એલેન્જિયેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થામ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – મુક્તદલા (Polypetalae), શ્રેણી – વજ્રપુષ્પી (Calyciflorae), ગોત્ર – ઍપિયેલીસ (અંબેલેલીસ), કુળ-એલેન્જિયેસી. આ કુળ એક જ પ્રજાતિ અને લગભગ 22 જેટલી જાતિઓનું બનેલું છે અને જૂની દુનિયાના ઉષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં થાય છે. Alangium-ની કેટલીક જાતિઓ અર્ધ-સહિષ્ણુ (half-hardy) ક્ષુપ તરીકે ઉગાડવામાં આવે છે.

આકૃતિ 1 : એલેન્જિયેસી Alangium chinense : (અ) પુષ્પીય શાખા, (આ)
પુષ્પ, (ઇ) પુષ્પનો ઊભો છેદ, (ઈ) બીજાશયનો ઊભો છેદ, (ઉ) પુંકેસર, (ઊ)
ફળ.

આ કુળ વૃક્ષ કે ક્ષુપસ્વરૂપે જોવા મળે છે. કેટલીક જાતિઓ કંટકમય (spiny) હોય છે. પર્ણો સાદાં, અખંડિત કે ખંડિત, એકાંતરિક અને અનુપપર્ણીય (estipulate) હોય છે. પુષ્પવિન્યાસ કક્ષીય પરિમિત પ્રકારનો હોય છે. પુષ્પ નિયમિત, દ્વિલિંગી, ઉપરિજાયી (epigynous), નિપત્રી અને સદંડી હોય છે. પુષ્પદંડ સાંધામય (jointed) હોય છે. વજ્ર 4થી 10 વજ્રપત્રોનું બનેલું, દાંતા જેવું કે લુપ્ત હોય છે. દલપુંજમાં દલ-પત્રો વજ્રપત્રોની સંખ્યા જેટલાં અને ધારાસ્પર્શી હોય છે. તેઓ રેખાકાર કે જિહ્વિકાકાર (lorate) અને તલસ્થ ભાગેથી કેટલીક વાર જોડાયેલાં હોય છે. દલપુંજ અંદરની બાજુએ દીર્ઘરોમ ધરાવે છે. પુંકેસરચક્ર દલપત્રોની સંખ્યા જેટલા અથવા બેથી ચાર ગણા પુંકેસરોનું બનેલું હોય છે અને પહોળા બિંબ પરથી ઉત્પન્ન થાય છે. પરાગાશય દ્વિખંડી હોય છે અને તેનું લંબવર્તી સ્ફોટન થાય છે. સ્ત્રીકેસરચક્ર ત્રિયુક્તસ્ત્રીકેસરી અધ:સ્થ બીજાશય ધરાવે છે. સામાન્યત: તે એક કે ક્વચિત્ દ્વિકોટરીય હોય છે. અંડક એકાકી, લટકતું અને અધોમુખી (anatropous) હોય છે. પરાગવાહિની સાદી અને પરાગાસન એક અથવા દ્વિ કે ત્રિખંડી હોય છે. ફળ સામાન્યત: અષ્ઠિલ પ્રકારનું અને ટોચ પર વજ્ર અને બિંબ ધરાવે છે. બીજમાં ભ્રૂણ સીધો અને પુષ્કળ પ્રમાણમાં ભ્રૂણપોષ હોય છે.

આ કુળ નાયઝેસી-કોર્નેસી ગણ (alliance) સાથે ગાઢ રીતે સંબંધિત છે; પરંતુ તે સાંધામય પર્ણદંડો, ધારાસ્પર્શી દલપત્રો, અંદરની તરફ દીર્ઘરોમી દલપુંજ અને એકકોટરીય બીજાશયમાં મોટે ભાગે એક જ અંડક દ્વારા ઓળખી શકાય છે.

સરોજા કોલાપ્પન

બળદેવભાઈ પટેલ