ઐતિહાસિક કાવ્ય : ઇતિહાસવસ્તુને સીધી કે આડકતરી રીતે ઓછેવત્તે અંશે સ્પર્શતું સંસ્કૃત કે પ્રાકૃત કાવ્ય. સંસ્કૃતમાં ‘કાવ્ય’ પદનો અર્થ છે – ‘સાહિત્ય’. તેથી અહીં કાવ્ય દ્વારા કોઈ પણ પ્રકારનું સાહિત્યસ્વરૂપ અભિપ્રેત છે, જેમાં ઇતિહાસની આસપાસ વસ્તુ ગૂંથાયું હોય.

કેવળ ઇતિહાસનો આશ્રય લઈને કાવ્ય લખવાની પરિપાટી સંસ્કૃત સાહિત્યમાં નથી, કવિઓએ તો પોતાના આશ્રયદાતાની કીર્તિ અક્ષુણ્ણ રહે તે માટે તેમનું જીવનચરિત્ર રોચક ભાષામાં લખવાનો પ્રયત્ન પણ કર્યો છે, જે કંઈક અંશે ઇતિહાસની ઝાંખી કરાવે છે.

પ્રાચીન સાહિત્યમાં પુરાણોમાં ઐતિહાસિક અંશો જરૂર સાંપડે છે, પરંતુ ધાર્મિક હેતુથી લખાયેલા આ સાહિત્યમાં સૃષ્ટિના આરંભથી અપાતી વંશાવળીઓમાં તથ્ય કરતાં દંતકથાનું તત્વ વિશેષ જણાય છે; એટલું જ નહિ, જુદાં જુદાં પુરાણોમાં એક જ સંદર્ભમાં તદ્દન જુદી જ વિગતો પણ મળે છે, જે તેની સત્યતા અંગે શંકા જન્માવે છે.

આ પૌરાણિક કથાઓનો આધાર લઈને તથા ક્યારેક ઇતિહાસકથાને આધારે પણ મહાકાવ્ય રચવાની પરિપાટી સંસ્કૃત સાહિત્યમાં જણાય છે; પરંતુ પૌરાણિક વિગતોની અત્યંત પ્રસિદ્ધિને કારણે કે પછી અન્ય કારણોસર તેને આધારે રચાયેલાં મહાકાવ્યો વિશેષ પ્રસિદ્ધિ પામ્યાં છે. તેની અપેક્ષાએ ઐતિહાસિક ઘટનાઓ કે વ્યક્તિઓને આધારે રચાયેલાં વિસ્તૃત કાવ્યોની પ્રસિદ્ધિ મર્યાદિત જણાય છે.

પુરાણો ઉપરાંત, રામાયણ અને મહાભારતને પણ વિશેષ અર્થમાં ઐતિહાસિક કૃતિઓ કહી શકાય. સંસ્કૃત સાહિત્યમાં અનુપમ સ્થાન ધરાવતા આ બે ગ્રંથોમાં ભારતના ઇતિહાસ સાથે સંબદ્ધ ઘટનાઓનું આલેખન કરાયું છે, એટલે તે રાષ્ટ્રીય ઐતિહાસિક મહાકાવ્યો કહેવાય છે.

ઐતિહાસિક કાવ્યના મૂળમાં પ્રાચીન પ્રશસ્તિઓ રહેલી હશે એમ વિચારી શકાય; કેમ કે, એક ચોક્કસ પ્રકારના ઇતિહાસ સુધી પહોંચવામાં આ પ્રશસ્તિઓ એક મહત્વની કડીરૂપ જણાય છે. અલંકૃત શૈલીમાં રચાયેલી આ પ્રશસ્તિઓનો સંબંધ ઐતિહાસિક વ્યક્તિઓ સાથે છે. તેમાં કવિઓએ પોતાના આશ્રયદાતા રાજાના વિજય, પરાક્રમ વગેરેનું કરેલું વર્ણન પ્રાપ્ત થાય છે. તેમાં ઇતિહાસ ગૌણ હોય છે તથા રાજાનાં યશોગાન, રાજવંશોની યાદીઓ કે અન્ય ઐતિહાસિક વિગતોમાં સત્યનો અંશ ઓછો અને કલ્પનાનું તત્વ વિશેષ હોય છે; તેમ છતાં, ઇતિહાસ જાણવામાં ઉપયોગી એવી ઘણી સામગ્રી તેમાંથી પ્રાપ્ત થાય છે.

