એન્ટબી (Entebbe) : પૂર્વ આફ્રિકાના યુગાન્ડા દેશમાં વિક્ટોરિયા સરોવરને કાંઠે અને કમ્પાલાથી આશરે 40 કિમી. દક્ષિણ દિશામાં આવેલું નગર. આ નગરનો ઉદભવ 1893માં એક લશ્કરી છાવણીમાંથી થયો હતો અને 1894થી 1962 સુધી તે યુગાન્ડાનું પાટનગર હતું. તે સમુદ્રસપાટીથી 1,146 મીટરની ઊંચાઈએ આવેલું હોવાથી ઉનાળામાં તેની આબોહવા ખુશનુમા અને સમધાત રહે છે.

આ નગર બૉટૅનિકલ ગાર્ડન, પશુ-સંશોધન પ્રયોગશાળા અને જીવાણુ-સંશોધન સંસ્થા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ શહેરમાં સરકારી કર્મચારીઓનાં રહેઠાણો આવેલાં છે. અહીં કોઈ ઉદ્યોગો નથી. આંતરરાષ્ટ્રીય વિમાની મથક ધરાવવા ઉપરાંત આ શહેર સડકમાર્ગે દેશના અન્ય ભાગો સાથે સંકળાયેલું છે. વળી અહીંથી વિક્ટોરિયા સરોવરમાં સ્ટીમરમાર્ગે કેન્યા, તાન્ઝાનિયા અને યુગાન્ડાના બીજા ભાગોમાં જઈ શકાય છે.

1976માં પૅલેસ્ટાઇન લિબરેશન ફ્રન્ટ (PLO) દ્વારા ફ્રેંચ હવાઈ જહાજનું અપહરણ કરવામાં આવેલું અને તે એન્ટબી હવાઈ મથક ખાતે ફરજિયાત ઉતારવામાં આવ્યું હતું. અહીં વિમાનના પ્રવાસીઓને છ દિવસ સુધી બાનમાં રાખવામાં આવ્યા હતા. તેનાં યહૂદી પ્રવાસીઓને આતંકવાદીઓના સકંજામાંથી મિનિટોમાં મુક્ત કરાવવાની હેરતભરી કામગીરી યહૂદી ગુપ્તચર સંસ્થા મોસાદે સફળતાપૂર્વક પાર પાડી હતી.

હેમન્તકુમાર શાહ

રક્ષા મ. વ્યાસ