ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય (Historical Perspective) : ઇતિહાસની અનેક વ્યાખ્યાઓ અપાઈ છે, પરંતુ સર્વસંમત બાબત એ છે કે તે પરિવર્તન, ખાસ કરીને માનવજાતમાં વખતોવખત આવેલાં પરિવર્તનોનું અધ્યયન કરે છે. પ્રત્યેક સમાજ, સંસ્થા, વસ્તુ કે ઘટનાનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એનું કેવળ વર્તમાન સ્વરૂપ જ જાણવું-સમજવું પૂરતું નથી, તેના અતીતનો પણ ઠીક ઠીક પરિચય કરવો અપેક્ષિત રહે છે. દા. ત., ભારતીય સંસ્કૃતિનો યથાર્થ પરિચય મેળવવા માટે તેમાં પ્રાચીન કાળથી એમાં વખતોવખત જે પરિવર્તન આવ્યાં તે જાણવા-સમજવાં અનિવાર્ય છે. એમ ન કરીએ તો વર્તમાન સ્થિતિ અંગેનો નિર્ણય ભ્રામક નીવડે. કાલ માર્કસની પહેલા પણ સમાજવાદ અંગે સુંદર યોજનાઓ ઘડાઈ હતી, પરંતુ માર્કસે એ બધામાં રહેલી ઐતિહાસિક પરિપ્રેક્ષ્યની કમી તરફ આપણું ધ્યાન દોરીને કહ્યું કે ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં જે યોજનાઓ ઘડાય એ જ વધુ વાસ્તવિક થઈ શકે છે. વસ્તુતઃ વર્તમાન જ સઘળું નથી, અતીત પણ ઘણું મહત્વ ધરાવે છે. ઇતિહાસનો પરિપ્રેક્ષ્ય જાણવો એ વર્તમાનને સમજવા અને ભવિષ્યને સંકોરવા માટે અત્યંત આવશ્યક છે.
ઇતિહાસ એ બોધ આપતું શાસ્ત્ર છે. પશુઓને મુકાબલે મનુષ્યની આ વિશેષતા છે કે તે અનુભવથી શીખે છે. તેનું જીવન સહજ પ્રવૃત્તિઓને બદલે અધિકતર અનુભવ વિવેકથી ચાલે છે. આથી જો મનુષ્યે વાસ્તવિક અનુભવ પ્રાપ્ત કરવો હોય તો યથાર્થ અનુભવ પર પોતાની જીવન-પ્રણાલી ગોઠવવી જોઈએ અને એ માટે એણે ઇતિહાસનો સહારો લેવો પડે. ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય વગર તે અતીત દ્વારા પ્રાપ્ત વિકાસ-સ્તરથી આગળ વધવાની આશા કરી શકે નહિ. વસ્તુતઃ ઐતિહાસિક પરિપ્રેક્ષ્યને જાણવાથી જીવવિજ્ઞાન, નૃવંશવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ઔષધિવિજ્ઞાન, યંત્રવિદ્યા વગેરે અનેક વિદ્યાઓ અને વિજ્ઞાનોનો ઉદય અને વિકાસ શક્ય બન્યો. આજકાલ ધર્મ, આચારવિચાર, કલા, કાયદો એમ દરેક સંસ્થા કે પ્રવૃત્તિ ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં જોવા-સમજવાની પરિપાટી પડી છે. આથી આજનો મનુષ્ય અતીતને વધુ પ્રામાણિકપણે સમાજવાની તેમજ તેના ઉપર અગાઉની અપેક્ષાએ વધુ યોગ્ય નિર્ણય કરવાની સ્થિતિમાં છે. ઐતિહાસિક પરિપ્રેક્ષ્યના અભાવમાં અગાઉના લોકો પોતાના સમયમાં પ્રચલિત મૂલ્યો અને ધોરણોને ઈશ્વર-નિર્ધારિત સમજવાની ભૂલ કરતા હતા. હવે આપણે તેની સાપેક્ષતાથી પરિચિત છીએ.
પ્રવીણચંદ્ર પરીખ