આ પ્રશસ્તિઓ જ આગળ જતાં શિલાલેખો રૂપે પણ આવિર્ભાવ પામે છે. તેમાં અશોકના શિલાલેખો (ઈ. પૂ. ત્રીજી સદી), રુદ્રદામનનો શિલાલેખ (150) તથા અઇહોળનો શિલાલેખ (634) વિશેષ નોંધપાત્ર છે. આ ઉપરાંત, અલ્લાહાબાદના સ્તંભ પર કોતરાયેલ, સમુદ્રગુપ્તની હરિષેણકૃત પ્રશસ્તિ (375-390), સ્કંદગુપ્તનો ગિરનારનો લેખ (456) વગેરે પણ ઉલ્લેખનીય છે. પ્રાચીન કાળના અનેક સાહિત્યિક સુગંધ ધરાવતા અભિલેખો (શિલાલેખો, ભિત્તિલેખો, તામ્રલેખો, તકતીલેખો વગેરે) છે, તેમાં એક ચોક્કસ પ્રકારની ઇતિહાસદૃષ્ટિ નજરે પડે છે.

વળી, ચરિત્રાત્મક કાવ્યોમાં પણ ઐતિહાસિક પાત્રની આસપાસ અન્ય અર્ધઐતિહાસિક કે કાલ્પનિક વિગતો જોડીને નિરૂપણ કરવામાં આવે છે તેનું કારણ એ છે કે ઐતિહાસિક ચરિત્રાત્મક કાવ્યો રચનાર ઇતિહાસનો માત્ર આધાર લે છે અને તેથી તેમનાં કાવ્યોમાં સત્યની સાથે દંતકથા કે કાલ્પનિક તત્વો પણ મિશ્રિત થયેલાં જણાય છે.

આ ઉપરાંત, પ્રબંધ પણ એક વિશિષ્ટ સાહિત્યપ્રકાર છે. સંસ્કૃત ગદ્ય અથવા ક્યારેક પદ્યમાં જે ઐતિહાસિક કથાનકની રચના કરવામાં આવે તેને પ્રબંધ કહે છે. તેમાં ઐતિહાસિક વ્યક્તિઓની વાત આવે છે ખરી, પરંતુ ઇતિહાસ કે જીવનચરિત્ર કરતાં તે અલગ છે, કેમ કે પ્રબંધનો ઉદ્દેશ શ્રોતાઓને માત્ર ઉપદેશ આપવાનો તથા જૈન ધર્મની મહત્તા દર્શાવવાનો અથવા નિર્ભેળ આનંદ આપવાનો જણાય છે.

આમ, કંઈક અંશે ઐતિહાસિક કહી શકાય તેવા રાજાઓની પ્રશસ્તિઓ, ઉત્કીર્ણલેખો, તામ્રપત્રો તથા સિક્કાને આધારે આછોપાતળો ઇતિહાસ જરૂર મળે છે. કવિઓએ ઐતિહાસિક ગણી શકાય એવાં કાવ્યો બહુ જ થોડાં લખ્યાં છે; તેવાં કાવ્યોમાં પણ ઐતિહાસિક વિગતો કરતાં કાવ્યતત્વ જ વિશેષ હોય છે. તેમ છતાં, પુરાણઇતિહાસથી આરંભાયેલ, પ્રશસ્તિકાવ્યોથી વિકસેલ અને મહાકાવ્ય આખ્યાયિકા વગેરે રૂપે સ્થિર થયેલ આ ઐતિહાસિક કાવ્યપ્રકારના કેટલાક નમૂના નોંધપાત્ર છે. માલવિકાગ્નિમિત્ર, કર્ણસુંદરી વગેરે રૂપકોમાં પણ ઇતિહાસતત્વનો સંસ્પર્શ ઓછેવત્તે અંશે થયેલો છે, પરંતુ અહીં નાટકેતર ગદ્યપદ્ય સાહિત્યને કેન્દ્રમાં રાખ્યું છે.

