ઍન્ટવર્પ : બેલ્જિયમના ઍન્ટવર્પ પ્રાંતનું પાટનગર, ઉદ્યોગ તથા વ્યાપારનું કેન્દ્ર અને પ્રમુખ બંદર. તે 51o 13′ ઉ. અ. અને 4o 25′ પૂ.રે.ની આજુબાજુનો 2,867 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે બ્રસેલ્સની ઉત્તરે 41 કિમી. અંતરે શેલ (scheldt) નદીના તટ પર વસેલું છે. પ્રાન્તની વસ્તી 16,43,972 (2000), નગરની વસ્તી 4,46,525 (2000).

આઠમી સદી પૂર્વે આદિમજાતિના લોકોએ બજારના મથક તરીકે કદાચ તેની સ્થાપના કરી હોય તેમ મનાય છે. નવમી સદીમાં આ નગર નષ્ટ થયું. દસમી સદીમાં તેની પુન: રચના થઈ અને અગિયારમી સદીથી તેનું મહત્વ વધવા પામ્યું હતું. પંદરમી સદી સુધી તે માત્ર સ્થાનિક જરૂરિયાત પૂરી કરતું હતું. સોળમી સદીમાં તે ઉત્તર યુરોપના સૌથી સમૃદ્ધ નગર તરીકે ઊપસી આવ્યું હતું. 1576માં સ્પેન દ્ધારા કરાયેલા આતંકમાં 8,000 જેટલાં નગરવાસીઓની હત્યા થયેલી અને હજારો ઇમારતો નષ્ટ થઈ હતી. 1585માં તેના પર પર્માના ડ્યૂક અલસૅન્ડ્રો ફરનીઝે કબજો કર્યો અને બધા પ્રૉટેસ્ટન્ટ ધર્મીઓની ત્યાંથી હકાલપટ્ટી કરી હતી. 1648ની વેસ્ટફાલિયા સંધિ હેઠળ શેલ નદી મારફતનો વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. 1794માં ફ્રેન્ચોએ નગર પર કબજો કર્યો હતો. વ્યાપારના કેન્દ્ર તરીકે તેની ગર્ભિત શક્તિ ધ્યાનમાં લઈ પહેલા નેપોલિયને વીસ લાખ ફ્રૅન્કના ખર્ચે આ બંદરના વિકાસ માટેની યોજના કરી હતી. 1815-30 દરમિયાન તે નેધરલૅન્ડ્ઝ રાજ્યની હકૂમત હેઠળ રહ્યું હતું. 1832માં તે ફ્રેન્ચોને સોંપવામાં આવ્યું હતું. 1839ની સંધિ હેઠળ છેવટે તેના પર બેલ્જિયમનો હક માન્ય રાખવામાં આવ્યો હતો.

ગૉથિક સ્થાપત્યકલા-મંડિત ભવનોનું નગર ઍન્ટવર્પ

પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તેના પર સખત બૉમ્બમારો થતાં ઑક્ટોબર, 1914માં આ નગરે શરણાગતિ સ્વીકારી હતી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1940માં ફરી જર્મનીએ તેના પર કબજો કર્યો હતો. આ યુદ્ધમાં થયેલ નુકસાન-ક્ષતિને કારણે 1940-44 દરમિયાન તેને આવજા માટે બંધ કરી દેવામાં આવ્યું હતું.

પ્રાચીન જમાનાની ભવ્યતાની યાદ અપાવે તેવા સ્થાપત્ય તથા ચિત્રકલાના સમૃદ્ધ ખજાના આજે પણ ત્યાં જોવા મળે છે; દા. ત., જગવિખ્યાત નોત્રદામ દેવળ અને તેની ઘંટાવલિ, સેન્ટ જેમ્સનું ગિરજાઘર, રેબેનની બે શ્રેષ્ઠ કૃતિઓ ‘The Descent from the Cross’ તથા ‘The Elevation of the Cross’ વગેરે. ઉપરાંત, રૉયલ ગૅલરી ઑવ્ ફાઇન આટર્સ ખાતે બધાં જ યુગો તથા વિચારધારાઓનું પ્રતિનિધિત્વ કરતી શ્રેષ્ઠ કૃતિઓનો સંગ્રહ છે.

હાલના નગરમાં વહાણવટું, હીરાઘસાઈ, ખનિજતેલ-શુદ્ધીકરણ, ઇલેક્ટ્રૉનિક્સ, યાંત્રિક વાહનો, ખાદ્ય પદાર્થની પ્રક્રિયા; કાપડ, રસાયણ, ફર્નિચર વગેરેના ઉદ્યોગો વિકસ્યા છે.

વિશ્વનાં ધીકતાં બંદરોમાં આજે તેની ગણના થાય છે. ત્યાંના પ્રાણીબાગમાં પ્રાણીઓ તથા પક્ષીઓનો વિશાળ અને બેનમૂન સંગ્રહ છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે