એવરીમૅન : ઇંગ્લિશ ‘મૉરાલિટી’ પ્રકારનાં નાટકોમાં સહુથી જાણીતી કૃતિ. આ પ્રકારમાં સામાન્યતયા માણસની મુક્તિ અથવા મોક્ષ માટેની વાંછના અને તે સાથે પાપનું પ્રલોભન – એ બે વચ્ચેનો સંઘર્ષ નિરૂપાય છે. તે સાથે આમાં સંડોવાયેલા સારા અને નરસા સ્વભાવ-વિશેષને સજીવારોપણ દ્વારા સ્થૂળ પાત્રો તરીકે નિરૂપ્યા છે. ‘એવરીમૅન’ નાટકનો વિષય મધ્યકાલીન લોકભોગ્ય પરંપરામાં જેને ‘મરી જવાની કલા’ એટલે કે ‘આર્ટ ઑવ્ ડાઇંગ’ કહીએ તે છે. એવરીમૅન એટલે સામાન્યજન-તે નામનું પાત્ર-તેને અચાનક મોતનું તેડું આવે છે. તેના ઓથાર નીચે તે જાણવા ઇચ્છે છે કે તેની સાથે આ પળે કોણ આવશે. તેને ભાન થાય છે કે તેને જેણે સદાકાળના સખ્યના સોગંદ આપ્યા છે તેવાં મિત્રો (fellowship) અને સગાંવહાલાં (kindred) અને તેણે જેની હમેશાં મોટી કિંમત મૂલવી છે તે સંપત્તિ (goods) – તેમાંનું કોઈ તેની સાથે આવવા તૈયાર નથી. સૌન્દર્ય (beauty) અને સામર્થ્ય (strength) – પણ મૃત્યુના દ્વારે ઝંખવાઈ જાય છે. તેની સાથે રહે છે માત્ર સત્કર્મ (good deeds). તેના સથવારે અને જ્ઞાન(knowledge)ની દોરવણી નીચે તે આખરે મોક્ષમાર્ગે આગળ વધે છે. વિષયવસ્તુના વૈશ્વિક વ્યાપથી આ નાટક હમેશાં જનસમુદાયને આકર્ષતું રહ્યું છે.
દિગીશ મહેતા