સંસ્કૃત સાહિત્યમાં ઐતિહાસિક કાવ્ય લખવાનો આરંભ કદાચ બાણે કર્યો. જોકે, અપૂર્ણ અવસ્થામાં પ્રાપ્ત થતી અશ્વઘોષની કૃતિ ‘શારીપુત્ર પ્રકરણ’ તથા તેમના ‘બુદ્ધચરિત્ર’ કે ‘સૌંદરનંદ’ કાવ્યને પણ આ શ્રેય અમુક અંશે આપી શકાય તેમ છે. બાણકૃત ‘કાદંબરી’માં પણ ચોક્કસ ઐતિહાસિક ર્દષ્ટિ છે. તેમણે તેની શરૂઆતમાં જ અનેક કવિઓની લાંબી હારમાળા આપીને સ્તુતિ કરી છે. તેમનું ‘હર્ષચરિત’ ઐતિહાસિક કાવ્યનો પહેલો ઉત્તમ નમૂનો છે. સાતમી સદીમાં રચાયેલા આ આખ્યાયિકા પ્રકારના ગદ્યકાવ્યની શરૂઆતમાં, નામશેષ બનેલા કેટલાક પૂર્વવર્તી કવિઓની નામાવલિ મળે છે. વળી, આખ્યાયિકાના નિયમ અનુસાર તેના આરંભમાં બાણની આત્મકથા આવે છે. તેથી તે વધુ ઉપયોગી ગ્રંથ બની રહે છે. આમાં હર્ષનું ચરિત વર્ણવાયું છે. હર્ષની પરંપરા, કુટુંબકથા, જીવનકથા, રાજ્યકથા વગેરેનું વર્ણન અહીં પ્રાપ્ત થાય છે. જોકે તેનું શુદ્ધ ઐતિહાસિક મહત્વ ઓછું હોવા છતાં સમકાલીન યુગની સાંસ્કૃતિક, સામાજિક, રાજનૈતિક અને ધાર્મિક પરિસ્થિતિઓના અભ્યાસને માટે તેનું મહત્વ સવિશેષ છે.

વાકપતિરાજના, મહારાષ્ટ્રી પ્રાકૃતમાં રચાયેલા ‘ગઉડવહો’ કાવ્યમાં કાશ્મીરના રાજા લલિતાદિત્ય દ્વારા પરાજય પામનાર કનોજરાજ યશોવર્માના ચરિત્રનું ચિત્રણ કરાયું છે. આ મહાકાવ્ય કંઈક અંશે ઐતિહાસિક કહી શકાય તેવી કૃતિ છે, પરંતુ તે સંપૂર્ણતયા પ્રાપ્ત થતું નથી. તેનો સમય પણ નિશ્ચિત નથી. પરંતુ જો તે યશોવર્માના મૃત્યુ બાદ લખાયું હોય તો તેને 750ની આસપાસ ગોઠવી શકાય.

આઠમી સદીના પૂર્વાર્ધના કાશ્મીરના રાજા અજિતાપીડના સમય દરમિયાન થયેલ શંકુક કવિએ પોતાના ‘ભુવનાભ્યુદય’ કાવ્યમાં મમ્મ ને ઉત્પલનું યુદ્ધ વર્ણવ્યું છે. તેનો નિર્દેશ કલ્હણે કર્યો છે. જોકે તે ઉપલબ્ધ નથી. પરંતુ જો તે પ્રાપ્ત થયું હોત તો તે કદાચ પ્રાચીન ઐતિહાસિક કાવ્યના નમૂનારૂપ બની રહેત.

મૃગાદત્તપુત્ર પરિમલ કે પદ્મગુપ્તે રચેલું ‘નવસાહસાંકચરિત’ કાવ્ય પણ ઐતિહાસિક રચના મનાય છે; પરંતુ તેમાં ઐતિહાસિક તત્વ ઓછું છે. 1050માં રચાયેલ 18 સર્ગના આ કાવ્યમાં કલ્પના અને હકીકતનું મિશ્રણ જોવા મળે છે. ‘નવસાહસાંક’ બિરુદ્ઘારી માલવદેશના સિંધુરાજના, રાજકુમારી શશિપ્રભા સાથેનાં લગ્નની કથાનું આલેખન કરતા આ મહાકાવ્યમાં પરમાર વંશની પેઢીઓનું ચિત્રણ છે. સિંધુરાજના ગૌરવને બિરદાવવા માટે જ રચાયેલ આ કલ્પનાસભર કૃતિનું શુદ્ધ ઐતિહાસિક કૃતિ તરીકે ઝાઝું મૂલ્ય આંકી શકાય તેમ નથી.

