એફિલ, ઍલેક્ઝાન્દ્ર ગુસ્તાવ

January, 2004

એફિલ, ઍલેક્ઝાન્દ્ર ગુસ્તાવ (જ. 15 ડિસેમ્બર 1832, દજોન, ફ્રાન્સ; અ. 28 ડિસેમ્બર 1973, પૅરિસ) : ફ્રાન્સના પ્રસિદ્ધ સિવિલ ઇજનેર. તેમણે 1889માં જગપ્રસિદ્ધ એફિલ ટાવર બંધાવ્યો અને તે રીતે તેઓ જગપ્રસિદ્ધ બન્યા.

ઍલેક્ઝાન્દ્ર ગુસ્તાવ એફિલ

તેમણે 1855માં સિવિલ ઇજનેરની ગ્રૅજ્યુએટ(ઇકોલે સેન્ત્રેઇલ દ આટર્સ એત મેન્યુફેક્ચરર્સ)ની પદવી મેળવી. એફિલ ટાવરના બાંધકામ પહેલાં તે પુલો અને બોગદાં (viaducts) બાંધવામાં નિષ્ણાત બન્યા. એમાં બોર્ડોનો પુલ (1858), પૉર્ટુગલમાં ડ્યુરો નદી પરનો 160 મીટર લાંબો પુલ અને દક્ષિણ ફ્રાન્સમાં ગેરા બિટ ખીણ વિસ્તાર પરનો 162 મી. લાંબો અને 120 મી. ઊંચો પુલ મુખ્ય છે. અમેરિકામાં સ્વતંત્રતાદેવી(statue of liberty)ની મૂર્તિ માટેના લોહના પાયલોનનું બાંધકામ 1884માં તેમણે કર્યું હતું.

1889માં બંધાયેલ 300 મીટર ઊંચો આઇફેલ ટાવર તે વખતે દુનિયાનો સૌથી ઊંચો ટાવર હતો. આના બાંધકામ દ્વારા ધાતુને સ્થાપત્ય અને ઇજનેરી સામાન તરીકે સ્વીકૃતિ મળી. ત્યારબાદ આઇફેલની રચનામાં પુલો પણ અત્યંત કાબેલિયતપૂર્ણ બાંધકામ તરીકે વખણાયેલા. આઇફેલે અમેરિકાના લિબર્ટીના પૂતળા માટે પણ ઇજનેરી સેવા આપી હતી

આ ઉપરાંત નાઇલની વેધશાળાનો ફરતો ઘુમ્મટ અને પનામા નહેર પરના વિશાળકાય જળપાશ(lock)ની ડિઝાઇન પણ તેમણે તૈયાર કરેલી. પાછળથી તેમને વાયુગતિવિદ્યા- (aerodynamics)માં અભિરુચિ થઈ અને 1913માં ‘ધ રેઝિસ્ટન્સ ઑવ્ ધી ઍર’ નામનું એક પુસ્તક લખ્યું. તેમને લોખંડના જાદુગર કહેવામાં આવતા. (જુઓ : એફિલ ટાવર.)

વાસુદેવ યાજ્ઞિક

રવીન્દ્ર વસાવડા