એલેમેંડા : દ્વિદળી વર્ગમાં આવેલા એપોસાયનેસી કુળની પ્રજાતિ. તે મોટેભાગે આરોહી ક્ષુપસ્વરૂપ ધરાવે છે અને દક્ષિણ અમેરિકા અને વેસ્ટ ઇંડિઝની મૂલનિવાસી છે. તેનું વિતરણ સમગ્ર ઉષ્ણકટિબંધમાં થયેલું છે. Allemanda blanchettii A. DC., A. cathartica Linn., A. nerifolia Hook., અને A. violacea Gard. & Field.નાં કેટલાંક ઉદ્યાન-સ્વરૂપો (garden forms) ભારતીય ઉદ્યાનોમાં પ્રવેશ કરાવવામાં આવ્યાં છે.

એલેમેંડા તેના ચળકતા પર્ણસમૂહ અને નિવાપાકાર(funnel shaped)નાં, પીળાં કે વાદળી રંગનાં મોટાં, બારેમાસ આવતાં પુષ્પોને કારણે આકર્ષક લાગે છે. ઉનાળા અને ચોમાસામાં વેલ પુષ્પોથી લચી પડે છે. તેને કૂંડામાં પણ ઉગાડી શકાય છે. તેનું સંવર્ધન સહેલાઈથી થઈ શકે છે અને સામાન્ય પરિસ્થિતિમાં તે સારી રીતે ઊગી શકે છે. તેનું પ્રસર્જન કટકારોપણ કે દાબકલમ દ્વારા થાય છે અને વૃદ્ધિ-નિયામકો દ્વારા કલમમાં મૂળ-ઉદભવન (rooting) ઉત્તેજી શકાય છે.

A. cathartica Linn. (બં. હર્કાક્રા; ક. એલામેન્ડેગીડે, હાલાડીલુ; મલા. કોલામ્બી; તે. એલેમેન્ડાહીગા; અં. કૅમ્પેનિલા, ગોલ્ડન ટ્રમ્પેટ) ટટ્ટાર, સદાહરિત, સોનેરી રણશિંગું, લગભગ 4 મી. સુધીની ઊંચાઈ ધરાવતો અને ભારતીય ઉદ્યાનોમાં પુષ્કળ પ્રમાણમાં ઉગાડવામાં આવતો પરિવર્તી (variable) ક્ષુપ છે. તે ગિયાનાની મૂલનિવાસી જાતિ છે અને મધ્ય, પૂર્વ અને દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં અને આંદામાનના ટાપુઓમાં પ્રાકૃતિક બની છે. પર્ણો સાદાં ભ્રમિરૂપ (whorled), પ્રતિઅંડાકાર(obovate)થી માંડી લંબચોરસ-ભાલાકાર (oblong-lanceolate), 8-12 સેમી. ´ 2.5-4 સેમી. અને તરંગિત હોય છે. પુષ્પો મોટાં, સુંદર, ચળકતા સોનેરી પીળા રંગનાં, નિવાપાકારનાં હોય છે અને અગ્રસ્થ પરિમિત (cymose) લઘુપુષ્પગુચ્છ (panicle) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ફળ કાંટાળું પ્રાવર પ્રકારનું અને બીજ ઘણાં, પ્રતિઅંડાકાર, ચપટાં અને સપક્ષ (winged) હોય છે.

પર્ણો મધ્યમસરની માત્રામાં રેચક તરીકે વપરાય છે. તેનો આસવ કે નિષ્કર્ષ શૂલ(colic)માં અપાય છે. મોટી માત્રામાં તેનાથી ઊલટી અને અતિસાર (diarrhoea) થાય છે. 5 % સોડિયમ બાઇકાર્બોનેટના દ્રાવણમાં પર્ણોનો નિષ્કર્ષ અહર્લિક જલોદર (ascites) અર્બુદ (tumor) કોષોનો પુષ્કળ પ્રમાણમાં અવરોધ કરે છે. વનસ્પતિનો નિષ્કર્ષ ગ્રામ ધનાત્મક (+ve) બૅક્ટેરિયા સામે સક્રિય હોય છે. પર્ણો હાઇડ્રૉકાર્બનો, લાંબી શૃંખલાવાળા ઍસ્ટર, ટ્રાઇટર્પિન ઍસ્ટર, પ્લુમેરિસિન, આઇસો-પ્લુમેરિસિન, પ્લુમિયેરિડ, અર્સોલિક ઍસિડ, b-એમિરિન, b-સિટોસ્ટૅરોલ અને ટર્પેનૉઇડ (C30H40O) ધરાવે છે. છેલ્લાં ચાર સંયોજનો પ્રકાંડમાં પણ હોય છે. પ્રરોહ, પર્ણો અને ફળના જલીય અને ઇથેનોલીય નિષ્કર્ષો આલ્કેલૉઇડ ધરાવે છે.

