ઓકિનાવા : નૈર્ઋત્ય પૅસિફિકમાં, જાપાનની મુખ્ય ભૂમિથી આશરે 560 કિમી. અંતરે તેની દક્ષિણે છેડા પર આવેલો જાપાનના વહીવટી પ્રભુત્વ હેઠળનો વિસ્તાર. ભૌગોલિક સ્થાન : 260 31′ ઉ. અ. અને 1270 59′ પૂ. રે. તે જાપાન અને તાઇવાન(ફૉર્મોસા)ની વચ્ચે આવેલા રિઊક્યૂ દ્વીપસમૂહમાંનો મોટામાં મોટો ટાપુ છે. તેનો કુલ વિસ્તાર 2,267 ચોકિમી., લંબાઈ 105 કિમી. તથા સરેરાશ પહોળાઈ 14.5 કિમી. છે. તેની વસ્તી : 14.6 લાખ (2020) છે. જ્વાળામુખીનિર્મિત આ ટાપુ ડુંગરાળ તથા જંગલયુક્ત છે. આ પ્રદેશમાં અવારનવાર વિનાશક વાવાઝોડાં આવ્યાં કરે છે.

તેની આબોહવા ગરમ તથા ભેજવાળી છે. તેનું સરેરાશ તાપમાન 210 સે. તથા વાર્ષિક સરેરાશ વરસાદ 2,108 મિમી. હોય છે. અનિયમિત વાંકોચૂકો દરિયાકાંઠો ધરાવતા આ ટાપુ પર મત્સ્યઉદ્યોગનો સારો વિકાસ થયેલો છે. માછીમારી ઉપરાંત ઢોરઉછેર, ખાંડનું શુદ્ધીકરણ તથા અનેનાસનું કૅનિંગ મહત્વના વ્યવસાયો છે. કાપડ, શેરડી, બટાટા, શક્કરિયાં, શાકભાજી, દારૂ, લાખ કે મદ્યાર્કનો બનાવેલો રોગાન કે વાર્નિશ ત્યાંની મુખ્ય પેદાશો છે. નાહા ત્યાંનું મુખ્ય શહેર અને બંદર છે (વસ્તી : 1999 : 2,99,000).

મૈજી વંશના શાસનકાળ દરમિયાન (1868-1912) જાપાનના શાસન હેઠળ મુકાયો તે પહેલાં આ ટાપુ રાજાશાહીની હકૂમત હેઠળ હતો. 1870માં તે જાપાનના સીધા અને અસરકારક અંકુશ હેઠળ હતો.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એપ્રિલ-જૂન 1945ના ગાળામાં આ ટાપુ પર દારુણ યુદ્ધ ખેલાયું હતું. યુદ્ધમાં જાપાનનો પરાજય થતાં આ ટાપુ પર અમેરિકાની લશ્કરી છાવણી ઊભી કરવામાં આવી હતી. જાપાન-અમેરિકા કરાર મુજબ 1972માં આ ટાપુ જાપાનને પરત કરવામાં આવ્યા પછી પણ અમેરિકાનો લશ્કરી અડ્ડો ત્યાં ચાલુ જ હતો.

આ ટાપુ પર બીજા વિશ્વયુદ્ધનાં અનેક સ્મારકો છે. ત્યાં રિઊક્યૂ યુનિવર્સિટી (1950) તથા ઓકિનાવા યુનિવર્સિટી (1956) આવેલી છે. રિઊક્યૂ ત્યાંની ભાષા છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે