એન્થ્રૅક્સ : મુખ્યત્વે Bacillus anthracis બૅક્ટેરિયાને લીધે પ્રાણીઓને થતો ચેપી રોગ. આ રોગનો ફેલાવો પ્રાણીઓ દ્વારા માનવમાં પણ થઈ શકે છે. ચામડી કે ફરના સંપર્કથી અથવા તો માંસ અને અસ્થિ-ખોરાક (bone-meal) ખાવાથી માણસ એન્થ્રૅક્સથી પીડાય છે.
ઢોર, ઘેટાં, બકરી, ભુંડ, ઘોડા જેવાં વનસ્પત્યાહારી પ્રાણીઓમાં આ રોગ સહેલાઈથી પ્રસરે છે. પરિણામે તેમનું લોહી દૂષિત બને છે. સામાન્ય સંજોગોમાં આ રોગને લીધે પ્લીહા ફૂલે છે. વિપરીત સંજોગોમાં થોડીક ક્ષણોમાં રોગી મૃત્યુ પામે છે.
આ રોગના ચેપને લીધે માનવ વ્યાધિકારક ફોલ્લી (malignant pustule) શ્ર્વસનાંગીય ઍન્થ્રેક્સ અથવા આંતરડાના એન્થ્રૅક્સથી પીડાય છે. જોકે ફોલ્લીમાં પરુનું પ્રમાણ ઓછું હોય છે. આ રોગ ખાસ જોખમકારક નથી, પરંતુ શ્વસનાંગનો અને આંતરડાંનો એન્થ્રૅક્સ, માનવી માટે મોટેભાગે જીવલેણ ઠરે છે. જોકે એન્થ્રૅક્સના ચેપનો માનવી જવલ્લે જ ભોગ બને છે.
મ. શિ. દૂબળે