એકલવ્ય : મહાભારતનું એક પાત્ર. નિષાદોના રાજા હિરણ્યધનુનો પુત્ર. સત્યવાદી, નિષ્ઠાવાન, વિદ્યાવ્યાસંગી. દ્રોણાચાર્ય હસ્તિનાપુરમાં સૂતપુત્ર કર્ણ સહિત કૌરવો અને પાંડવોને શસ્ત્રાસ્ત્રવિદ્યા શીખવતા હતા. એમની આચાર્ય તરીકેની ખ્યાતિ ચોમેર ફેલાતાં દૂર દેશાવરોથી હજારો રાજાઓ અને રાજપુત્રો દ્રોણાચાર્ય પાસે ધનુર્વેદનું શિક્ષણ લેવા આવવા લાગ્યા. એ પ્રમાણે નિષાદરાજ હિરણ્યધનુનો પુત્ર એકલવ્ય પણ વિદ્યાર્જન કરવા આવ્યો. નિષાદ હોઈ દ્રોણાચાર્યે એકલવ્યને વિદ્યાધ્યયન કરાવવાની ના પાડી. એકલવ્યે નમ્રતાથી આચાર્યનાં ચરણોમાં માથું નમાવી પ્રણામ કર્યા. અરણ્યમાં ગયો. આચાર્યની માટીની મૂર્તિ બનાવી. મૂર્તિમાં આચાર્યની ર્દઢ ભાવના કરીને, એકાગ્ર ચિત્તે શ્રદ્ધાપૂર્વક મૂર્તિ સમક્ષ વિદ્યાભ્યાસ ચાલુ રાખ્યો, અને ઉત્તમ બાણાવળી થયો.
અહીં દ્રોણાચાર્યે શિષ્યોને સરસ તાલીમ આપીને તૈયાર કરવા માંડ્યા. તેમાંય અર્જુનને જગતનો સર્વશ્રેષ્ઠ ધનુર્ધર બનાવવાનું વચન આપ્યું. હવે એક વખત આચાર્યની અનુમતિ લઈ કૌરવ-પાંડવો શિકાર કરવા ઊપડ્યા. ત્યારે એક માણસ શિકારનાં સાધનો અને એક કૂતરો લઈને સ્વેચ્છાએ પાંડવોની સાથે ગયો હતો. શિકાર દરમિયાન કૂતરો છૂટો પડ્યો. એકલવ્ય પાસે પહોંચી ગયો. એકલવ્યનો મેલોઘેલો વેશ જોઈને ભસવા માંડ્યો. એટલે એકલવ્યે પોતાનું અસ્ત્રકૌશલ દર્શાવતાં કૂતરાના મોઢામાં એવી રીતે સાત બાણ માર્યાં કે કૂતરો ભસી શકે નહિ. બાણ ભરેલું મોઢું લઈ કૂતરો પાંડવો પાસે આવ્યો. પાંડવો તો બાણાવળીનું અસ્ત્રકૌશલ જોઈ ચકિત થઈ ગયા. વનમાં એકલવ્યને ખોળી કાઢ્યો. પરિચય પૂછ્યો. એકલવ્યે પોતાને દ્રોણાચાર્યના શિષ્ય તરીકે ઓળખાવ્યો.
પાંડવો દ્રોણાચાર્ય પાસે આવ્યા. સમગ્ર વૃત્તાંત કહ્યો. વૃત્તાંત સાંભળી અર્જુનની અપેક્ષાએ એકલવ્ય ચડિયાતો થાય તો, અર્જુનને આપેલું વચન તૂટવાની દ્રોણને આશંકા થઈ. અર્જુનને લઈ આચાર્ય એકલવ્ય પાસે આવ્યા. એકલવ્યે શિષ્ય તરીકે આચાર્યનું વિધિપૂર્વક સ્વાગત કર્યું. દ્રોણે પણ આચાર્ય તરીકે એકલવ્યના જમણા હાથનો અંગૂઠો ગુરુદક્ષિણામાં માગી લીધો. સત્યનિષ્ઠ, એકવચની એકલવ્યે પ્રસન્નચિત્તે અંગૂઠો આપી દીધો. ત્યારપછી એકલવ્ય આંગળીઓ વડે બાણોનું સંધાન કરવા લાગ્યો, પણ અગાઉ જેવી સ્ફૂર્તિ રહી નહિ.
રાજસૂય યજ્ઞમાં એકલવ્યે યુધિષ્ઠિરને નજરાણામાં મોજડીઓ આપેલી.
મહાભારતના યુદ્ધ પછી પાંડવોએ અશ્વમેધ યજ્ઞ કર્યો. એ સમયે દિગ્વિજય માટે નીકળેલા અર્જુને એકલવ્યના પુત્રને હરાવેલો.
ઉ. જ. સાંડેસરા