એલિફેટિક સંયોજનો : સરળ રેખીય અથવા શૃંખલાયુક્ત કાર્બનિક સંયોજનો. આ વર્ગમાં હાઇડ્રોકાર્બન સંયોજનો આલ્કેન (C − C એકબંધ); આલ્કીન (C = C દ્વિબંધ) અને આલ્કાઇન (C ≡ C ત્રિબંધ) સમાવેશ થાય છે. હાઇડ્રોજન પરમાણુની જગ્યાએ −OH, −COOH, −NH2, NO2, −X, −COOR, −OR, −SH વગેરે ક્રિયાત્મક (functional) સમૂહો મૂકવાથી અનુક્રમે આલ્કોહૉલ, કાર્બોક્સિલિક ઍસિડ, એમાઇન નાઇટ્રો સંયોજનો, હેલાઇડ, એસ્ટર, ઈથર, મર્કેપ્ટન વગેરે સંયોજનો મળે છે. આ વર્ગમાં આલ્ડિહાઇડ, કિટોન વગેરે અન્ય પ્રકારનાં સંયોજનો પણ શક્ય છે. તેમને એક સામાન્ય સૂત્રથી દર્શાવી શકાય છે. દા.ત., આલ્કેન CnH2n+2, આલ્કીન CnH2n વગેરે. તે મોટેભાગે મેશ વગરની જ્યોતથી બળે છે. ઘણાં સંયોજનોમાં બે અથવા તેથી વધુ ક્રિયાત્મક સમૂહો જોવા મળે છે. આલ્કેનમાંથી એક હાઇડ્રોજન દૂર કરતાં જે સમૂહ મળે છે તેને આલ્કાઇલ સમૂહ કહે છે. દા.ત., CH4 મિથેન, −CH3 મિથાઇલ સમૂહ.

સંતૃપ્ત સંયોજનોની લાક્ષણિક પ્રક્રિયા પ્રતિસ્થાપન (substitution) પ્રક્રિયા છે, જ્યારે અસંતૃપ્ત સંયોજનોની લાક્ષણિક પ્રક્રિયા યોગશીલ (addition) પ્રક્રિયા છે.

પ્રહલાદ બે. પટેલ