એફિલ ટાવર (1889) : સ્થાપત્ય ઇજનેરી તથા તકનિકી ક્ષેત્રને લગતી વિશ્વની એક અદભુત તથા શ્રેષ્ઠ કલાકૃતિ. આ ગગનચુંબી કીર્તિસ્તંભ ફ્રાન્સના પાટનગર પૅરિસમાં કૅમ્પ-દ-માર્સના પશ્ચિમ છેડે સીન નદીના દક્ષિણ કિનારા પર 1889માં ફ્રેન્ચ રાજ્યક્રાંતિની પ્રથમ શતાબ્દીની ઉજવણી પ્રસંગે તેની કાયમી યાદ તરીકે બાંધવામાં આવ્યો હતો. તે માટે યોજવામાં આવેલી જાહેર હરીફાઈમાં 100 ઉપરાંત સ્થપતિઓએ પોતપોતાની કલાકૃતિઓના નમૂના  મોકલ્યા હતા. એમાંથી પસંદગી સમિતિએ ઍલેકઝાંદ્ર ગુસ્તાવ એફિલ (18321923) નામના એન્જિનિયર-સ્થપતિનો નમૂનો પસંદ કર્યો હતો. તેના નામ પરથી આ મિનાર એફિલ ટાવરના નામથી ઓળખાય છે.

એફિલ ટાવર

30 ચોરસ મીટરના પાયા પર 9 મીટર ઊંચી દીવાલના ચણતર સાથે રચવામાં આવેલો આ મિનારો કુલ 300 મીટર ઊંચો છે; તેના શિખર પરથી આસપાસના આશરે 137 કિમી.ના વિસ્તારનું ર્દશ્ય દેખાય છે. આસમાન તરફ ઊંચી જતી જાળીવાળી સ્તંભકમાનો તૈયાર કરવા તથા એકબીજાને જોડવા માટે 7,620 ટન લોખંડ અને પોલાદની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેની સંરચના પર આશરે 10,00,000 ડૉલર જેટલો ખર્ચ થયો હતો. આ રકમ મુલાકાતીઓ પાસેથી પ્રવેશ ફી લઈને પાછી મેળવી લેવામાં આવી છે. રોમમાં આવેલા સેન્ટ પીટરના વિશ્વવિખ્યાત ઘુમ્મટ તથા ગીઝા ખાતેના પિરામિડની ઊંચાઈ કરતાં એફિલ ટાવરની ઊંચાઈ બમણી છે એટલું જ નહિ, પરંતુ 1930 સુધી તે વિશ્વની સૌથી ઊંચી ઇમારત હતી. તેની ટોચ પર કાચનું બનેલું ફાનસના આકારનું શિખર છે, એમાં ભૌતિકશાસ્ત્ર તથા જીવશાસ્ત્રની પ્રયોગશાળાઓ છે. તેમાં આબોહવા કે તાપમાન અંગે પ્રયોગો કરીને તેને આધારે જાહેર સૂચના આપવામાં આવે છે. ઉપરાંત, બિનતારી સંદેશા આપવા, સમય અંગે જાણ કરવા તથા રેડિયો અને ટેલિવિઝન-પ્રસારણ માટે પણ તેનો ઉપયોગ થાય છે. ત્રણ ગૅલેરીઓના આ મિનારમાં ચઢવા-ઊતરવા માટે લિફ્ટની વ્યવસ્થા છે.

સ્થાપત્ય તથા એન્જિનિયરિંગના ક્ષેત્રમાં ક્રાંતિકારી ફેરફારોની પહેલ તથા આગાહી કરનારી આ કલાકૃતિની ખૂબી એ છે કે માત્ર બે વર્ષના ગાળામાં (18871889), ઓછામાં ઓછા શ્રમ તથા ખર્ચથી તે ઊભી કરવામાં આવી હતી. કલાની ર્દષ્ટિએ પણ તે ઉચ્ચ કોટિની હોવાથી વિશ્વના પર્યટકો માટે તે કાયમી આકર્ષણ બની રહ્યું છે.

1989ના વર્ષમાં ફ્રાન્સમાં તેની પ્રથમ શતાબ્દીની ઉજવણી અપાર ઉત્સાહ અને ધામધૂમ સાથે કરવામાં આવી હતી.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે