એબરક્રૉમ્બી, લાસેલ્સ

January, 2004

એબરક્રૉમ્બી, લાસેલ્સ (જ. 9 જાન્યુઆરી 1881, ઍસ્ટન અપોન મરસી, ચેશાયર; અ. 27 ઑક્ટોબર 1938, લંડન) : અંગ્રેજ કવિ, વિવેચક અને પત્રકાર. પિતા શેરદલાલ. શિક્ષણ : મૅલવર્ન કૉલેજ, વૉર્સેસ્ટરશાયર અને ઑવેન્સ કૉલેજ, માંચેસ્ટર તથા વિક્ટોરિયા યુનિવર્સિટી, માંચેસ્ટર. પત્રકાર તરીકે શરૂઆતમાં અને પાછળથી લિવરપુલ યુનિવર્સિટી (191922), લીડ્ઝ યુનિવર્સિટી (192229), લંડન યુનિવર્સિટી (192935) અને ઑક્સફર્ડ યુનિવર્સિટી(193538)માં અંગ્રેજી સાહિત્યનું અધ્યાપન. ‘ઇન્ટરલ્યૂડ્ઝ ઇન પોએમ્સ’ (1908) તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ. ‘મેરી ઍન્ડ ધ બ્રેમ્બલ’ (1910) નાટ્યાત્મક કાવ્ય. ‘પોએમ્સ’ (1930), ‘ધ સેલ ઑવ્ સેંટ ટૉમસ’ (1931) પદ્યનાટક છે. ‘જ્યૉર્જિયન પોએટ્રી’ અને ‘ન્યૂ નંબર્સ’ સામયિકોમાં તેમનાં કાવ્યો અને નાટકો પ્રસિદ્ધ થયેલાં. રુપર્ટ બ્રૂકે તેમની કવિ અને નાટ્યકાર તરીકે પ્રશંસા કરી છે. છેક 1912માં પ્રસિદ્ધ થયેલ ‘ડેબોરાહ’ અને ‘એમ્બ્લમ્સ ઑવ્ લવ’ તેમનાં જાણીતાં કાવ્યો છે. ‘ટૉમસ હાર્ડી’ (1912), ‘ધી આઇડિયા ઑવ્ ગ્રેટ પોએટ્રી’ (1925) અને ‘પ્રિન્સિપલ્સ ઑવ્ લિટરરી ક્રિટિસિઝમ’ (1932) તેમના વિવેચનગ્રંથો છે. (ભારતની યુનિવર્સિટીઓમાં સવિશેષ અંગ્રેજી સાહિત્ય અને પ્રાંતીય સાહિત્યનો અભ્યાસ કરતી અનેક પેઢીઓએ તેમના ‘પ્રિન્સિપલ્સ ઑવ્ લિટરરી ક્રિટિસિઝમ’ને આધારગ્રંથ તરીકે માણ્યો છે.) ‘સ્પેક્યુલેટિવ ડાયલૉગ્ઝ’ (1913) તેમની ગદ્યકૃતિ છે. તેમનાં ‘ઍન એસે ટ્વૉર્ડ્ઝ અ થિયરી ઑવ્ આર્ટ’ અને ‘પોએટ્રી : ઇટ્સ મ્યૂઝિક ઍન્ડ મીનિંગ’ (1932) સુપ્રસિદ્ધ નિબંધો છે. ‘લિરિક્સ ઍન્ડ અનફિનિશ્ડ પોએમ્સ’ (1940) તેમનો મરણોત્તર કાવ્યસંગ્રહ છે.

વિ. પ્ર. ત્રિવેદી