એવરેસ્ટ શિખર : પૃથ્વી પરનું મહત્તમ ઊંચાઈ ધરાવતું ગિરિશિખર. એશિયાની દક્ષિણે આવેલી હિમાલય પર્વતરચના પૈકીની મધ્યઅક્ષીય હારમાળાની ઉત્તરે, નેપાલ-તિબેટની સરહદે, પરંતુ નેપાલની ભૌગોલિક હદમાં આવેલું છે. ભૌગોલિક સ્થાન : 28° ઉ. અ. અને 87° પૂ. રે. પર તે બે શિખર-ટોચમાં વિભાજિત છે. ઉત્તરીય ટોચ સમુદ્રસપાટીથી 8,848 મીટરની અને દક્ષિણટોચ 8,748 મીટરની ઊંચાઈ ધરાવે છે.

ઊંચાઈ : સર્વેક્ષકો એવરેસ્ટ શિખરની ચોક્કસ ઊંચાઈ માટે એકમત નથી. 19મી સદીના મધ્યકાળમાં બ્રિટિશ સરકારે કરેલા સર્વેક્ષણ મુજબ, તેની ઊંચાઈ 8,840 મીટર નક્કી કરવામાં આવેલી. રાધાનાથ સિકદાર નામના ભારતીય સર્વેક્ષકે તે વખતે તેની ઊંચાઈ (29,028 ફૂટ) 8,708 મીટર હોવાનું નિર્ધારિત કર્યું હતું. 1954માં ભારત સરકારે કરેલાં સર્વેક્ષણો મુજબ તેની ઊંચાઈ 8,848 મીટર ઠરાવેલી. છેલ્લા અધિકૃત અહેવાલો પ્રમાણે તેની ઊંચાઈ 8,872 મીટર ઠરાવાઈ છે.

એવરેસ્ટ શિખર

નામ : પુરાણોમાં અને કાલિદાસનાં કેટલાંક નાટકોમાં આ પર્વતનાં સુંદર વર્ણનો પ્રાપ્ત થાય છે. અગાઉ તે ‘ગૌરીશંકર’ નામથી જાણીતું હતું. એવરેસ્ટની ઊંચાઈ અને કદને કારણે ત્યાંના પ્રાદેશિક વિસ્તારમાં તે અલગ તરી આવતું હોવાથી, તિબેટી ભાષામાં તેને ‘ચોમોલુંગ્મા’ (જગતની દેવીમાતા) કહે છે. નેપાળીઓ તેને ‘સાગરમાથા’ નામથી ઓળખાવે છે. અંગ્રેજ શાસનકાળ દરમિયાનના ભારતના બ્રિટિશ સર્વેયર જનરલ સર જ્યૉર્જ એવરેસ્ટ(1760-1866)ના નામ પરથી આ શિખરનું નામ ‘માઉન્ટ એવરેસ્ટ’ પડ્યું છે.

ઉત્પત્તિબંધારણ : આજે જ્યાં હિમાલય, આલ્પ્સ અને સહસંકલિત પર્વતમાળાઓ દેખાય છે ત્યાં ભૂસ્તરીય અતીતમાં ટેથિઝ નામે વિશાળ મહાસાગર ઘૂઘવતો હતો. તેના તળ પર ખડકસ્તરોની જમાવટ થયે જતી હતી. ભૂસ્તરીય કાળગણનાના સંદર્ભમાં હિમાલયની ઉત્પત્તિ વિશે જોતાં આ પર્વતોના ઉત્થાનની ક્રિયાનો પ્રારંભ માયોસીન (વર્તમાન પૂર્વે 70 લાખથી 2.6 કરોડ વર્ષ વચ્ચેનો સમયગાળો) કાળ દરમિયાન તત્કાલીન ભારતીય ઉપખંડ અને તિબેટના ભૂમિભાગની પરસ્પર અથડામણ-સ્વરૂપે થયેલો. પરિણામે કાઠમંડુનાં અને ખુમ્બુનાં ગેડસંકુલો ભીંસમાં આવ્યાં, ઊંચકાતાં ગયાં અને ઉત્તરોત્તર વધુ ગેડીકરણ પામ્યાં. આમ તે કાળે પ્રાથમિક પર્વતમાળા ઊંચકાઈ આવી. જેમ જેમ તકતી-અથડામણ થતી રહી તેમ તેમ તબક્કાવાર આ ભૂમિભાગ વધુ ને વધુ ઊંચકાતો ગયો અને અંતે પ્લાયસ્ટોસીન કાળ(વર્તમાન પૂર્વે 10,000 વર્ષથી 25 લાખ વર્ષ વચ્ચેનો સમયગાળો)ના અંતિમ ઉત્થાન વખતે થયેલા ‘મહાભારત તબક્કા’માં આ શિખરે આજની ઊંચાઈ પ્રાપ્ત કરી. હિમાલય પર્વતમાળાના ઉત્થાનની ક્રિયા હજી ચાલુ જ છે. ઊંચાઈ ક્રમશ: થોડી વધી છે, તે સાથે ઘસારો પણ થતો રહ્યો છે.

