ઍબર્ડીન : બ્રિટનના સ્કૉટલૅન્ડના ગ્રોમ્પિયન વિભાગમાં આવેલો જિલ્લો તથા ડી અને ડોન નદીઓના મુખપ્રદેશો વચ્ચે આવેલું બંદર અને શહેર. ભૌ. સ્થાન : 57o 10′ ઉ. અ. અને 2o 04′ પ. રે.. વસ્તી : 2.08 લાખ (2016). જિલ્લાનો વિસ્તાર : 186 ચોકિમી.. આબોહવા : જાન્યુઆરી તાપમાન 3.3o સે., જુલાઈ 13.9o સે., સરેરાશ વરસાદ 813 મિમી.. ઈ.પૂ. 2000માં વસેલું મનાતું ઍબર્ડીન શહેર મત્સ્યોદ્યોગ માટે જાણીતું છે અને તે ઈશાન સ્કૉટલૅન્ડનું મુખ્ય વ્યાપારી કેન્દ્ર છે. બ્રિટનનો સૌથી મોટો ગ્રૅનાઇટ નિકાસ ઉદ્યોગ અહીં વિકસ્યો છે. ગ્રૅનાઇટનાં મકાનોને કારણે તે ‘ગ્રૅનાઇટ શહેર’ તરીકે પણ ઓળખાય છે. બંદરનો વ્યાપાર મુખ્યત્વે સ્કૅન્ડિનેવિયા અને બાલ્ટિક દેશો સાથે સંકળાયેલો છે. જિલ્લાના મુખ્ય ઉદ્યોગો ખેતી અને પશુપાલન છે.

હેમન્તકુમાર શાહ