એડેન્સોનિયન વર્ગીકરણ : અઢારમી સદીમાં માઇકલ એડેન્સને (1727-1806) આપેલી વનસ્પતિઓની વિભિન્ન જાતિઓના સામ્ય પર આધારિત વર્ગીકરણપદ્ધતિ. માઇકલ એડેન્સન ફ્રેંચ વનસ્પતિવિજ્ઞાની અને ‘‘Academie des Sciences’’ સોર્બોન, પૅરિસના સભ્ય હતા. તેઓ ઉષ્ણકટિબંધના અગ્રિમ વનસ્પતિ-અન્વેષક હતા. તેમણે આ વર્ગીકરણપદ્ધતિ બે ખંડના બનેલા ‘Families des plantes’ (1763) નામના ગ્રંથમાં આપી છે. આ પદ્ધતિ ભૌતિક લક્ષણો ઉપર આધારિત છે અને તેમાં કુળ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. આજે આ પદ્ધતિનો ઉપયોગ મુખ્યત્વે બૅક્ટેરિયાના વર્ગીકરણમાં કરવામાં આવે છે.
આ પદ્ધતિમાં જાતિવિકાસ(phylogeny)ને ધ્યાનમાં લેવાયો નથી. બૅક્ટેરિયાનાં કોઈ અમુક પ્રકારનાં લક્ષણોને પ્રાધાન્ય આપવાને બદલે તેનાં અનેક લક્ષણોનો અભ્યાસ કર્યા પછી એક બૅક્ટેરિયા બીજા બૅક્ટેરિયા સાથે કેટલા પ્રમાણમાં સામ્ય કે ભિન્નતા દર્શાવે છે, તેના પ્રમાણની ટકાવારી નક્કી કરી વર્ગીકરણ કરવામાં આવે છે. આને સંખ્યાત્મક (statistical) વર્ગીકરણપદ્ધતિ પણ કહે છે. કમ્પ્યૂટરની મદદથી આ પદ્ધતિ દ્વારા વર્ગીકરણ સરળતાથી થઈ શકે છે. સામ્યની ટકાવારી નીચે આપેલા સૂત્ર દ્વારા મેળવી શકાય છે :
S = સામ્યની ટકાવારી, NS = બંને પ્રકારના બૅક્ટેરિયામાં જોવા મળતાં સમાન લક્ષણોની સંખ્યા, ND = બંને પ્રકારના બૅક્ટેરિયામાં ભિન્નતા દર્શાવતાં લક્ષણોની સંખ્યા.
પ્રમોદ રતિલાલ શાહ