એશ્પાઇ, આન્દ્રેઇ (જ. 15 મે 1925, રશિયા; અ. 8 નવેમ્બર 2015, મોસ્કો, રશિયા) : આધુનિક રશિયન સંગીતકાર અને સ્વર-નિયોજક. 17 વરસની ઉંમરે નેસિન મ્યૂઝિક સ્કૂલમાં વિદ્યાર્થી તરીકે દાખલ થયા, પણ બીજા વિશ્વયુદ્ધનાં નગારાં વાગતાં અભ્યાસ પડતો મૂકી રણમોરચે લશ્કરમાં ભરતી થવું પડ્યું. 1948માં યુદ્ધ પૂરું થતાં મૉસ્કો પાછા ફરી મૉસ્કો કૉન્ઝર્વેટરીમાં સંગીતના વિદ્યાર્થી તરીકે પ્રવેશ મેળવ્યો. અહીં આર્મેનિયન સંગીત-નિયોજક આરામ ખાચાતુરિયન તેમના શિક્ષક હતા.
વિદ્યાર્થીકાળથી જ એશ્પાઇને રશિયાની ‘મારી’ જાતિના લોકસંગીતમાં ઊંડી રુચિ હતી. આ લોકસંગીતનો આધાર લઈ એશ્પાઇએ મૌલિક રચનાઓ કરવી શરૂ કરી. વિખ્યાત રશિયન દાદા કવિ વ્લાદિમિર માયકૉવ્સ્કીને અર્પણ એશ્પાઇની પ્રથમ સિમ્ફનીથી જ આ હકીકત સ્પષ્ટ બને છે. તેમની પ્રારંભકાળની કૃતિઓમાં આ ઉપરાંત ‘પિયાનો કન્સર્ટો નં. 1’, ‘સિમ્ફનિક ડાન્સિસ’, ‘સિમ્ફની નં. 2 : ઇન પ્રેઇઝ ઑવ્ લાઇટ’, ‘સિમ્ફની નં. 3’ તથા ‘કૉન્સર્ટો ફૉર સોલો ટ્રમ્પેટ, પિયાનો, વિબ્રાફોન ઍન્ડ ડબલ બાસ’ મહત્ત્વની છે.
સર્જનના બીજા તબક્કામાં એશ્પાઇ રશિયન સંગીત-નિયોજક નિકોલાઈ મિયાસ્કૉવ્સ્કી(Nikolai Myaskovsky)ના પ્રભાવ હેઠળ આવ્યો; જેમાંથી મુખ્ય કૃતિઓ ‘પિયાનો કન્સર્ટો નં. 2’, બૅલે ‘અંગારા’, ‘વાયોલિન કન્સર્ટો નં. 2’ તથા બે ઑપેરેટા ‘નો વન ઇઝ હૅપિયર ધેન મી’ અને ‘ઇટ ઇઝ ફૉર્બિડન ટુ લવ’ છે.
રશિયા અને પૂર્વ યુરોપના દેશો ઉપરાંત એશ્પાઇનું સંગીત જર્મનીમાં તો ખાસ લોકપ્રિય છે.
અમિતાભ મડિયા