એડિપિક ઍસિડ : એલિફેટિક ડાઇકાર્બૉક્સિલિક ઍસિડ. શાસ્ત્રીય નામ હેક્ઝેઇન-1, 6-ડાયોઇક અથવા 1,
4-બ્યૂટેનડાઇકાર્બૉક્સિલિક ઍસિડ; સૂત્ર HOOC(CH2)4COOH. શરૂઆતમાં તે ચરબી (લૅટિન ‘એડેપ્સ’)માંથી મેળવવામાં આવતો તેથી આ નામ પડ્યું હતું. બીટના રસમાં તે હોય છે.
સાઇક્લોહેક્ઝેનોનના ઉપચયન (oxidation) – હવા અને વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપક અથવા નાઇટ્રિક ઍસિડ દ્વારા મોટા પ્રમાણમાં તેનું ઉત્પાદન કરાય છે. પેટ્રોરસાયણ ઉદ્યોગમાં મળતા સાઇક્લોહેક્ઝેનના ઉપચયનથી (હવા વડે) સાઇક્લોહેક્ઝેનોન મેળવાય છે.

તે વાસ વગરનો તથા રંગવિહીન, સ્ફટિકમય પદાર્થ છે. 100 ગ્રામ પાણીમાં 0o સે. પર 1.44 ગ્રામ અને 100o સે. પર 160 ગ્રામ ઓગળે છે. મિથેનૉલ અને ઇથેનૉલમાં વધુ દ્રાવ્ય. એસેટોનમાં દ્રાવ્ય, બેન્ઝીન અને પેટ્રોલ ઈથરમાં અદ્રાવ્ય. ગ.બિં. 153o સે., ઉ.બિં. 338o સે., ઘનતા  pH = 2.7 (સંતૃપ્ત દ્રાવણ), pH = 3.2 (0.1 % દ્રાવણ)
તે ઍસિડના બધા જ ગુણો દર્શાવે છે. તેના કૅલ્શિયમ ક્ષારને ગરમ કરતાં સાઇક્લોપેન્ટેનોન મળે છે.


ડાઈએમાઇન્સ સાથે દીર્ઘ શૃંખલા ધરાવતા પૉલિઍમાઇડ બહુલકો (દા.ત., નાયલૉન −6, 6; 1, 6 − હેક્ઝેન ડાઈએમાઇન સાથે તથા ઇથિલિન ગ્લાયકોલ સાથે પૉલિએસ્ટર મળે છે. આ બહુલકો કૃત્રિમ રેસાઓ તથા મોલ્ડેડ ચીજવસ્તુઓ બનાવવામાં તથા ઊંજણ તેલો બનાવવામાં ઉપયોગી છે. એમોનિયમ એડિપેટ છાપકામમાં ઉપયોગી છે. આ ઍસિડ ભેજશોષક નહિ હોઈ શુષ્ક ચૂર્ણ બનાવવામાં, પીણાંમાં તેમજ જેલીની બનાવટમાં વપરાય છે.

પ્રવીણસાગર સત્યપંથી