એરણ : મધ્યપ્રદેશમાં સાગર જિલ્લામાં બીના નદીને કાંઠે આવેલું ઐતિહાસિક સ્થળ. એનું પ્રાચીન નામ ‘એરિકિણ’ કે ‘ઐરિકિણ’ હતું. અહીંથી તામ્રપાષાણ કાળથી માંડીને 18મી સદી સુધીના પુરાવશેષો પ્રાપ્ત થયા છે. 1960-61માં અહીં સાગર યુનિવર્સિટી દ્વારા પ્રો. કે. ડી. બાજપાઈના માર્ગદર્શન નીચે ખોદકામ કરવામાં આવ્યું હતું. ખોદકામમાંથી પ્રાપ્ત અવશેષોને આધારે આ નગરના વિકાસના ચાર તબક્કાઓ જણાય છે. પ્રથમ તબક્કો આદ્ય ઐતિહાસિક કાળનો છે. તામ્રપાષાણ યુગની સંસ્કૃતિને રજૂ કરતાં સફેદ રંગે રંગાયેલાં, શ્યામ-રાતા અને ભૂખરા રંગથી ચિત્રાંકિત માટીનાં વાસણો પ્રાપ્ત થાય છે. બીજા તબક્કામાં (ઈ. સ.ની શરૂઆતમાં) અહીં લોખંડનો ઉપયોગ થતો જણાય છે. શ્યામ-રાતાં વાસણોનો વપરાશ આ તબક્કામાં પણ ચાલુ રહ્યો હતો. આ તબક્કાના ઉપરના સ્તરમાંથી માટીનાં વાસણો ઉપરાંત માટીના મણકા, છીપલાં, છીપની બંગડીઓ, પથ્થરનાં માપિયાં, માટીની પૂતળીઓ અને આહત સિક્કાઓ મળે છે. ત્રીજો તબક્કો ઈ. સ.ની ચોથી કે પાંચમી સદીને આવરી લે છે. આ કાળ દરમિયાન શ્યામ-રાતાં વાસણોનો વપરાશ સદંતર બંધ થયો હોવાનું જણાય છે અને રોમન વાસણોને મળતાં રાતા ઓપવાળાં (polished) વાસણોનો વપરાશ શરૂ થયો હોવાનું જણાય છે. મકાનો પકવેલી ઈંટોનાં બાંધેલાં છે. સિક્કાની ર્દષ્ટિએ આ તબક્કો સમૃદ્ધ છે. આહત સિક્કાઓ, ગુપ્ત રાજા રામગુપ્ત, નાગ અને ઇન્ડો-સાસાનિયન સિક્કાઓના નિધિ પ્રાપ્ત થયા છે. ગુપ્ત સમયની શૈલીનાં લક્ષણોવાળી લિપિ સાથેની ગજ-લક્ષ્મીની પ્રાપ્ત એક મુદ્રા જાણીતી છે. ચોથો તબક્કો ઈ.સ. 1600થી 1800નો મધ્યકાળનો છે. આ સમયે નગરને ફરતો કિલ્લાનો પ્રાકાર (કોટ) રચવામાં આવ્યો. આ સમય દરમિયાન કાચ અને છીપની બંગડીનો ઉદ્યોગ વધુ પ્રચલિત હોવાનું પુરાવશેષોને આધારે જાણવા મળે છે.

જમીન ઉપરના પુરાવશેષોમાં ગુપ્તકાલીન મંદિરો અને અભિલેખો ઉલ્લેખનીય છે. અહીંનાં વરાહ અને વિષ્ણુનાં મંદિરો જાણીતાં છે. વિષ્ણુ મંદિર સમુદ્રગુપ્તે બંધાવ્યું હતું. હૂણ મહારાજાધિરાજ તોરમાણના સમયમાં ધન્યવિષ્ણુએ વરાહ-અવતારનું મંદિર બંધાવ્યું હતું. આ મંદિરો શૈલાત્મક (rock-cut) પ્રકારનાં મંદિરોના અનુકરણમાં બંધાયેલાં છે. તેમની દીવાલો સાદી છે, પરંતુ ગર્ભદ્વાર અને સ્તંભો અલંકૃત છે. ગુપ્તકાલીન ચાર ઉપલબ્ધ અભિલેખો પૈકી ત્રણ સ્તંભ-લેખો અને એક પ્રતિમા-લેખ છે. સમુદ્રગુપ્તના લેખમાં એરણનું પ્રાચીન સંસ્કૃત રૂપ ‘એરિકિણ’ જોવા મળે છે. બુધગુપ્તના સમયનો સ્તંભ-લેખ ગુપ્ત સંવત 165નો છે અને ભાનુગુપ્તના સમયનો લેખ ગુપ્ત સંવત 191નો છે. ચાર શ્લોક ધરાવતો આ લેખ સંસ્કૃતમાં છે. હૂણ રાજા તોરમાણ અને મગધના ગુપ્ત રાજા ભાનુગુપ્ત વચ્ચે યુદ્ધ થયું ત્યારે એમાં ભાનુગુપ્તનો રાજ્યાધિકારી ગોપરાજ વીરગતિને પામ્યો. તેની યાદગીરીમાં સ્તંભ પર આ લેખ કોતરવામાં આવ્યો છે. વીર-સ્મારક લેખનો આ સૌથી પ્રાચીન ઉપલબ્ધ નમૂનો છે. આ લેખનું બીજું મહત્વ એ છે કે યુદ્ધમાં મૃત્યુ પામેલા વીરની પાછળ સતી થતી સ્ત્રીનો ઉલ્લેખ છે. આમ સતીપ્રથાનો અહીં પ્રાચીનતમ ઉલ્લેખ છે. હૂણ રાજા તોરમાણનો લેખ વરાહની પ્રતિમા પર કોતરેલો છે.

થૉમસ પરમાર