સંધ્યાકરનંદિકૃત, 1057-58માં રચાયેલું ‘રામપાલચરિત’ શ્લેષાત્મક કાવ્ય છે. એક બાજુ શ્રી રામચંદ્રનું વર્ણન સમજાય અને બીજી તરફ બંગાળના રાજા રામપાલનો ઇતિહાસ પણ જાણી શકાય એવી વિશિષ્ટ રીતે, દ્વિઅર્થી શ્લોકોમાં રચાયેલ આ કાવ્યમાં કંઈક અંશે ઇતિહાસની સામગ્રી સાંપડે છે. ભીમ નામના કૈવર્ત રાજાને જીતીને રામપાલે પોતાનું રાજ્ય કઈ રીતે પાછું મેળવ્યું એનો ઇતિહાસ અહીં નિરૂપાયો છે ખરો, પરંતુ શ્લેષ સાચવવામાં વિશેષ ધ્યાન આપતા કવિ આ કાવ્ય દ્વારા ઐતિહાસિક ર્દષ્ટિએ વિશેષ સિદ્ધિ હાંસલ કરી શક્યા નથી.

બિલ્હણનું ‘વિક્રમાંકદેવચરિત’ એ એક નોંધપાત્ર ઐતિહાસિક કાવ્ય છે. પોતાના આશ્રયદાતા ચૌલુક્યરાજ વિક્રમાદિત્ય(1076-1127)ની ગૌરવગાથાના આલેખન અર્થે બિલ્હણે રચેલા આ 18 સર્ગના મહાકાવ્યનો છેલ્લો સર્ગ ‘હર્ષચરિત’ના પ્રથમ ઉચ્છવાસની જેમ જ કવિનાં કુળ, દેશ તથા રાજ્યકર્તા વિશે અને કવિની રખડપટ્ટી તથા સાહિત્યસાહસો વિશે રસપ્રદ માહિતી આપે છે. તે ઉપરાંત સમગ્ર કાવ્યમાં જુદા જુદા પ્રસંગે ઐતિહાસિક અંશો દાખલ થઈ ગયા છે. તેમ છતાં તેમાં દંતકથાનું મિશ્રણ તો છે જ અને તેમાંથી શુદ્ધ ઇતિહાસને ભાગ્યે જ તારવી શકાય તેમ છે. વળી, રાજાના અને અન્ય સહુનાં વર્ણનોમાં કવિ ચિત્રવિચિત્ર છંદો – કલ્પનાઓ – વર્ણનો મૂકે છે. સાથે જ તે પોતે નિષ્પક્ષપાતી નથી; કારણ કે પોતાના આશ્રયદાતાનું તેમણે માત્ર ગૌરવગાન જ કર્યું છે. તેના એક પણ પરાજયનો અહીં ઉલ્લેખ નથી. એમ કહી શકાય કે કુશળ કવિ હોવા છતાં તેમનામાં ઐતિહાસિક ર્દષ્ટિનો અભાવ તરત જ દેખાઈ આવે છે.

ઐતિહાસિક કાવ્યના ક્ષેત્રમાં સૌથી વધુ નોંધપાત્ર કૃતિ છે કલ્હણકૃત ‘રાજતરંગિણી’ (અગિયારમી સદી). પ્રમાણભૂત ઐતિહાસિક ગ્રંથ હોવા ઉપરાંત, તે અલંકારોથી સમૃદ્ધ એક સુંદર સાહિત્યિક રચના પણ છે. તરંગોમાં વિભાજિત આ ગ્રંથમાં વર્ણનાત્મક શૈલી, કલ્પનાની રમ્યતા અને અલંકારમયતા સાથે ચોક્કસ ઇતિહાસ સ્થાન પામ્યો છે. કાશ્મીરનો રાજનૈતિક ઇતિહાસ, સામાજિક વ્યવસ્થા, આર્થિક દશા વગેરે જાણવા માટે તે પ્રમાણભૂત ગ્રંથ છે. તેમાં કાશ્મીરના રાજાઓની વંશાવલી આપવામાં આવી છે તથા કાશ્મીરના રાજા સાથે સંકળાયેલાં વિભિન્ન સ્થળોનું આલેખન થયું છે. અહીં રજૂ થયેલી કથાઓ અને વિગતોને આધારે બીજા પણ ઘણા પ્રદેશો અને રાજ્યપ્રદેશો અંગે ઠીકઠીક વિગતો નક્કી કરી શકાય છે તેમજ વિચારી શકાય છે. ઘણાબધા રાજાઓનો સમય પણ તે દ્વારા જાણી શકાય છે અને તેથી કાશ્મીરના ઇતિહાસ માટે જ નહિ, પણ ભારતના અનેક પ્રદેશોના ઇતિહાસ માટે પણ ‘રાજતરંગિણી’ કંઈક અંશે આધારભૂત ગ્રંથ બની રહ્યો છે.

