એન્થ્રેસીન ગ્લાયકોસાઇડ સંયોજનો : વનસ્પતિજ પેદાશોમાં મળી આવતાં રેચક ગુણો ધરાવતાં સંયોજનો. આ સંયોજનો એન્થ્રાક્વિનોન ગ્લાયકોસાઇડ્ઝ તરીકે કે એન્થ્રેસીનોસાઇડ્ઝ તરીકે પણ ઓળખાય છે.
મીંઢીઆવળ (Cassia angustitolia vahl), (Cascara sagrada), રેવંચીની (Rheum pahmatum Lin) કુંવારપાઠું (Aloe barbadensis mill) તથા તેમાંથી મળતો એળિયો (aloe) વગેરેમાં આ સંયોજનો મળે છે. તેમનું જલવિઘટન કરતાં શર્કરા અને અગ્લાયકોન મળે છે. શર્કરા તરીકે રહેમ્નોઝ, એરેબિનોઝ અને ગ્લુકોઝ સામાન્ય છે. કુદરતમાં ગ્લાયકોસાઇડની સાથે સાથે મુક્ત અગ્લાયકોન પણ મળે છે. ગ્લાયકોસાઇડમાં શર્કરા અણુઓ C- સાથે કે O- સાથે જોડાયેલ હોય છે. તેથી તેમને C/O ગ્લાયકોસાઇડ ગણવામાં આવે છે. અગ્લાયકોન, હાઇડ્રૉક્સિએન્થ્રાક્વિનોન તથા તેની સાથે સંબંધિત સંયોજનોનાં વ્યુત્પન્નો છે.
ઇમોડિન (1, 6, 8 ટ્રાઇહાઇડ્રોક્સિ – 2 – મિથાઇલ એન્થ્રોક્વિનોન), આઇસો – ઇમોડિન (3, 5, 8 ટ્રાઇહાઇડ્રોક્સિ – 2 મિથાઇલ એન્થ્રાક્વિનોન), એલોઇમોડિન (1, 8 – ડાઇહાઇડ્રોક્સિ – 3 – હાઇડ્રોક્સિ મિથાઇલ એન્થ્રાક્વિનોન), ક્રિસોફેનિક ઍસિડ (1, 8 ડાઇહાઇડ્રોક્સિ – 3 – મિથાઇલ એન્થ્રાક્વિનોન) વગેરે જાણીતા અગ્લાયકોન છે. મીંઢીઆવળમાં રહેલ સેનોસાઇડ A અને B ડાઇએન્થ્રોન ગ્લાયકોસાઇડ છે. વિવિધ ગ્લાયકોસાઇડનું મિશ્રણ એકાકી ગ્લાયકોસાઇડ કરતાં વધુ સક્રિય છે. આ વનસ્પતિજ દ્રવ્યોમાં રેચક ગુણની સાથે સાથે અમળાવાનો (ચૂંક લાવવાનો) ગુણ પણ રહેલ છે. વનસ્પતિજ દ્રવ્યોને એક વર્ષ માટે રાખી મૂકીને કે 80o-100o સે. તાપમાને 24 કલાક ગરમ કરીને વાપરવાથી અમળવાનો ગુણ નાશ પામે છે. વાયુસારી (carminative) ઔષધો ઉમેરવાથી પણ અમળાવાનું ઓછું થાય છે.
એમ માનવામાં આવે છે કે એન્થ્રાક્વિનોન સંયોજનોનું મોટા આંતરડામાં અપચયન (reduction) થતાં એન્થ્રોન વ્યુત્પન્ન બને છે, જે રેચક ગુણ ધરાવે છે. ગ્લાયકોસાઇડમાંની શર્કરા ઔષધને જલદ્રાવ્ય બનાવે છે અને ક્રિયાસ્થાન ઉપર પહોંચવામાં મદદરૂપ બને છે.
આ વનસ્પતિજ દ્રવ્યો મોટા પ્રમાણમાં વિશ્વભરમાં વપરાય છે. આ દ્રવ્યોની ચકાસણી માટે વિવિધ કસોટીઓ નક્કી કરવામાં આવી છે.
દાદર જેવા ચામડીના રોગોમાં પણ આ ગ્લાયકોસાઇડ ઉપયોગી છે. મજીઠમાંનો ગ્લાયકોસાઇડ રૂબેરિથ્રિક ઍસિડ પથરીનાશક ગુણો ધરાવે છે.
એન્થ્રેસીનોસાઇડ સંયોજનો પ્રાણીસૃષ્ટિમાં પણ મળે છે; દા. ત., કોનિ કિનિય્લ રંગક. Doctylopius Coccus નામના કીટકોમાંથી મળે છે. તેમાંનો કાર્મિનિક ઍસિડ હાઇડ્રૉક્સિએન્થ્રાક્વિનોનનો વ્યુત્પન્ન છે.
જયંતિલાલ જટાશંકર ત્રિવેદી