એસર તૉબિયાસ (જ. 28 એપ્રિલ 1838, ઍમસ્ટરડૅમ, નેધરલેન્ડઝ; અ. 29 જુલાઈ 1913, હેગ, નેધરલેન્ડઝ) : પ્રથમ હેગ શાંતિ પરિષદમાં લવાદીની કાયમી અદાલત(Permanent Court of Arbitration)ની રચનામાં મહત્વનો ફાળો આપવા બદલ (ઑસ્ટ્રિયાના આલ્ફ્રેડ ફ્રીડ સાથે) 1911નું શાંતિ માટેનું નોબેલ પારિતોષિક મેળવનાર ડચ ન્યાયવિદ. 1862થી 1893 સુધી યુનિવર્સિટી ઑવ્ ઍમસ્ટરડૅમમાં આંતરરાષ્ટ્રીય કાયદાના પ્રાધ્યાપક. 1869માં બીજા 2 સાથીદારો સાથે ‘રિવ્યૂ ઑવ્ ઇન્ટરનૅશનલ લૉ ઍન્ડ લેજિસ્લેશન’ની અને 1873માં ‘ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ટરનૅશનલ લૉ’ની સ્થાપના. 1891થી આંતરરાષ્ટ્રીય ખાનગી કાયદાના એકીકરણ માટે હેગ પરિષદ બોલાવવા ડચ સરકાર પર દબાણ શરૂ કર્યું. 1893માં આ પરિષદ મળી અને પછી તે કાયમી સંસ્થા બની. કૌટુંબિક કાયદા અંગેની સંધિઓમાં મહત્વની ભૂમિકા ભજવવા ઉપરાંત 1911-12માં આંતરરાષ્ટ્રીય હૂંડીઓ સંબંધી કાનૂનના એકીકરણ માટેની પરિષદોમાં અધ્યક્ષસ્થાન સંભાળ્યું. 1893માં કાઉન્સિલ ઑવ્ સ્ટેટના સભ્ય. 1899 તથા 1907માં હેગની શાંતિ પરિષદોમાં નેધરલૅન્ડ્ઝનું પ્રતિનિધિત્વ કર્યું. આ પરિષદોએ યુદ્ધ અને શાંતિ સમયના આંતરરાષ્ટ્રીય કાયદામાં સુધારાવધારા સૂચવી મહત્વનું અને કાયમી યોગદાન આપ્યું.
દેવવ્રત પાઠક
હેમન્તકુમાર શાહ