એફ.આઇ.સી.સી.આઇ. (Federation of Indian Chambers of Commerce and Industries) (1927) : ભારતીય વ્યાપાર તથા ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી કેન્દ્રીય સંસ્થા. તેની સ્થાપના થતાં ‘ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી ઍન્ડ કૉમર્સ કૉંગ્રેસ’ નામની અગાઉની સંસ્થાનું સ્થાન તેણે લીધું. પ્રવર્તમાન આર્થિક વલણો તથા સમસ્યાઓ અંગે ભારતનાં વ્યાપાર તથા વાણિજ્યનાં સંગઠનોનાં મંતવ્યોને મૂર્ત સ્વરૂપ આપી સરકાર તથા આમ પ્રજા સમક્ષ સ્પષ્ટ રીતે તેને રજૂ કરનાર રાષ્ટ્રીય સ્તરની આ સંસ્થા છે. વાણિજ્ય તથા વ્યાપારની વિવિધ સંસ્થાઓ જેમનું પ્રતિનિધિત્વ ધરાવે છે તેવા ઉદ્યોગ, વ્યાપાર અને વાણિજ્યનાં હિતોનું સંકલન કરી તેનું રક્ષણ કરવા જરૂરી પગલાં લેવા માટે ઊભી કરવામાં આવેલી બિનરાજકીય ધોરણે કાર્ય કરતી આ સંસ્થા છે. ચોવીસની સભ્ય-સંખ્યાથી શરૂ કરવામાં આવેલી આ સંસ્થાના સભ્યોની સંખ્યા ઉત્તરોત્તર વધતી ગઈ છે.

આ સંસ્થા સાથે 6 ભગિની સંસ્થાઓ સંકળાયેલી છે : (1) ઑલ ઇન્ડિયા ઑર્ગેનાઇઝેશન ઑવ્ એમ્પ્લૉયર્સ, (2) ઑલ ઇન્ડિયા શિપર્સ કાઉન્સિલ, (3) કૉન્ફરન્સ ઑવ્ ઇન્ડિયન ફૂડ, ટ્રેડ ઍન્ડ ઇન્ડસ્ટ્રી, (4) ઇન્ડિયન નૅશનલ કમિટી ઑવ્ ઇન્ટરનૅશનલ ચેમ્બર ઑવ્ કૉમર્સ, (5) ઇકૉનૉમિક ઍન્ડ સાયન્ટિફિક રિસર્ચ ફાઉન્ડેશન તથા (6) એફ. આઇ. સી. સી. આઇ. લેડિઝ ઑર્ગેનાઇઝેશન.

ઉદ્યોગ, વ્યાપાર તથા વાણિજ્ય અંગેની રાજ્યની નીતિથી વાકેફ રહેવા  તથા તે અંગે પોતાના સૂચિત અભિપ્રાયો સરકાર સમક્ષ રજૂ કરવા સંસ્થા કેન્દ્ર સરકાર સાથે ગાઢ સંબંધ રાખે છે. વખતોવખત સરકાર દ્વારા નિમાતાં તપાસપંચો (commissions) સમક્ષ તેના નિષ્ણાત પ્રતિનિધિઓ ઉદ્યોગ તથા વ્યાપારને લગતી બાબતો અંગે રજૂઆત કરે છે, સરકાર તથા અન્ય સંગઠનો દ્વારા નિયુક્ત કરવામાં આવતી સલાહકાર સમિતિઓ પર સંસ્થાના પ્રતિનિધિઓને સામેલ કરવામાં આવે છે, કેન્દ્ર સરકારનાં જુદાં જુદાં મંત્રાલયો તથા અધિકારીઓ સમક્ષ ઉદ્યોગ-વ્યાપારને લગતા ખરડાઓ અંગે અગાઉથી પોતાનાં અભિપ્રાયો તથા સૂચનો રજૂ કરે છે તથા ભારતસ્થિત એલચી-કચેરીઓ અને રાજદૂતાવાસો સાથે તેમજ વિદેશમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતાં સનદી અધિકારીઓ તથા વ્યાપાર મંડળો સાથે તે સતત સંપર્ક રાખે છે.

સંસ્થા કેટલીક સંવર્ધક (promotional) પ્રવૃત્તિઓ પણ હાથ ધરે છે; દા. ત., એશિયા અને આફ્રિકાના ચેમ્બર્સ ઑવ્ કૉમર્સના કાર્યકરો માટે તાલીમ વર્ગો, પ્રાદેશિક અધિવેશનો, ચર્ચાસભાઓ અને પરિસંવાદો, ભારતના ઔદ્યોગિક વિકાસ પ્રત્યે વિદેશોનું ધ્યાન આકર્ષિત કરવા માટે આંતરરાષ્ટ્રીય વ્યાપાર-મેળાઓ તથા પ્રદર્શનો, ઉદ્યોગ અને વ્યાપારનાં પ્રતિનિધિમંડળોની વિદેશયાત્રાઓનું આયોજન વગેરે. ઉપરાંત, સંસ્થાની નીતિ, કાર્યો તથા મંતવ્યોથી પોતાના સભ્યોને વાકેફ કરવા માટે તે ‘ફોર્ટનાઇટલી રિવ્યૂ’ તથા ‘એક્સપૉર્ટ ન્યૂઝ’ સામયિકો પ્રકાશિત કરે છે, સંસ્થાએ હાથ ધરેલાં સંશોધનો તથા અભ્યાસલક્ષી પ્રવૃત્તિઓનાં તારણો દર્શાવતી પત્રિકાઓ અને પુસ્તિકાઓ પ્રસારિત કરે છે તથા નવી દિલ્હી ખાતેના મુખ્ય કાર્યાલયમાં ગ્રંથાલય ચલાવે છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે