ઍપ્લાઇટ (aplite) : એક સૂક્ષ્મ દાણાદાર (કણ-કદ આશરે 0.05 મિમી.થી 1.00 મિમી.), સંપૂર્ણ સ્ફટિકમય, સમદાણાદાર, બિનપાસાદાર કણરચનાવાળો સ્વભેદિત, ઍસિડિક, ભૂમધ્યકૃત (અગ્નિકૃત) ખડક. તે ડાઇક કે શિરાસ્વરૂપે મળી આવે છે. ઍપ્લાઇટનું ખનિજબંધારણ ગ્રેનાઇટથી ગૅબ્બ્રો સુધીનું હોઈ શકે છે, પરંતુ જ્યારે કોઈ પણ પ્રકારના વિશેષણ વિના ઍપ્લાઇટનો નિર્દેશ કરવામાં આવે ત્યારે તેનું બંધારણ ગ્રૅનાઇટ જેવું ગણવાનું હોય છે. એ રીતે જોતાં ઍપ્લાઇટ ખડક મુખ્યત્વે ક્વાર્ટ્ઝ અને આલ્કલી ફેલ્સ્પાર ખનિજ ઘટકોથી બનેલો હોય છે. આ ખનિજ ઘટકો સાથે અબરખ થોડા પ્રમાણમાં રહેલું હોય છે, અન્ય અનુષંગી ખનિજો તેમાં અલ્પ પ્રમાણમાં જોવા મળે છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે