એષુત્તચ્છન, તુંચત રામાનુજન

January, 2004

એષુત્તચ્છન, તુંચત રામાનુજન(જ. 1595 કેરાલા,; અ.-) : મલયાળમ લેખક (પંદરમી સદી). અંગ્રેજી સાહિત્યના ચૉસરની જેમ તે મલયાળમ સાહિત્યના પિતા ગણાય છે. શૂદ્ર જાતિના હતા અને પોતાના મોટા ભાઈના શિષ્ય હતા. એમનો વ્યવસાય અધ્યાપનનો હતો અને તેમણે જ્ઞાનપ્રાપ્તિ માટે તીર્થયાત્રા-દેશભ્રમણ કરેલાં. કેરળમાં ચિટ્ટુરમાં તેમણે એક ગુરુમઠ સ્થાપ્યો હતો. ભારતીય સંત કવિઓની પરંપરામાં તેઓ અગ્રગણ્ય છે. તેમના સમયમાં મલયાળમ કવિતાના ત્રણ પ્રવાહો હતા. એક તમિળપ્રચુર ‘પાટ્ટુ’, બીજો સંસ્કૃતપ્રધાન ‘મણિપ્રવાલમ્’ અને ત્રીજો પ્રાદેશિક લોકગીતોનો. એષુત્તચ્છને આ ત્રણે ધારાઓના ગુણોનો સમન્વય કરીને પોતાની ઉત્તમ શૈલી ઉપજાવી હતી. એમની સુપ્રસિદ્ધ કૃતિ ‘અધ્યાત્મ રામાયણમ્ કિળિપાટ્ટુ’ છે અને તે સંત તુલસીદાસના ‘રામચરિતમાનસ’ની માફક ઘરેઘર વંચાય છે. આ કૃતિ ભાષાંતર નથી. તેમનું ‘મહાભારતમ્ કિળિપાટ્ટુ’ મહાભારતના સુંદર સારરૂપ છે. તે અદ્વૈત વેદાંતના અનુયાયી હતા અને જનતામાં તેમણે રામભક્તિનો પ્રચાર કર્યો હતો. તેમણે ‘કિળિપાટ્ટુ’ શૈલી અપનાવીને તેને એક શિષ્ટમાન્ય રૂપ આપ્યું. પંડિતાઈનું પ્રદર્શન કરવા નહિ, પણ લોકોમાં ભક્તિરસ જગાડવા તેમણે કલમ ચલાવી હતી. શ્રીમદ્ ભાગવત પણ તેમણે રચ્યું કહેવાય છે. ભક્તિરસનાં અનેક ભજનો પણ તેમણે રચેલાં છે.

અક્કવુર નારાયણન્