હિમાલયના એવરેસ્ટ વિભાગનું ખડકબંધારણ 300થી 600 મીટરની જાડાઈવાળા ચૂનાખડકોથી થયેલું છે, જે ટેથિઝ મહાસાગરના તળ પર પર્મોકાર્બોનિફેરસ કાળ(વ. પૂ. 22.5 કરોડ વર્ષથી 34.5 કરોડ વર્ષ વચ્ચેનો સમયગાળો)માં જમાવટ પામેલા છે. ઉત્થાનનાં પ્રતિબળોની દિશાની અસરને કારણે સ્તરનમન ઉત્તર દિશાતરફી છે.

અહીંનો આખોય વિભાગ લગભગ હિમાચ્છાદિત રહે છે. પ્રાણવાયુનું પાતળાપણું તેમજ તેની અછત, સૂસવતા પવનો અને ઠંડીની ઉગ્રતાને કારણે અહીંના ખડક-આવરણ પર વનસ્પતિ-જીવન પાંગરી શકતું નથી. આબોહવાના વિષમ સંજોગો વનસ્પતિ કે પ્રાણીજીવનને પોષવા સક્ષમ નથી. ઉનાળામાં થતી રહેતી હિમવર્ષાના કણોથી એકત્રિત થતો રૂ જેવો હિમજથ્થો (neve) બાષ્પીભવન-રેખાની ઉપર તરફ જામતો હોઈ પીગળવાની કોઈ શક્યતા રહેતી નથી; તેમ છતાં ઉત્તર તરફથી સુસવાતા શિયાળુ પવનોના મારાથી તે ઋતુમાં આ શિખરનો કેટલોક ભાગ હિમાવરણથી મુક્ત રહે છે.

તા. 29-5-1953ના રોજ સફળ આરોહણ બાદ મા. એવરેસ્ટનું નિરીક્ષણ કરી
રહેલા પર્વતારોહકો એડમંડ હિલેરી અને તેનસિંગ

