એલિફન્ટા : મુંબઈથી 8 કિમી. દૂર અરબી સમુદ્રમાં આવેલો ટાપુ. ત્યાં આવેલી શૈવ ગુફાઓ અને તેમાંનાં શિલ્પોને કારણે, વિશેષ તો ત્રિમુખધારી મહેશની મૂર્તિને લીધે પ્રસિદ્ધ છે. ગેટ વે ઑવ્ ઇન્ડિયાએથી સ્ટીમલૉન્ચ દ્વારા ત્યાં જવાની વ્યવસ્થા છે. આ ટાપુ 5.2 ચોકિમી.નો વિસ્તાર ધરાવે છે. તેનું સ્થાનિક નામ ઘારાપુરી છે. આ નામ અગ્રહારપુરી પરથી ઊતરી આવ્યું હોવાનું મનાય છે. 1534માં ફિરંગીઓએ તેનો કબજો કર્યો તે પછી તે પ્રસિદ્ધિમાં આવ્યો. એક સમયે ત્યાં પથ્થરમાંથી કંડારેલી હાથીની ભવ્ય મૂર્તિ હોવાને કારણે ફિરંગીઓએ તેનું નામ ‘એલિફન્ટા’ પાડ્યું હતું. હાથીની આ મૂર્તિ ત્યાંથી ખસેડીને મુંબઈના વિક્ટોરિયા ગાર્ડનના મ્યુઝિયમની બાજુમાં રાખવામાં આવી છે. એલિફન્ટાની શૈવ ગુફાઓ શૈલાત્મક (rock-cut) સ્વરૂપની છે. ઇલોરાના કૈલાસ મંદિર(ગુફા નં. 16)નું સમકાલીન આ કલાકેન્દ્ર છે. આ ગુફાઓ 600-635 દરમિયાન નિર્માણ પામી હોય તેમ જણાય છે.

ત્રિમુખ મહેશ

એલિફન્ટાનું મુખ્ય ગુફામંદિર (cave-temple) સમચોરસ અને ઉત્તરાભિમુખ છે. તેનો વિસ્તાર 39 ´ 39 મીટર છે. તેનું ગર્ભગૃહ ઇલોરાના કૈલાસમંદિરની જેમ સ્વતંત્ર-છૂટું (free standing) છે. ગર્ભગૃહને ફરતો પ્રદક્ષિણાપથ અને તેની સન્મુખે સભામંડપ આવેલો છે. ભવ્ય અને ઉત્તુંગ પ્રવેશદ્વારોને કારણે તેમાં હવા-ઉજાસની સારી સગવડ છે. પ્રદક્ષિણાપથમાં ચારે દિશાએ ચાર દ્વારો છે. આ દ્વારોની બંને બાજુએ 18 ફૂટ ઊંચાં દ્વારપાલોનાં શિલ્પો કંડારેલાં છે. સભા-મંડપમાં 20 સ્તંભો આવેલા છે. આ સ્તંભો વાંસળી આકારના (fluted shaped) છે. સ્તંભોની ભારેખમ શિરાવટીઓમાં પણ આવો આકાર નિષ્પન્ન થયેલો છે. ગર્ભગૃહ મુખ્ય પ્રવેશદ્વારોની સૂત્રરેખા(axis)એ નથી પરંતુ પાર્શ્વદ્વારોની સૂત્રરેખાએ છે. મંડપની દક્ષિણ બાજુએ દુર્ગાને સમર્પિત એક નાનું ગુફામંદિર છે.

અહીં ત્રિમુખ મહેશ, યોગીરાજ શિવ, અર્ધનારીશ્વર, ભૈરવ, શિવ-પાર્વતીનો વિવાહ, રાવણાનુગ્રહ, ચતુર્મુખ બ્રહ્મા, મહિષાસુરમર્દિની, નટરાજ, ગંગાધર શિવ, અંધકાસુર-વધ, ઉમા-મહેશ્વર, ગણેશ, કાર્તિકેય વગેરેનાં ભવ્ય અને ભાવવાહી શિલ્પો દર્શનીય છે. શિવ-પાર્વતીના વિવાહ(શિવ સુંદર)નું ર્દશ્ય ઇલોરાના આ જ પ્રકારના ર્દશ્ય કરતાં વધુ સુંદર જણાય છે. એમાં પાર્વતીનો આત્મસમર્પણનો ભાવ અને તેને આદરપૂર્વક ગ્રહણ કરતા શિવનું સુંદર આલેખન થયું છે. બધાં જ શિલ્પોમાં ત્રિમુખ મહેશનું જગવિખ્યાત બનેલું શિલ્પ અહીંનું મુખ્ય આકર્ષણ છે. છાતી સુધીના (bust) કદની લગભગ 5 મીટર ઊંચી આ મૂર્તિમાં શિવનાં વિધાયક, પાલક અને સંહારક – ત્રણેય સ્વરૂપોને તાર્દશ કરવામાં આવ્યાં છે. શિવના મુખ પર ગંભીર ભાવ વિલસે છે. માથા પરનો જટામુકુટ એની ગંભીરતામાં વધારો કરે છે. શિવની મધ્યની મૂર્તિના મુખ પર શાંત ભાવ પ્રગટે છે. ગળામાં હાર ધારણ કર્યા છે; માથા પર પર્વતના ઘાટની જટા છે. તેમણે એક હાથમાં બીજોરું ધારણ કર્યું છે, જ્યારે બીજો હાથ ખંડિત છે. જમણી બાજુનું (દર્શકની ડાબી બાજુનું) મુખ ભૈરવનું છે, જે શિવના સંહારક સ્વરૂપને રજૂ કરે છે. કપાળ વિશાળ, નાક અણિયાળું, મુખ વિકરાળ અને મૂછો વાંકોડી છે. મૃત્યુના પ્રતીકરૂપ માનવખોપરી અને સર્પ તેમની જટાને અલંકૃત કરે છે. આ મૂર્તિના એક હાથમાં પણ સર્પ ધારણ કરેલો જોવા મળે છે. ડાબી બાજુનું (દર્શકની જમણી બાજુનું) ત્રીજું મુખ ભગવાનના વામદેવ સ્વરૂપને રજૂ કરે છે. આ સોહામણા દેવ સર્જનના સ્ત્રી-સ્વરૂપને રજૂ કરે છે. તેમણે હાથમાં કમળ ધારણ કર્યાં છે. મસ્તક મોતીની માળા, પુષ્પ અને પર્ણથી સુશોભિત છે. ઉદાત્ત અને અસરકારક મૂર્તિવિધાન, સૂક્ષ્મ ભાવવ્યંજના અને પ્રચંડ કાયને લીધે મહેશની આ ત્રિમૂર્તિ ભારતીય શિલ્પમાં અનોખી ભાત પાડે છે. અહીંની ભવ્ય શિલ્પ સમૃદ્ધિને કારણે યુનેસ્કોએ આ સ્થળને World Heritageનો દરજ્જો આપ્યો છે.

થૉમસ પરમાર