ઍન્થ્રેસાઇટ : શ્રેષ્ઠ પ્રકારનો ખનિજ કોલસો. બંધારણ C. તેમાં કાર્બનનું પ્રમાણ સામાન્ય રીતે 80 % કરતાં વધારે હોવાથી તે રંગે ઘેરો કાળો અને ચમકવાળો હોય છે. પોપડામાં અત્યંત દબાણ અને ગરમી હેઠળ બનેલો હોવાથી તે કઠણ અને ભેજ વગરનો હોય છે. વનસ્પતિદ્રવ્યજથ્થાની જમાવટ જ્યારે જળકૃત નિક્ષેપોના પ્રસ્તરો સાથે થાય અને વધુ પડતા દાબ તેમજ જરૂરી તાપમાનની અનુકૂળ અસર હેઠળ આવે ત્યારે તેમાંનું કાર્બનદ્રવ્ય દાબરાસાયણિક પ્રક્રિયા (dynamochemical process) દ્વારા સંકેન્દ્રિત થતાં કોલસામાં રૂપાંતરિત થાય છે. જે કોલસામાં કાર્બનદ્રવ્ય વધુ પડતું હોય અને બાષ્પશીલ દ્રવ્યો નહિવત્ હોય, તેને ઍન્થ્રેસાઇટ કહે છે. ઍન્થ્રેસાઇટ સખત, ઘનિષ્ઠ, ધાત્વિક ચમકવાળો, કાળા રંગનો હોય છે. તેમાં સરેરાશ કાર્બન પ્રમાણ 93 %થી 95 % સુધીનું હોવાથી તે સુંદર ભૂરી જ્યોત રૂપે ધીમે ધીમે સળગે છે. તેનું ઉષ્મામૂલ્ય (heating value) ઊંચું હોઈ (calorific value 15,000-15,600 બી. ટી. યુ. પ્રતિ પાઉન્ડ) ઘણી ગરમી આપે છે. તેમાં બાષ્પશીલ દ્રવ્યો સામાન્ય રીતે 925o સે. તાપમાને 2 %થી 5 %, પરંતુ ક્યારેક 10 % સુધી હોય છે. હાઇડ્રોજન 3 %થી 4 % હોય છે.

દુનિયાના બધા જ પ્રકારના ખનિજ કોલસા પૈકી ઍન્થ્રેસાઇટનું પ્રમાણ ઓછું છે; દુનિયાના ખનિજ કોલસાના કુલ ઉત્પાદનના માત્ર 5 % જેટલો જ ભાગ ઍન્થ્રેસાઇટ પ્રકારનો છે. આમાંથી આશરે 50 % ઍન્થ્રેસાઇટ રશિયા અને ચીનમાં તથા 25 % જેટલો યુ.એસ.માં છે. ભારતમાં આ પ્રકારનો કોલસો જૂજ પ્રમાણમાં મળે છે અને તે પણ દાબની અસર હેઠળ આવેલા પહાડી પ્રદેશોમાંનાં કોલસાક્ષેત્રો પૂરતો મર્યાદિત છે. ઝારખંડના ડાલ્ટનગંજમાં રાજહરા કોલસાક્ષેત્રમાં અજોડ ગણાવી શકાય એવી ઍન્થ્રેસાઇટ સ્તરપટ્ટીઓ આવેલી છે. જમ્મુના રિયાસી વિસ્તારમાં ઇયોસીનકાળના ન્યુમુલિટિક સ્તરો સાથે સંકળાયેલી 30 સેમી.થી 6 મીટરની જુદી જુદી જાડાઈવાળી ઍન્થ્રેસાઇટ સ્તરપટ્ટીઓ ત્યાંનાં ત્રણથી ચાર કોલસાક્ષેત્રોમાં 56થી 68 કિમી.ની લંબાઈમાં પથરાયેલી છે. ભૂસ્તરીય કાળગણના મુજબ ઍન્થ્રેસાઇટનું વય પર્મોકાર્બોનિફેરસ કાળનું એટલે કે વર્તમાન પૂર્વે આશરે 30 કરોડ વર્ષનું ગણી શકાય.

ગિરીશભાઈ પંડ્યા

મહેન્દ્ર રા. શાહ