આરોહણો : 1850ના દાયકામાં અંગ્રેજોએ તેનું દૂરથી નિરીક્ષણ કર્યું ત્યાં સુધી તો એવરેસ્ટ પૃથ્વીના પટ પર ઉન્નત ગિરિશિખર તરીકે જાણમાં જ ન હતું. 1920થી તિબેટ-નેપાળ માર્ગ ખુલ્લો મુકાયો, આરોહણોના પ્રયાસ શરૂ થયા. 1921-38 અને 1951-52માં ત્રણ પ્રયાસો, શેરપાઓને સહાયકારી ભોમિયા તથા મજૂરો તરીકે સાથે રાખીને બ્રિટિશ અને સ્વિસ પર્વતખેડુઓ દ્વારા એવા પ્રયાસો કરવામાં આવેલા. હિમપ્રપાત, હિમચીરા, અતિ ઠંડી આબોહવા, સુસવાતા પવનો, વધુ પડતી ઊંચાઈ તેમજ મુશ્કેલ ભૂપૃષ્ઠને કારણે આ બધા જ પ્રયાસો નાકામયાબ નીવડેલા; તેમ છતાં આ સમયગાળા દરમિયાન વૈજ્ઞાનિક જાણકારી વધી, સુધરેલાં સાધનોનો ઉપયોગ થતો ગયો, શીત-અવરોધક વસ્ત્રો અને પગરખાં, ઑક્સિજન-સિલિન્ડરો તેમજ ઓછા વજનવાળી રેડિયો-સામગ્રી ઉપલબ્ધ થતી ગઈ. અતિશય ઠંડી પાતળી હવા, હિમડંખ જેવી અનેક આપત્તિઓ વચ્ચે 1953ના મે માસની 29મીએ સર જ્હૉન હન્ટની બ્રિટિશ ટુકડીની દોરવણી હેઠળ ન્યૂઝીલૅન્ડના સર ઍડમન્ડ હિલેરી અને નેપાળી શેરપા જાતિના તેનસિંગે આ શિખર સર કર્યું. 1953ના માર્ચની 10મીએ નેપાળના કાઠમંડુથી આરોહણ શરૂ કરીને; વચ્ચે ઘણા કૅમ્પ કરતા જઈને, દરેક તબક્કે સભ્યોની સંખ્યા ઘટાડતા જઈને, 8,504 મીટરની ઊંચાઈના છેલ્લા તબક્કે છેવટે માત્ર બે જણ (હિલેરી અને તેનસિંગ) છેક ટોચ સુધી ચઢવામાં સફળ રહ્યા.

એવરેસ્ટ આરોહણ(1987)ના કૅમ્પનું ર્દશ્ય

1956માં થયેલા એક સ્વિસ આરોહણ દ્વારા માઉન્ટ એવરેસ્ટ બે વખત સર કરાયું. આ એક એવી ટુકડી હતી, જેણે દુનિયાનું ચોથા ક્રમે આવતું એવરેસ્ટ જૂથ પૈકીનું ઉન્નત શિખર લ્હોત્સે પણ સર કરેલું.

1963માં નૉર્મન જી. ડાયહનેનફર્થની દોરવણી હેઠળની યુ.એસ. આરોહક ટુકડીના બે સભ્યો થૉમસ એફ. હૉર્નબીન અને વિલિયમ એફ. અનસોલ્ડ આ શિખરની ચઢાણ માટે કપરી ગણાતી પશ્ચિમ ધાર પરથી ચઢેલા. આ પ્રકારનું આરોહણ પ્રથમ વારનું હતું. તેઓ મેની 22મી તારીખે ટોચ પર પહોંચેલા.

1970માં જાપાની મહિલા જુન્કો તાબેઈ આ શિખર પર ચઢવામાં સફળ રહેલાં. 1975ના સપ્ટેમ્બરની 24મી તારીખે, બ્રિટિશ આરોહણના ભાગ રૂપે દુગલ હૅસ્ટન અને દૉગ સ્કૉટ આ શિખરની કપરી ગણાતી નૈર્ઋત્ય બાજુની ધાર પરથી ચઢીને ટોચ પર પહોંચેલા. 1980ના મેની 10મી તારીખે જાપાની આરોહક ટુકડીના તાકાશી ઓઝાડી અને ત્સુનિયો શિગેહીરો ઉત્તર તરફથી આ શિખર પર ચઢેલા. 1984માં ભારતીય નારી બચેન્દ્રી પાલે આ સર્વોચ્ચ શિખર પર સફળ આરોહણ કર્યું હતું. 1988ના મેની પાંચમી તારીખે સર્વપ્રથમ વાર સામસામી બે બાજુથી આરોહણ કરનારી બે ટુકડીઓએ પણ સફળ પ્રયાસ કરેલો. આ ટુકડીઓમાં ચીન, જાપાન અને નેપાળના સભ્યો હતા. ત્રણ જણની ટુકડીએ શિખરની દક્ષિણ બાજુ પરથી ચઢવાનું શરૂ કરેલું, જ્યારે આઠ જણની ટુકડીએ ઉત્તર બાજુ પરથી ચઢાણ શરૂ કરેલું.

નેપાળની સરકારને આ શિખરના આરોહણ અંગેની ફીમાંથી અઢળક કમાણી થાય છે. 1961માં નેપાળ-ચીન વચ્ચે થયેલા કરાર દ્વારા આ શિખર નેપાળની હદમાં છે તેમ સ્વીકારવામાં આવેલું છે. આ વિસ્તારમાં પર્વતારોહકોને કારણે પર્યાવરણના અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા છે.