મૂળ અને પર્ણોના જલીય અને આલ્કોહૉલીય નિષ્કર્ષો નર બિલાડીમાં અલ્પરક્તદાબ (hypotension) દર્શાવે છે. મૂળનો આલ્કોહૉલીય નિષ્કર્ષ વધારે પ્રબળ હોય છે. શુષ્ક મૂળમાં નવું પ્રતિશ્વેતરક્ત (anti-leucamic) ઇરિડોઇડ લૅક્ટોન, એલામેન્ડિન (C15H16O7), એલામેન્ડિસિન, એલામ્ડિન અને ચાર જૈવવૈજ્ઞાનિક રીતે સક્રિય લૅક્ટોન; જેવા કે, ફ્લુવોપ્લુમાયરિન, પ્લુમેરિસિન, આઇસોપ્લુમેરિસિન, પ્લુમિયેરિડ હોય છે. છેલ્લા ત્રણ લૅક્ટોન ખડચંપા(Plumeria acuminata Ait.)માં પણ મળી આવે છે. આ પદાર્થો ઉપરાંત, 1-ટ્રાઇએકોન્ટેનોલ, 1-ડોટ્રાઇએકોન્ટેનોલ, લ્યુપિયોલ અને ડોકોસેનોઇક, ટેટ્રાકોસેનોઇક અને હેક્ઝાકોસેનોઇક ઍસિડ મૂળમાંથી પ્રાપ્ત કરવામાં આવ્યા છે. મૂળનો ઇથેનોલીય નિષ્કર્ષ ઉંદરમાં P. 388 લ્યુકેમિયા સામે અને માનવમાં નાસાકંઠીય (nasopharynx) કાર્સિનોમા (carcinoma) સામે સક્રિય હોય છે. સક્રિય લૅક્ટોનો કવકરોધી (antifungal) અને જીવાણુરોધી (anti-bacterial) સક્રિયતા દર્શાવે છે.

છાલ અને તેનો કાઢો જલોદરમાં વિરેચક (hydragogue) તરીકે આપવામાં આવે છે. તાજાં દલપત્રો કૅમ્પ્ફેરોલ અને ક્વિસૅટિન જેવાં ફ્લેવોનોઇડ ધરાવે છે.

A. blanchettii A. DC. બ્રાઝિલનો મૂલનિવાસી ક્ષુપ છે અને ભારતીય વનસ્પતિ ઉદ્યાન, હાવરામાં ઉગાડવામાં આવ્યો છે. તેનો રસ વમનકારી (emetic) અને રેચક છે. વધારે પડતી માત્રાએ તે ઝેરી છે.

A. grandiflora Hook. ઘેરાં લીલાં પર્ણો અને આકર્ષક પુષ્પોથી લચી પડતી વિશાળકાય વેલ છે.

A. nerifolia Hook. સુંદર પીળાં પુષ્પો ધરાવતી વેલ છે. તે દાબકલમથી વવાય છે.

A. purpurea L. ગુલાબી રંગનાં પુષ્પો ધરાવતી વેલાળ જાતિ છે.

A. violacea મોટાં જાંબલી કે જાંબલી-બદામી પુષ્પો ધરાવતી સુંદર નાજુક વેલ છે. તેનાં મૂળ અને પ્રકાંડનો જલીય નિષ્કર્ષ પ્રજીવ-રોધી (anti-protozoal) સક્રિયતા દર્શાવે છે.

મ. ઝ. શાહ

બળદેવભાઈ પટેલ