ સફળતાપૂર્વક આગેકૂચ કરી પણ પાછળથી રૉમેલે તેમને પીછેહઠ કરવાની ફરજ પાડી હતી, તેમણે 8મી સેનાનું પુનર્ગઠન અને પુનરાયોજન કર્યું અને તેના પરિણામે આખરી વિજયનો માર્ગ મોકળો થયો. પણ તત્કાળ તો પીછેહઠ માટે તેમને બલિનો બકરો બનાવી દેવાયા અને તેમના સ્થાને 1942માં જનરલ ઍલેક્ઝાંડરને મૂકવામાં આવ્યા. 1943માં તેઓ ભારત પાછા આવ્યા અને 1946માં તેમને ફિલ્ડ-માર્શલ નિયુક્ત કરાયા હતા.
મહેશ ચોકસી