એવમ્, ઇન્દ્રજિત (1962)

January, 2004

એવમ્ ઇન્દ્રજિત (1962) : આધુનિક બંગાળી નાટકકાર બાદલ સરકારનું પ્રયોગાત્મક બંગાળી નાટક. નાટકના નાયકનું સાચું નામ બિમલ છે. તે સમાજના પ્રવર્તમાન ઢાંચામાં, પોતાની જાતને ઢાળી દેવા ચાહતો નથી. નાટકના પ્રથમ ર્દશ્યમાં એ એક ઉદ્યોગપતિની ઑફિસમાં નોકરી માટે મુલાકાત આપવા જાય છે, ત્યારે એની જોડેના બીજા ઉમેદવારોનાં નામ છે અમલ, વિમલ, કમલ, એ સૌ પ્રવર્તમાન ઢાંચાનાં પ્રતીક છે. તેમનાથી પોતાનું આગવું વ્યક્તિત્વ સિદ્ધ કરવા એ પોતાનું નામ ઇન્દ્રજિત જણાવે છે, જે પરંપરા સામે વિદ્રોહનું નિદર્શન છે. ત્યારથી એને પોતાના આગવા વ્યક્તિત્વને સિદ્ધ કરવા સમાજ જોડે સંઘર્ષ કરવો પડે છે તેની ર્દશ્ય-પરંપરા નાટકમાં છે. રંગમંચની સજાવટ નહિવત્ છે; એ નાટક 1962માં પ્રથમ વાર કોલકાતામાં ભજવાયું. તે પછી અંગ્રેજીમાં અને ભારતની અન્ય ભાષાઓમાં ઊતરીને અનેક વાર ભજવાયું છે. હજી પણ એના પ્રયોગો એટલા જ લોકપ્રિય રહ્યા છે.

ચન્દ્રકાન્ત મહેતા