ભારતની પૂર્ણા મલાવથના નામે સૌથી નાની વયે એવરેસ્ટ સર કરવાનો વિક્રમ નોંધાયો છે. પૂર્ણાએ 2014માં આ સિદ્ધિ મેળવી હતી. 1992 અને 1993 એમ સતત બે વર્ષ સુધી એવરેસ્ટની ઊંચાઈ સર કરનારી ભારતીય મહિલા સાહસિક સંતોષ યાદવને નામે પહેલી વખત બે વાર એવરેસ્ટ–વિજયનો વિશ્વવિક્રમ બોલે છે.

ભારતના લવરાજ સિંહ ધર્મશક્તુના નામે સાત વખત એવરેસ્ટ–વિજયનો વિક્રમ નોંધાયો હતો.

ભારતનું એવરેસ્ટ મિશન 1965ના વર્ષથી શરૂ થયું હતું. ભારતીય નૌકાદળના અધિકારી કૅપ્ટન મોહનસિંહ કોહલીના નેતૃત્વમાં ભારતના 9–9 સાહસિકો એકસાથે એવરેસ્ટ પર પહોંચ્યા હતા. એ સમયે આટલી મોટી સંખ્યામાં કોઈ ટીમ એવરેસ્ટ પર પહોંચી હોય એ વિશ્વવિક્રમ બન્યો હતો. 17 વર્ષ સુધી ભારતનો આ વિક્રમ અતૂટ રહ્યો હતો. તત્કાલીન વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએ આ સાહસને આઝાદ ભારતની છ સિદ્ધિઓ પૈકીની એક ગણાવીને તમામ સભ્યોનું પદ્મ પુરસ્કારથી સન્માન કર્યું હતું. કૅપ્ટન કોહલીને 8મી સપ્ટેમ્બર, 1965ના રોજ સંસદના બંને ગૃહને સંબોધવાનું સદભાગ્ય પણ પ્રાપ્ત થયું હતું.

એવરેસ્ટ પર પહેલો પગ મૂકનાર અવતારસિંહ છીમાથી લઈને અત્યાર સુધીમાં 450 જેટલા ભારતીય સાહસિકો એવરેસ્ટની ઊંચાઈ આંબી ચૂક્યા છે. એમાં 80 જેટલી મહિલા સાહસિકોનો પણ સમાવેશ થાય છે.

પર્યાવરણના પ્રશ્નો : ગ્લોબલ વૉર્મિંગની અસર એવરેસ્ટ પર પણ ગંભીર રીતે થઈ રહી છે. બરફ ઝડપભેર પીગળી રહ્યો હોવાથી હિમપ્રપાતના બનાવો વધ્યા છે. એવરેસ્ટ પર હોનારતોની સંખ્યા વધતી જાય છે. પર્વતારોહકોના ધસારાના કારણે પણ એવરેસ્ટની ટોચે પહોંચાડતા રસ્તાને નુકસાન પહોંચી રહ્યું છે.

દુનિયાભરમાંથી આવતા પર્વતારોહકો એવરેસ્ટ પર ગંદકી કરે છે, તે પ્રશ્ન વિકટ બનતો જાય છે. દર વર્ષે શેરપાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ મળીને પર્વતારોહણની સીઝન પછી સ્વચ્છતા અભિયાન આદરે છે. એવરેસ્ટમાં વધી રહેલો પ્લાસ્ટિકનો જથ્થો ચિંતાનો મુખ્ય વિષય બનતો જાય છે. દર વર્ષે બે ટન જેટલો કચરો એકઠો થાય છે. વર્ષે સરેરાશ 400 કોથળા ભરીને કચરો નીચે લાવવાની કામગીરી હાથ ધરવામાં આવે છે, તેમ છતાં પડી રહેલો કચરો એવરેસ્ટની સુંદરતામાં કલંક લગાડીને સડતો રહે છે.

મહેશ મ. ત્રિવેદી

ગિરીશભાઈ પંડ્યા