એરમ : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા એરેસી કુળની પ્રજાતિ. નવા વર્ગીકરણમાં એરમ પ્રજાતિ રદ કરવામાં આવી છે અને તેને સહસભ્યો Amorphophallus (સૂરણ), Arisaema અને Lolocasia(અળવી)ની પ્રજાતિઓ હેઠળ મૂકવામાં આવેલ છે.

Arisaema એકગૃહી (monoecious) કે દ્વિગૃહી (dioecious) કંદીલ (tuberous) શાકીય પ્રજાતિ છે અને સમશીતોષ્ણ અને ઉષ્ણકટિબંધીય એશિયા, પૂર્વ આફ્રિકા અને ઉત્તર અમેરિકામાં પુષ્કળ પ્રમાણમાં થાય છે. ભારતમાં તેની 42 જેટલી જાતિઓ થાય છે; જેમાં પુર:સ્થાપિત (introduced) જાતિઓનો પણ સમાવેશ થાય છે.

આકૃતિ 1 : Arisaema : (1) પર્ણ અને પુષ્પવિન્યાસ સહિતનું સ્વરૂપ,
(2) પર્ણદંડના મધ્યમાંથી વિકસતો પુષ્પવિન્યાસ, (3) સમાંતર શિરાવિન્યાસ
દર્શાવતું પર્ણ, (4) માંસલ શુકી પુષ્પવિન્યાસ, (5 અને 6) કંદ.

A. concinnum Schott દ્વિગૃહી ઘન-કંદીલ (cormatous) શાકીય જાતિ છે અને પંજાબથી અરુણાચલ પ્રદેશ અને મેઘાલયમાં 1,800 મી.થી 3,300 મી.ની ઊંચાઈ સુધી સમશીતોષ્ણ હિમાલયમાં થાય છે. કંદ ગોળાકાર કે ઉપ-ગોળાકાર (sub-globose) અને 2 સેમી.થી 5 સેમી. વ્યાસ ધરાવે છે. કેટલીક વાર તે જાડા વિરોહ (stolons) ધરાવે છે. પર્ણ એકાકી અને સંયુક્ત હોય છે. પર્ણિકાઓ 7થી 13 જેટલી, 7-30 સેમી. ´ 2-5 સેમી. સાંકડી ભાલાકાર કે લંબચોરસથી પ્રતિભાલાકાર (oblanceolate), હોય છે. પૃથુપર્ણો (spathes) ભાલાકારથી પહોળાં ભાલાકાર, લીલાં કે આછાં લીલાં, કેટલીક વાર ઘેરાં જાંબલી હોય છે. માંસલશુકી (spadix) પ્રકારનો પુષ્પવિન્યાસ નાજુક અને પાતળો હોય છે.

કંદ પોષક હોય છે અને દુષ્કાળ દરમિયાન ખાવામાં આવે છે. તે ડુક્કરોને ખવડાવવામાં આવે છે. તેમાં સ્ટાર્ચ પુષ્કળ હોવા છતાં કંદમાં રહેલા કૅલ્શિયમ ઑક્ઝેલેટના સ્ફટિકો પ્રકોપક (irritant) હોય છે. કંદને વારંવાર ઉકાળ્યા પછી ખાઈ શકાય છે. કંદમાં પાણી 8.5 %, આલ્બ્યુમિનોઇડ 7.7 %, લિપિડ 1.4 %, કાર્બોદિતો 65.9 %, રેસો 8.9 % અને ભસ્મ 7.6 % હોય છે.

A. speciosum Mart. (પં. કિરાલુ, કિરી-કી-કુરી, સાંપ-કી-ખુમ્બ, રાનીખેત-સાંપ-કા-ભુટ્ટા) ઊંચી, પરાદ્વિગૃહી (paradioecious) કંદીલ, બહુવર્ષાયુ જાતિ છે અને વન્ય (wild) સ્વરૂપે મળી આવે છે. તેનું પંજાબ અને કુમાઉંથી અરુણાચલ પ્રદેશ અને આસામ અને મેઘાલયમાં 1,500 મી.થી 3,000 મી.ની ઊંચાઈ સુધી વાવેતર થાય છે. કંદ ત્રાંસા-લાંબા કે ટૂંકા ભૂસર્પી (creeping), 4-10 સેમી. ´ 2-4 સેમી., અને કેટલીકવાર દ્વિશાખિત હોય છે. પર્ણો એકાકી, સંયુક્ત અને ત્રિપર્ણી હોય છે. પર્ણિકાઓ ઉપવલયી (elliptic) અથવા અંડાકાર અને લીલાં હોય છે. તેમની કિનારી લાલ હોય છે. પૃથુપર્ણો ઘેરાં કાળાં-જાંબલી હોય છે અને ઊભી સફેદ પટ્ટીઓ ધરાવે છે. માંસલ શુકી પુષ્પવિન્યાસ ગુલાબી કે પીળાશ પડતો હોય છે. ફળો ત્રાકાકાર-અંડાકાર (fusiform-ovoid) હોય છે.