કાશ્મીરની આંતરિક બાબતોનું અત્યંત ઝીણવટપૂર્વક અને સાચી ઐતિહાસિક ર્દષ્ટિથી કરાયેલું ચિત્રણ કલ્હણને અન્ય ઐતિહાસિક કવિઓથી જુદો પાડે છે. સંક્ષેપમાં, કલ્હણ સાચી પરિસ્થિતિ સાથે પોતાના ચિત્તને જોડી બનાવની નોંધ લેનાર તથા એ રીતે વસ્તુને જોઈ શકનાર એક અનોખો કવિ છે. એની કૃતિ ઉપરથી ઇતિહાસ ઉપરાંત, એના વ્યક્તિત્વની ઊંડી છાપ મેળવી શકાય છે. તેમાં કાશ્મીરના પરસ્પરના ઝઘડા અને ખટપટો વિશે વિગતવાર હકીકતો તો મળે છે જ, સાથે એનું પોતાનું જીવનચરિત્ર પણ તેમાંથી વિગતે મળી રહે છે.

આચાર્ય હેમચન્દ્ર (1088-1172) કૃત ચૌલુક્ય રાજાઓના વંશનો ઇતિહાસ આલેખતું ‘દ્વયાશ્રય’ મહાકાવ્ય 28 સર્ગમાં રચાયું છે. તે પૈકી 20 સર્ગમાં મૂળરાજથી આરંભીને સિદ્ધરાજ જયસિંહ સુધીની કથા સંસ્કૃત ભાષામાં નિરૂપાઈ છે તથા આઠ સર્ગમાં પ્રાકૃત ભાષામાં કુમારપાળની કથા આલેખાઈ છે.

ઐતિહાસિક, સાંસ્કૃતિક તેમજ પ્રાદેશિક ર્દષ્ટિએ ઘણીબધી વિગતો રજૂ કરતું આ કાવ્ય ગુજરાતની તવારીખ માટે તેમજ ભૌગોલિક વિશેષતાઓને સમજવા-પામવા માટે મહત્વનું છે. કાશ્મીર માટે જેમ ‘રાજતરંગિણી’ તેમ ગુજરાત માટે કેટલેક અંશે ‘દ્વયાશ્રય’ છે એમ કહી શકાય. ભારતના ભિન્ન ભિન્ન પ્રદેશો માટે આવાં કાવ્યો જો રચાયાં હોત તો ભારતનો ઇતિહાસ વધારે સંગઠિત બની શક્યો હોત.

અપૂર્ણપણે પ્રાપ્ત થતા ‘પૃથ્વીરાજ વિજય’માં શાહબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ઉપર મેળવેલા વિજય(1191)ની કથા આલેખાઈ છે. આ કાવ્યના કર્તા અજ્ઞાત છે.

કવિ સોમેશ્વરદત્તરચિત ‘કીર્તિકૌમુદી’ અને ‘સુરથોત્સવ’ ગુજરાતના ઇતિહાસ માટે ખૂબ ઉપયોગી છે. નવ સર્ગમાં રચાયેલું ‘કીર્તિકૌમુદી’ ઐતિહાસિક મહાકાવ્ય છે. એમાં વસ્તુપાળનું ચરિત્ર વર્ણવાયું છે. વસ્તુપાળનાં પરાક્રમો અને સત્કૃત્યોની પ્રશસ્તિરૂપ આ કાવ્યમાં ઇતિહાસનું નિરૂપણ અત્યંત કલાત્મક રીતે કરવામાં આવ્યું છે. તેમનું ‘સુરથોત્સવ’ 15 સર્ગમાં રચાયેલું છે. તેનું કથાનક પુરાણ ઉપર આધારિત હોવા છતાં, તેમાં તત્કાલીન રાજકીય બનાવો પણ નિરૂપાયા છે.

