એડૉનેઇસ (1821) : કવિ જૉન કીટ્સના અકાળ મૃત્યુ નિમિત્તે અંગ્રેજ કવિ શેલીએ રચેલી સુદીર્ઘ કરુણપ્રશસ્તિ (elegy). તેની રચના ‘સ્પેન્સેરિયન સ્ટાન્ઝા છંદ’માં, 55 કડીઓની 495 પંક્તિઓમાં પ્રસરે છે. ઇટાલીના પીઝા નગરમાં કીટ્સનો દેહવિલય 26 વર્ષની યુવાન વયે થતાં આ કાવ્ય રચાયેલું. આ કાવ્ય પર ગ્રીક કવિઓ બિયૉન અને મોશ્ચસની અસર છે. શેલીની માન્યતા હતી કે કીટ્સના આઘાતજનક મૃત્યુનું એક કારણ ક્રૂર સમીક્ષકો દ્વારા થયેલી તેનાં કાવ્યોની સમીક્ષા છે. શેલીએ પોતાનાં દુ:ખો અને વિડંબનાઓનું તાદાત્મ્ય કીટ્સની તે જ પ્રકારની પરિસ્થિતિ સાથે સાધ્યું જણાય છે. પ્રસિદ્ધ ગ્રીક પુરાકલ્પ (myth) એડૉનેઇસનો અહીં કાવ્યના એક સ્તરે ઉપયોગ થયો છે. પ્રેમની દેવી ઍફ્રોડાઇટીના પ્રેમપાત્ર એડૉનેઇસનું શિકાર ખેલતી વખતે કોઈ હિંસક પ્રાણીના હુમલાથી મૃત્યુ નીપજે છે. ઍફ્રોડાઇટી તેના મુત્યુનો તીવ્ર વિષાદ અનુભવે છે. વસંતકાળે એડૉનેઇસ પુષ્પો રૂપે ઊગી નીકળે છે, પરંતુ બાકીનો સમય ધરતીમાં મૃતાવસ્થામાં ગાળે છે. ઍફ્રોડાઇટી વિલાપ કરે છે. વનસ્પતિજીવનને સ્પર્શતી નિસર્ગલીલાને લગતી આ કથા છે.

કીટ્સ આ કાવ્યમાં એડૉનેઇસના નામે રજૂ થાય છે. એડૉનેઇસ સૌંદર્ય અને ફળદ્રૂપતાનો દેવ છે. એડૉનેઇસના મૃત્યુના શોકમાં શેલી ઉપરાંત અકાળે મૃત્યુ પામેલ ચેસ્ટરટન, સિડની અને લુકન જેવા કવિઓને પણ શોકાંજલિ અપાય છે. કીટ્સના મૃતદેહની આસપાસ સર્જનવિહોણાં કાવ્યો અને સ્વપ્નાંઓ તેનાં બિડાયેલાં પોપચાંની આસપાસ આતુરતાપૂર્વક ભેગાં થાય છે. આ રૂપકોની સાથે ‘અનંતતાનો યાત્રી’ (‘ધ પિલ્ગ્રિમ ઑવ્ ઇટરનિટી’ – 30મી કડીમાં) એવો સમકાલીન કવિ બાયરન પણ જોડાય છે. નિરીશ્વરવાદી શેલી મૃત્યુની ભૌતિક હકીકતોને સ્વીકારે છે, પણ વિશ્વના અનંત સૌંદર્યના ભાગ રૂપે તેનું પુનરુત્થાન પણ થાય છે તે વિચાર પર ભાર મૂકે છે. કીટ્સનાં દુ:ખ-પીડાને તે પોતાનામાં અનુભવે છે. આ કાવ્યની પ્રસ્તાવનામાં કીટ્સની કવિતાના ટૉરી સમાલોચકોનો એ ઊધડો લે છે. કાવ્યને અંતે શેલી અતીન્દ્રિય ર્દષ્ટિથી આશ્ચર્યજનક લાગણીને અભિવ્યક્ત કરતાં જણાવે છે કે પોતાના આત્માની હોડી કિનારાથી દૂર દૂર હંકારી જવાઈ છે. પ્રકાશ અને પ્રકૃતિને લગતાં પ્રતીકો દ્વારા કવિએ કીટ્સના પડછે તેનામાં તેમજ તેની કવિતામાં રહેલા અમરત્વનો સંકેત મૂક્યો છે.

નલિન રાવળ

વિ. પ્ર. ત્રિવેદી