એવલિન, જૉન (જ. 31 ઑક્ટોબર 1620, વૉટન, સરે, ઇંગ્લૅન્ડ; અ. 27 ફેબ્રુઆરી 1706, વૉટન) : અંગ્રેજ રોજનીશીકાર અને લેખક. તેમણે લલિત કળાઓ, વનવિદ્યા અને ધાર્મિક વિષયો પર આશરે 30 જેટલાં પુસ્તકો લખ્યાં છે. લગભગ આખી જિંદગી દરમિયાન લખેલી તેમની ડાયરી સત્તરમી સદીના ઇંગ્લૅન્ડના સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને રાજકીય જીવનને લગતી માહિતી માટે મૂલ્યવાન સ્રોત નીવડી છે.

તેઓ ધનિક જાગીરદારના પુત્ર હતા. લંડનમાં મિડલ ટેમ્પલ ખાતે તથા ઑક્સફર્ડમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ ઇંગ્લૅન્ડના આંતરવિગ્રહ દરમિયાન રાજાતરફી પરિબળો સાથે જોડાવાને બદલે, પોતાના ભાઈની જાગીર જોખમમાં મુકાય એવી દહેશતથી 1643માં તેઓ ફ્રાન્સ, રોમ, વેનિસ જેવાં સ્થળોના પ્રવાસે ઊપડી ગયા. 1652માં કૉમનવેલ્થની રચના દરમિયાન તેઓ ઇંગ્લૅન્ડ પાછા ફર્યા. 1659માં તેમણે રાજાશાહી તરફી 2 પત્રિકાઓ પ્રગટ કરી.

1660માં રાજાશાહીના પુન: સ્થાપન વખતે ચાર્લ્સ (બીજા) તરફથી તેમને સારો આવકાર સાંપડ્યો. તેમણે ઘણાં કમિશનોના સભ્ય તરીકે સેવા આપી. તેમાં લંડનની શેરી સુધારણા (1662), રૉયલ ટંકશાળ (1663) અને જૂના સેંટ પૉલ દેવળની મરામત માટેનાં કમિશનો મુખ્ય હતાં. એથી મહત્વનાં 2 કમિશનો તો માંદા અને ઘવાયેલા ખલાસીઓ તેમજ ચાર્લ્સ(બીજા)ના ડચ યુદ્ધો દરમિયાનના યુદ્ધસૈનિકો અંગેનાં હતાં. એ કામગીરી માટે તેમણે પ્લેગનું જોખમ પણ વહોર્યું હતું અને ખાસ્સું અંગત ખર્ચ વેઠ્યું હતું. એ અંગત ખર્ચ પરત મેળવવા તેમણે ખૂબ લડવું પડ્યું હતું અને એવા કપરા સમયે તેમને બીજા નામી ડાયરી-લેખક પીપ્સે મદદ કરી અને ત્યારથી તેઓ આજીવન મિત્રો બની રહ્યા હતા.

1671થી 1674 દરમિયાન તેમણે કાઉન્સિલ ફૉર કૉલોનિયન અફેર્સની કામગીરી બજાવી. તેઓ રૉયલ સોસાયટીની કાઉન્સિલમાં નિયુક્ત થયા હતા અને તેના આજીવન સભ્ય બની રહ્યા. એ દરમિયાન તેમણે વિવિધ વૃક્ષોના વર્ણનને લગતું ‘સિલ્વા ઑર એ ડિસ્કૉર્સ ઑવ્ ફૉરેસ્ટ ટ્રીઝ ઍન્ડ ધ પ્રૉપેગ્રેશન ઑવ્ ટિમ્બર’ લખ્યું અને 1825 સુધીમાં તેની 10 આવૃત્તિઓ થઈ હતી. 1662માં તેમણે એન્ગ્રેવિંગ અને એચિંગ વિશે ‘સ્કલ્પચરા’ લખ્યું અને તેમાં ‘મેઝોટિન્ટ’ નામની નવી પ્રક્રિયા દર્શાવી. તેમની ‘લાઇફ ઑવ્ મિસિસ ગૉડૉલ્ફિન’ (1847) સત્તરમી સદીની એક સૌથી હૃદયસ્પર્શી જીવનકથા લેખાઈ છે.

જેમ્સ બીજાના રાજ્યારોહણ પછી તેમણે પ્રિવી સીલ માટેના 3 પૈકીના એક કમિશનર તરીકે નિયુક્ત કરાયા હતા. તેમની છેલ્લી મહત્વની કૃતિ ‘ન્યૂમિસમૉય’ 1697માં પ્રગટ થઈ હતી.

તેમની ડાયરીનો લેખન-આરંભ તેઓ 11 વર્ષના હતા ત્યારથી થયો હતો. સૌ પહેલાં તે 1818માં પ્રગટ થઈ હતી; 1955માં ઈ. એસ. દ બીરે તેના 6 ગ્રંથો સંપાદિત કરીને પ્રગટ કર્યા હતા. આ રોજનિશી તેમણે પોતા પૂરતી જ લખી હતી, પરંતુ તેમાં તેમના પોતા વિશે પ્રમાણમાં બહુ ઓછો ઉલ્લેખ છે. તેમાં સ્થળો અને પ્રસંગો, સમકાલીન પાત્રો-વ્યક્તિઓનાં વર્ણનો તેમજ અનેક પ્રકારના હેવાલો અને વૃત્તાંતો આલેખાયાં હોવાથી તે 50 વર્ષના અંગ્રેજી જીવનપ્રવાહના સાક્ષીની ગરજ સારે છે અને એથી એનું ઐતિહાસિક મૂલ્ય અનેકગણું છે.

કૃષ્ણવદન જેટલી

મહેશ ચોકસી