એન્ને ડેર્નિયર આ મારિયેનબાદ

January, 2004

એન્ને ડેર્નિયર આ મારિયેનબાદ (લાસ્ટ ટ્રેન ફ્રૉમ મારિયેનબાદ) (1961) : વિખ્યાત ફ્રેન્ચ ચલચિત્ર. દિગ્દર્શક : આલાં રેને. નિર્માતા : પિયરે કોરોઉ (પ્રીસીટેલ), રેમૉન્ડ ફ્રોમેન્ટ (ટેરાફિલ્મ). પટકથા : એલાં રૉબ ગ્રીયે. સંગીત : ફ્રાન્સિસ સિરીઝ. અભિનયવૃંદ : ડેલ્ફીન સીરીગ, જ્યૉર્જિયો આલ્બર્ટાઝી, સાચા પીટોઇફ.

‘એન્ને ડેર્નિયર આ મારિયેનબાદ’નું એક ર્દશ્ય

કથાના પ્રસંગો – ઘટનાઓની સૂક્ષ્મ વાસ્તવિકતા પર લક્ષ્ય કેન્દ્રિત કરતી આ ‘ફ્રેન્ચ નવ્યધારા’ સિનેમાના ફ્રાન્સ્વા ત્રુફો પછીના અગ્રગણ્ય દિગ્દર્શકની કૃતિ છે. વીતી ગયેલી સદીનું જૂનું યુરોપીય સ્થાપત્ય ધરાવતી અને નકશીકામથી અતિઅલંકૃત જૂની હવેલીમાં એકઠા થયેલ મહેમાનોમાંની એક સ્ત્રીને કથાનો નાયક (જે પોતે વર્ણનકર્તા પણ છે) પોતે અગાઉ મળ્યો હોવાનું જણાવી સાથે આવેલ પુરુષ(કદાચિત તેનો પતિ)ને છોડીને પોતાની સાથે ચાલી નીકળવા બાબત તે અગાઉ સંમત થઈ હોવાનું ઠસાવવા પ્રયાસ કરતો દર્શાવાયો છે.

સૂક્ષ્મ આંતરિક વાસ્તવિકતાના થર ઉથલાવતી આ કૃતિ પ્રેક્ષકને મુક્ત કાવ્યમયતાનો અનુભવ કરાવે છે. એમાં બાહ્ય તાર્કિકતા કે ક્રમબદ્ધતાને નકારવામાં આવી છે. અહીં પૂર્વસ્મૃતિની ઘટનાઓને પ્રતિબિંબિત થતી, બહુસંખ્ય રજૂઆત પામતી કે પુનરાવર્તન પામતી તો વળી ક્યારેક વિકૃતિ ધારણ કરતી અનુભવાય છે. ર્દશ્યોમાં રજૂ થતાં ભૌમિતિક આયોજનયુક્ત બગીચાઓ, શ્યામ/શ્વેત સિનેછાયામાં ઘેરા વિરોધાભાસમાં દેખાતાં જૂની હવેલીનાં સ્થાપત્ય-અલંકરણ અને હવેલીની અનંત જણાતી વિશાળ લાંબી ઓશરીઓ ક્યારેક જર્મન એક્સપ્રેશનિસ્ટ સિનેકૃતિઓની શૈલીની પણ યાદ અપાવે છે.

સુંદર ર્દશ્યસંયોજનોની વિગતો પ્રેક્ષકને રસતરબોળ કરી દે છે. આ ચિત્ર વિશે અવારનવાર અનેક વિવાદ, ચર્ચા અને વિભિન્ન અર્થઘટનો થતાં રહ્યાં છે.

ઉષાકાન્ત મહેતા