બાલચંદ્રકૃત ‘વસંતવિલાસ’ મહાકાવ્ય પણ વસ્તુપાલના જીવન પરત્વે રચાયું છે. તેના 14 સર્ગોમાં વાસ્તવ અને કલ્પનાનું સુભગ સંમિશ્રણ જોવા મળે છે.

ઉદયપ્રભસૂરિકૃત ‘ધર્માભ્યુદય’ કે ‘સંઘપતિચરિત’ને પણ કંઈક અંશે ઐતિહાસિક મહાકાવ્ય કહી શકાય. તેના 15 સર્ગો પૈકી પહેલા અને છેલ્લા સર્ગમાં ઐતિહાસિક વિગતો નિરૂપાઈ છે. બાકીના સર્ગોમાં માત્ર જૈન ધર્મકથાઓ છે.

પ્રભાચંદ્રકૃત પદ્યપ્રબંધાત્મક ‘પ્રભાવકચરિત’ (1278) હેમચન્દ્રના પરિશિષ્ટ પર્વના અનુસંધાનમાં આગળ વધે છે. અર્ધઐતિહાસિક કહેવાય તેવી આ કૃતિમાં 22 જેટલા જૈન આચાર્યોની જીવનકથાનું નિરૂપણ પ્રાપ્ત થાય છે.

અરિસિંહે રચેલું 11 સર્ગનું ‘સુકૃતસંકીર્તન’ (તેરમી સદી) પણ પ્રશસ્તિકાવ્ય જેવું એક ચરિત્રપ્રધાન મહાકાવ્ય છે. ‘કીર્તિકૌમુદી’માં વસ્તુપાળના રાજકીય જીવન ઉપર ભાર મુકાયો છે, તો આ કાવ્યમાં ગુજરાતના વસ્તુપાલનાં ધાર્મિક કાર્યો અને તેનાં વિવિધ મંદિર-નિર્માણોનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. આ રીતે જોતાં, તે બંને કાવ્યો એકબીજાનાં પૂરક જણાય છે.

સર્વાનંદકૃત સચ્ચરિત્રશીલ જૈન શાહ સોદાગર જગડુ શાહની પ્રશસ્તિરૂપ ‘જગડુચરિત’(ચૌદમી સદી)માં જૈન દાનવીર જગડુ શાહની કથા આલેખાઈ છે. કાવ્યત્વની ર્દષ્ટિએ સામાન્ય જણાતા આ કાવ્યમાં, 1256-58માં પડેલા ભીષણ દુકાળમાં પ્રજાને રક્ષણ આપવા માટે આગળ આવેલા જગડુ શાહે લોકોને માટે ઠેર ઠેર અન્નભંડારો ખુલ્લા મૂક્યા તેનું સચોટ વર્ણન છે.

શંભુ કવિએ કાશ્મીરનરેશ હર્ષદેવ(1089-1101)ની પ્રશસ્તિ રૂપે ‘રાજેન્દ્રકર્ણપૂર’ની રચના કરી છે. એમાં જુદા જુદા છંદોમાં રચાયેલા 75 શ્લોકો છે. ઉદયપ્રભસૂરિના ‘સુકૃતકીર્તિકલ્લોલિની’માં વસ્તુપાળની પ્રશંસા છે તથા જગન્નાથનું ‘પ્રાણાભરણ’ 53 શ્લોકોમાં કામરૂપના પ્રાણનારાયણની પ્રશંસા કરે છે.

આ ઉપરાંત, રાજપુરીના રાજા સોમપાલનો ઇતિહાસ આલેખતું જલ્હણકૃત ‘સોમપાલવિલાસ’ (અપ્રાપ્ય), મેરુતુંગાચાર્યકૃત ‘પ્રબંધ-ચિંતામણિ’ (1305), રાજાઓ, આચાર્યો, કવિઓ અને બીજા સમર્થ પુરુષોની જીવનકથાઓના સંદર્ભરૂપ ‘પ્રબંધકોશ’ (1349), જયસિંહસૂરિનું ‘કુમારપાલચરિત’ (1367), ચૌદમી સદીના વિદ્યાપતિનું ‘કીર્તિલતા’, અજય ભટ્ટ અને તેના શિષ્ય શુક દ્વારા રચાયેલ ‘રાજાવલીપટ્ટક’ વગેરે પણ ઐતિહાસિક ગણી શકાય તેવાં કાવ્યો છે.

તપસ્વી નાન્દી