એડેનોવિષાણુ (adenovirus) : તાવ સાથેની શરદી, તેમજ અન્ય શ્વસનતંત્રીય રોગો માટે જવાબદાર વિષાણુઓનો એક સમૂહ. તે મુખ્યત્વે કાકડા અને એડેનાઇડ ગ્રંથિઓ સાથે સંકળાયેલા જોવા મળે છે. કેટલાક માનવીય એડેનોવિષાણુઓનું પ્રતિક્ષેપન (injection) હૅમ્સ્ટર પ્રકારના નવજાત ઉંદરોમાં કરવામાં આવતાં શરીરમાં દુર્દમ્ય અર્બુદ (malignant tumour) ઉત્પન્ન કરે છે. તેના પ્રભાવક (infective) કણો 70 નેમી. કદના, જ્યારે તેના કવચો (capsids) વીસ ફલકવાળા પ્રકારમાં (icosahedrons) અને 252 કૅપ્સોમિયર કહેવાતા એકમોમાં વહેંચાયેલા હોય છે. તેનાં સંજનીનો (genomes) દ્વિસર્પિલ વીંટળાયેલા – ડી.એન.એ.(DNA)ના તંતુઓના બનેલા હોય છે. આજ સુધી માનવીને હાનિકારક તેવા 33 કરતાં વધારે એડેનોવિષાણુઓ શોધાયાં છે. તેમનું વિભાજન કેટલાક પ્રકારોમાં કરવામાં આવ્યું છે. રક્તકણોને સંલગ્નીકરણ(haemagglutinin)ના પ્રયોગો પરથી આ પ્રકારોનું વિભાજન થયેલું હોય છે. પ્રકાર 3, 4, 7, 14 અને 21નાં વિષાણુઓથી નવા ભરતી થયેલા સૈનિકો પીડાય છે. જોકે પ્રકાર 4 અને 7 સામે વૅક્સિનો શોધાયેલ છે, જે માનવીને રક્ષણ આપે છે.

પ્રમોદ રતિલાલ શાહ