એડિનોસાઇન ટ્રાયફૉસ્ફેટ

January, 2004

એડિનોસાઇન ટ્રાયફૉસ્ફેટ (ATP) : સજીવોના શરીરમાં થતી જૈવ પ્રક્રિયાઓ માટે પોતાના ઉચ્ચઊર્જા બંધ(high energy bond)ના વિમોચનથી કાર્યશક્તિ પૂરી પાડનાર જૈવ અણુ. ATPમાં ત્રણ ફૉસ્ફેટના અણુઓ હોય છે અને તેનું રચનાત્મક બંધારણ નીચે મુજબ હોય છે :

 

એડિનોસીન અણુ સાથે જોડાયેલા ફૉસ્ફેટોના બંધોના વિઘટનથી મુક્ત થતી ઊર્જા અંદાજે નીચે મુજબ છે :

બંધ    3 → 4,000 કૅલરી/મોલ

        2 → 6,000 કૅલરી/મોલ

        1 → 7,000 કૅલરી/મોલ

જો ફૉસ્ફેટ અણુના જલવિઘટનથી ઊર્જામાં મુક્ત ઋણાત્મક ફેરફારો વધુ પ્રમાણમાં થતા હોય, તો તેમને જોડતા બંધને ઉચ્ચ ઊર્જા બંધ કહે છે અને તેમને ‘~’ સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવે છે. ફ્રાન્સના બર્નાર્ડ અને આલ્બર્ટ પુલ્મને જણાવ્યા પ્રમાણે ATPમાં આવા બંધની ફરતે ઋણભાર ધરાવતાં આયનો આવેલાં હોય છે. સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષતા હોય છે. તેથી બંધ ઉચ્ચશક્તિ હોય તો જ ફૉસ્ફેટો ‘P’નું જોડાણ શક્ય બને છે.

સ્નાયુઓનું સંકોચન, ચેતા દ્વારા ઊર્મિવેગનું વહન અથવા તો શરીરમાં થતી કોઈ પણ જૈવક્રિયા માટે કાર્યશક્તિ મેળવવાની હોય તો તે સામાન્યપણે ATPના વિઘટનથી પ્રાપ્ત થાય છે.

A – P ~ P ~ P → A  P ~ P + મુક્ત ઊર્જા ­↑

ATP,                     ADP   (7,000 કૅલરી/મોલ)

ADP (એડિનોસીન ડાયફૉસ્ફેટ) સાથે ‘P’નું જોડાણ થતાં ATPનો અણુ બંધાય છે. આ પ્રક્રિયા સામાન્યપણે કોષીય શ્વસનક્રિયા સાથે સંકળાયેલાં કણાભસૂત્રો(mitochondria)માં થતી હોય છે અને શ્વસનપ્રક્રિયાના ભાગરૂપે સહઉત્સેચકો દ્વારા ઇલેક્ટ્રૉનની હેરફેર થતી હોય ત્યારે મુક્ત થતી કાર્યશક્તિમાંથી ATPના અણુઓ બંધાય છે.

ADP + ‘E’nergy → ATP

મ. શિ. દૂબળે

બિપીન દેસાઈ