એરણ (anvil) : લોખંડનું વિશિષ્ટ આકારનું ગચિયું (block) જેના ઉપર ધાતુને મૂકીને હથોડાની મદદથી ટીપીને જરૂરી આકાર આપવામાં આવે છે. લુહારની એરણ સામાન્યત: ઘડતર લોખંડની બનેલી હોય છે. ક્વચિત્ તે ઢાળેલા લોખંડની પણ બનાવાય છે અને તેની કાર્ય કરવાની સપાટી ર્દઢીભૂત (hardened) સ્ટીલની રાખવામાં આવે છે. પ્રક્ષિપ્ત (projecting) શંકુ આકારના એક છેડા ઉપર આવેલો શૃંગ (horn), વળાંકવાળા ધાતુના ભાગોને ટીપવા માટે વપરાય છે. કેટલીક એરણોમાં બીજા છેડે ચોરસ આડછેદનું કાણું હોય છે. આ કાણામાં, કાપવાની બાજુ ઉપર રાખીને, એરણકાપક (anvil cutter) અથવા છીણી મૂકવામાં આવે છે.
હથોડો મશીન (power hammer) વાપરવામાં આવે ત્યારે આ એરણને મજબૂત પાયા ઉપર મૂકવામાં આવે છે. આ પાયો, લાકડું, ચણતર અથવા કૉંક્રીટનો બનાવાય છે.
પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