કંદ પોષક હોય છે છતાં તે પ્રકોપક સોયાકાર કૅલ્શિયમ ઑક્ઝેલેટના બનેલા સ્ફટિકો ધરાવે છે. ખાવામાં ઉપયોગ કરતાં પહેલાં આ સ્ફટિકો કંદમાંથી દૂર કરવામાં આવે છે. મનુષ્ય અને ઢોરો માટે તે ઝેરી ગણાય છે. તેના કંદનું રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 7.6 %, આલ્બ્યુમિનોઇડ 3.8 %, લિપિડ 1.6 %, કાર્બોદિતો 76.0 %, રેસો 6.1 % અને ભસ્મ 5.1 %. તેના દ્વારા ત્વચાશોથ (dermalitis) થાય છે. કંદ ઘેટાઓને શૂલ (colic) માટે અને ઢોરોને સૂત્રકૃમિઓનો નાશ કરવા માટે આપવામાં આવે છે. તેનાં ફળો ખાતાં મોં પર હાનિકારક અસર થાય છે.

A. tortuosum Schott, Hook. f. syn. A. tortuosum var. helleborifolium (Schott) Engl.; A. curvatum Hook. f.; A. helleborifolium Schott. (બં. બિર્મોન, હિં. અને પં. ગુરિન, કિરી-કી-કુરી, સાંપ-કી-ખુમ્બ; મ. સાપકાંડા, સાપકાનેલા) સામાન્યત: એકગૃહી, બહુવર્ષાયુ અને 1.5 મી. ઊંચી જાતિ છે. ઉપોષ્ણ અને સમશીતોષ્ણ હિમાલયમાં અને ભારતમાં લગભગ બધે જ થાય છે. કંદ ચપટા અને ગોળ હોય છે અને ઊંચું આભાસી પ્રકાંડ ધરાવે છે. પર્ણો બે કે ત્રણ, સંયુક્ત અને પર્ણિકાઓ 5થી 17, ગોળ-અંડાકાર (rhombic-ovate) કે લંબચોરસથી ભાલાકાર હોય છે. પૃથુપર્ણો લીલાં કેટલીક વાર ઘેરાં જાંબલી અને માંસલ શુકી પરિવર્તી (variable) અને ઘણીવાર દ્વિલિંગી હોય છે. બીજ ત્રણથી પાંચ અને અંડાકાર હોય છે.

કંદ ખાદ્ય છે; પરંતુ કાચા કંદ કૅલ્શિયમ ઑક્ઝેલેટના સ્ફટિકો ધરાવે છે અને તેઓ અત્યંત પ્રકોપક હોય છે. શરદી અને કફમાં તે કાળાં મરી સાથે આપવામાં આવે છે. તે પ્રતિ-ફળદ્રૂપતા (antifertility), કીટનાશક (insecticidal) અને કીટપ્રતિકર્ષી (insect-repellent) ગુણધર્મો ધરાવે છે અને વરસાદ દરમિયાન ઢોરોએ ખાધેલા ખોરાકમાં રહેલા કૃમિઓનો નાશ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. કંદ એન-આલ્કેન, એન-આલ્કેનોલ, સ્ટિગ્મેસ્ટૅરોલ, કૅમ્પેસ્ટૅરોલ, કોલેસ્ટૅરોલ, કોલિન ક્લોરાઇડ અને સ્ટેચિડ્રિન હાઇડ્રૉક્લોરાઇડ ધરાવે છે.

બીજ મીઠા સાથે ઘેટાઓને શૂલમાં આપવામાં આવે છે. તેમાંથી 2 % જેટલું તેલ ઉત્પન્ન થાય છે.

– Var. curvatum (Roxb.) Engl. syn. A. curvatum (Roxb.) Kunth. (કાશ્મીર-સુરિન, પં. ડોર, કિરાકાલ, કિર્કી) ટટ્ટાર એકગૃહી શાકીય જાત છે અને પંજાબથી ભુતાન, મેઘાલય, મણિપુર અને દ્વીપકલ્પીય (peninsular) ભારતમાં થાય છે. આદિવાસી વિસ્તારોમાં તે ખવાય છે. કંદમાં રહેલા વિષાળુ ઘટકનો આથવણ દ્વારા અંશત: નાશ કરી શકાય છે. ફળ અને મૂળમાં સિસ્ટેઇન, ઓર્નિથિન, ઍસ્પર્જિન, ગ્લાયસિન, ગ્લુટામિક ઍસિડ, થ્રિયૉનિન, a-અને b-ઍલેનિન અને નૉર્વેલાઇન જેવા ઍમિનોઍસિડ હોય છે. જલાપઘટનન (hydrolyzate) પ્રોટીન ઉપર્યુક્ત ઍમિનોઍસિડ ઉપરાંત, પ્રોલિન, ટ્રિપ્ટોફેન, લ્યુસ્ટિન, નૉરલ્યુસિન અને આઇસોલ્યુસિન ધરાવે છે. ફળમાં 0.21 % જેટલું કૉલ્ચિસિન હોય છે.

Arisaemaની અન્ય જાતિઓમાં A. costatum Mart., A. leschenaultii Blume (કોબ્રા લીલી), A. propinguum Schott. A. neglectum Schott.નો સમાવેશ થાય છે.

A. leschenaultii શોભન જાતિ છે અને A. propinaguum પ્રતિકૅન્સર સક્રિયતા દર્શાવે છે.

મીનુ પરબિયા

બળદેવભાઈ પટેલ