એલેમ્બેર ઝ્યાં લેરોં દ’

January, 2004

એલેમ્બેર ઝ્યાં લેરોં દ’ (જ. 17 નવેમ્બર 1717, પૅરિસ; અ. 29 ઑક્ટોબર 1783, પૅરિસ) : ફ્રાન્સના ખ્યાતનામ ગણિતશાસ્ત્રી. ત્યજી દીધેલા બાળક તરીકે પાલક માતા પાસે પૅરિસમાં ઉછેર. તેમના પિતાએ અજ્ઞાત રહીને ઉછેર માટેની વ્યવસ્થા કરી હતી. 1738માં વકીલ થયા. એક વર્ષ પછી તબીબી શિક્ષણ મેળવ્યું, પણ છેવટે જાતમહેનતથી ગણિતમાં પ્રાવીણ્ય મેળવી તેને જ જીવનનું મુખ્ય ધ્યેય બનાવ્યું.

તેમના સમયના વિચારકોની જેમ ધર્મના જડ સ્વરૂપનો તેમણે વિરોધ કર્યો. સહિષ્ણુતા અને મુક્ત ચર્ચાની હિમાયત કરી. તર્કબુદ્ધિમાં શ્રદ્ધા, બધા જ માનવોની સમાનતાના વિચારોનો તથા લોકશાહીની સ્થાપનાનો તે યુગ હતો (1751-77). સર્વજ્ઞાનસંગ્રહ માટે Encyclopedie નામની ગ્રંથશ્રેણી ડેનિસ ડિડેરોએ સંપાદિત કરેલ છે. તેની પ્રસ્તાવના દ’ એલેમ્બરે લખેલી. રૂસો અને વૉલ્ટેર પણ આ શ્રેણીના લેખકો હતા. 1754માં તેઓ ફ્રેન્ચ એકૅડેમીમાં ચૂંટાયા અને 1772માં તેના કાયમી મંત્રી બન્યા.

ઝ્યાં લેરોં દ’ એલેમ્બેર

દ’ એલેમ્બરની ગણના તેમના સમયના બર્નોલી, ક્લેરોટ અને ઑઇલર જેવાં ખ્યાતનામ ગણિતશાસ્ત્રીઓમાં થતી. વિધેયનું મહત્વ અને કલનશાસ્ત્રમાં લક્ષનો ખ્યાલ પ્રથમ સમજનારામાંના તેઓ એક હતા. તેમણે ભૌતિકશાસ્ત્રમાં વિકલ સમીકરણના ઉપયોગની પહેલ કરી હતી. તેમણે દ્રવગતિજ્ઞાન (hydrodynamics), ર્દઢપિંડ યાંત્રિકી (mechanics of rigid bodies) અને ખગોળશાસ્ત્રમાં ત્રિપિંડ સમસ્યા(three body problem)નો અભ્યાસ કર્યો હતો. વ્યક્તિગત જીવનમાં તેઓ સાદા, મિતભાષી અને નિર્લોભી હતા. દેશ-પરદેશમાં જ્ઞાનોદયને ઉત્તેજન આપવા તેઓ પ્રયત્નશીલ હતા.

હિંમતલાલ ચૂનીલાલ શુક્લ