એપ્લિલેકના (Eplilechna) ભ્રમર

January, 2004

એપ્લિલેકના (Eplilechna) ભ્રમર : ઢાલપક્ષ (coleptera) શ્રેણીના coccinellidae કુળના કથ્થઈ રંગના અને શરીર પર કાળાં ટપકાં ધરાવતા કીટકો. મોટાભાગના એપ્લિલેકના ભ્રમર માનવજાતિને લાભદાયક ગણવામાં આવે છે, જ્યારે બીજા કેટલાક ભ્રમર નુકસાનકારક છે. અમુક ભ્રમરની ઇયળ અને તેના પુખ્ત અવસ્થાના કીટકો બટાટા, કારેલી, રીંગણી અને ટામેટાંનાં પાનને ખાઈને ચાળણી જેવાં બનાવી દે છે. આ જીવાત હમેશાં છોડ પર જીવન પસાર કરતી દેખાય છે. માદા કીટક પાનની નીચે 120થી 180 જેટલાં ઈંડાં મૂકે છે; 2થી 6 દિવસમાં તે સેવાતાં પીળા રંગની મજબૂત અને શરીર પર કઠણ વાળવાળી ઇયળોમાં રૂપાંતર પામે છે. આ ઇયળો પાનનો લીલો ભાગ ચાવીને તેમાંથી રસ ચૂસી લે છે. કઠણ ભાગ ખાતી નથી. 12થી 18 દિવસમાં વિકાસ પામતાં તેનો અર્ધગોળાકાર કોશેટો બને છે. કોશેટા રૂપે તે પાન કે ડાળીને ચોંટેલો જ રહે છે. 3થી 6 દિવસમાં કોશેટામાંથી પુખ્ત કીટક બહાર આવે છે, તે 22થી 81 દિવસ જીવે છે.

કાળિયા (lady bird beetle) નામથી ઓળખાતા એપ્લિલેકના ભ્રમર માનવજાતિને લાભદાયક છે. તે વનસ્પતિ પાકને નુકસાન કરનાર મસી(aphid)નું ભક્ષણ કરે છે. કાળિયા ભ્રમર નારંગી રંગના અથવા આછા પીળા કે લાલ રંગના હોય છે. આ કીટકના શરીર પર 7 કાળાં ટપકાં અથવા ધાબાં હોય છે. પગ અને શરીરનો ભાગ કાળો હોય છે. ઉદરપ્રદેશ પર પાંખથી ઢંકાયેલો કાળો પટ્ટો હોય છે.

રાવજીભાઈ છોટાભાઈ પટેલ