એડિનબરો : સ્કૉટલૅન્ડનું પાટનગર, પ્રદેશનું બીજા ક્રમનું મોટું શહેર અને શિક્ષણ તથા સંસ્કૃતિનું કેન્દ્ર. સ્કૉટલૅન્ડના દક્ષિણ-પૂર્વમાં ઉત્તર સમુદ્રના ફર્થ ઑવ્ ફોર્થ ખાડીના દક્ષિણ કિનારા નજીક તે આવેલું છે. તે લંડનની ઉત્તરે 700 કિમી. તથા ગ્લાસગો શહેરથી 71 કિમી.ના અંતરે છે. શહેરના ઈશાન ખૂણે આશરે 3 કિમી. અંતરે લીથ તથા આશરે 5 કિમી.ના અંતરે ગ્રૅન્ટન એ એડિનબરોનાં બંદરો છે. લાવાથી બનેલા ખડકોનું પ્રાબલ્ય ધરાવતી ખાડાટેકરાવાળી કૅસલ રૉક ખીણમાં આ નગર વસેલું છે. તેની આજુબાજુમાં જે કિલ્લેબંધી છે તે છઠ્ઠા શતક પહેલાંની છે એમ મનાય છે. 1436થી આ નગર પ્રદેશની રાજધાની છે. ઓલ્ડ ટાઉન નામથી ઓળખાતું સ્કૉટલૅન્ડનું પટો ધરાવનારું મૂળ શહેર બારમી સદીમાં તથા નવી ઢબનું શહેર અઢારમી તથા ઓગણીસમી સદીમાં વિકસ્યું છે. મધ્યયુગીન નગર કૅસલ રૉકની પૂર્વે ઊભું થયું છે. નગરનો વિસ્તાર 262 ચો.કિમી. અને વસ્તી 4,51,710 (1999 અંદાજે) છે.

કૅસલ રૉકથી હૉલિરૂડ પ્રાસાદ સુધીના શહેરના જૂના વિસ્તારમાં ઇંગ્લૅન્ડ તથા સ્કૉટલૅન્ડના ઇતિહાસની ઘણી ચિત્તવેધક ઘટનાઓ ઘટી છે. તેમાંની ઘણી ઇમારતો પર્યટકો માટે કાયમી આકર્ષણ પૂરું પાડે છે. નગરરચનાકૌશલ્યના ઉત્કૃષ્ટ નમૂના તરીકે એડિનબરોની ખ્યાતિ છે. પ્રમુખ રાજપથ પ્રિન્સેસ સ્ટ્રીટની એક બાજુ ભવ્ય તથા ઉત્તુંગ ઇમારતો તો બીજી બાજુ સુંદર ઉદ્યાનો છે. સમુદ્રસપાટીથી 135 મીટર ઊંચા વિશાલ ખડક પર બાંધવામાં આવેલો પ્રાચીન કિલ્લો શહેરનું મુખ્ય આકર્ષણ છે. સર વૉલ્ટર સ્કૉટનું જન્મસ્થાન તથા સ્ટિવન્સન, ડેવિડ હ્યૂમ, ઍડમ સ્મિથ અને જૉન નૉક્સ જેવી પ્રતિભાસંપન્ન વ્યક્તિઓની કર્મભૂમિ થવાનું ગૌરવ આ નગરને પ્રાપ્ત થયું છે. નગરના સાહિત્યિક તથા બૌદ્ધિક વિકાસમાં આ મહાનુભાવોનું પ્રદાન મોટું છે. એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા નામથી જગવિખ્યાત બનેલા વિશ્વકોશનું પણ તે ઉદગમસ્થાન છે (પ્રથમ આવૃત્તિ : 1768). રૉયલ સ્કૉટિશ અકાદમી, નૅશનલ ગૅલરી તથા રૉયલ સ્કૉટિશ મ્યુઝિયમમાં મૂકવામાં આવેલી ચિત્ર, શિલ્પ વગેરેની કલાવસ્તુઓનો સંગ્રહ તથા પ્રાણીસંગ્રહાલય, વનસ્પતિઉદ્યાન, નૅશનલ લાઇબ્રેરી, સેન્ટ ગાઇલ્સ ગિરજાઘર વગેરે એડિનબરોના ભવ્ય સાંસ્કૃતિક વારસાની સાક્ષી પૂરે છે.

ઔદ્યોગિક વિકાસમાં ગૌણ સ્થાન ધરાવતું આ નગર સાંસ્કૃતિક ઉપરાંત શૈક્ષણિક વિકાસમાં આગવું સ્થાન ધરાવે છે. એડિનબરો યુનિવર્સિટી (1582), હેરિયટ-વૅટ યુનિવર્સિટી, એડિનબરો કૉલેજ ઑવ્ આર્ટ, ન્યૂ કૉલેજ ઑવ્ ધ ચર્ચ ઑવ્ સ્કૉટલૅન્ડ જેવી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ ત્યાં આવેલી છે. અલબત્ત, ઊંચી જાતનો દારૂ, પ્રક્રિયા કરેલા ખાદ્ય પદાર્થો, ઇજનેરી ઉદ્યોગ, વહાણોનું સમારકામ, ઇલેક્ટ્રૉનિક્સ તથા વીજળીનાં ઉપકરણો, કાગળ, તમાકુ વગેરેના ઉત્પાદનએકમો ત્યાં છે. યુરોપના બૌદ્ધિક, સાંસ્કૃતિક તથા શૈક્ષણિક કેન્દ્ર તરીકે આ નગરનું મહત્વ સવિશેષ રહ્યું છે.

નગરના અલગ અલગ વિસ્તારોમાં વૉલ્ટર સ્કૉટ, લૉર્ડ નેલ્સન, રૉબર્ટ બર્ન્સ, વૉટરલુના યુદ્ધનો વિજય વગેરેનાં સ્મારકો તથા ડેવિડ લિવિંગસ્ટન, ઍલન રૅમ્સે, વિલિયમ પિટ, જ્યૉર્જ ચોથો તથા ડ્યૂક ઑવ્ વેલિંગ્ટનનાં બાવલાં મૂકવામાં આવ્યાં છે.

1947થી શરૂ કરવામાં આવેલો વાર્ષિક સંગીત-નૃત્ય-નાટ્ય મહોત્સવ આ નગરનું મુખ્ય સાંસ્કૃતિક આકર્ષણ બન્યું છે. તેમાં રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ખ્યાતિના કલાકારો ભાગ લે છે. આ પ્રસંગે આશરે એક લાખ જેટલા કલારસિકો દર વર્ષે ત્યાં ભેગા થાય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે