ઍસિટેબ્યુલેરિયા : વનસ્પતિઓના ક્લૉરોફાઇટા વિભાગના ડેસિક્લેડેલ્સ ગોત્રની એક દરિયાઈ લીલ. તેને ‘મત્સ્યકન્યાના મદ્યજામ’ (mermaid’s wineglass) તરીકે ઓળખાવવામાં આવે છે. વિશ્ર્વમાં તેની 20 જેટલી જાતિઓ નોંધાઈ છે. પરિપક્વ સુકાયનું પુષ્કળ પ્રમાણમાં કૅલ્શિકરણ (calcification) થયું હોય છે. તે ટટ્ટાર અશાખિત અક્ષ ધરાવે છે, જે જન્યુધાનીય કિરણો(gametangial rays)ના એક કે તેથી વધારે ચક્રો ધરાવે છે. નાની જાતિઓનો પરિપક્વ સુકાય 2 મિમી.થી 5 મિમી. ઊંચો હોય છે અને તેમના ફળાઉ બિંબ(disk)નો વ્યાસ 1 મિમી.થી 3 મિમી. હોય છે, જ્યારે મોટી જાતિઓ 9 સેમી.થી 10 સેમી. ઊંચી હોય છે અને ફળાઉ બિંબનો વ્યાસ 1.0 સેમી. જેટલો હોય છે. અક્ષના નીચેના ભાગમાં મૂલાંગ-તંત્ર (rhizoidal system) ઉત્પન્ન થાય છે. મૂલાંગોની મદદથી તે આધારતલ (substratum) સાથે વળગીને રહે છે.

ઍસિટેબ્યુલેરિયા : (અ) સુકાય, (આ) ફળાઉ બિંબનો ઊભો છેદ

ઍસિટેબ્યુલેરિયાના વિકાસ દરમિયાન યુગ્મક કોષકેન્દ્ર કે પ્રાથમિક કોષકેન્દ્ર (zygote nucleus or primary nucleus) ફળાઉ ચક્ર પૂરા કદમાં વૃદ્ધિ ન પામે ત્યાં સુધી વિભક્ત થતું નથી. તે અક્ષના તલભાગમાં રહે છે અને તેના મૂળ વ્યાસ કરતાં લગભગ 20 ગણું વિસ્તાર પામે છે. તેનાં અનેક વાર વિભાજનો થતાં બહુકોષકેન્દ્રી બને છે. આ કોષકેન્દ્રો પૈકીનાં મોટાભાગનાં કોષકેન્દ્રો જન્યુધાનીય કિરણોમાં પ્રવેશી એકકોષકેન્દ્રી કોષ્ઠ(cyst)માં પરિણમે છે. આ કોષ્ઠ તેમના મૂળ કદ કરતાં અનેક ગણો કદમાં વધારો કરે છે અને તેનું કોષકેન્દ્ર શ્રેણીબદ્ધ પુનરાવર્તિત વિભાજનો પામે છે. તેનું અંતિમ શ્રેણીનું વિભાજન અર્ધસૂત્રીભાજન પ્રકારનું હોય છે. આ કોષ્ઠનું અંકુરણ થતાં અસંખ્ય દ્વિકશાધારી અને એકકોષકેન્દ્રી સમજન્યુઓ (isogametes) ઉત્પન્ન થાય છે. કોષ્ઠની એક બાજુએ આવેલું ઢાંકણ ખૂલતાં સમજન્યુઓ મુક્ત થાય છે. ઍસિટેબ્યુલેરિયા સમસુકાયક (homothallic) હોવાથી તે બંને જાતિના જન્યુઓ એક જ સુકાય ઉપર ઉત્પન્ન કરે છે. જોકે કોઈ પણ એક કોષ્ઠના બધા જ જન્યુઓ એક જ જાતિના હોય છે. વિજાતીય જન્યુઓના સંયોગથી ઉદભવતો દ્વિગુણિત (diploid) યુગ્મનજ અંકુરણ પામી નવું ઍસિટેબ્યુલેરિયા ઉત્પન્ન કરે છે.

બળદેવભાઈ પટેલ