એકલ-ચરમાવસ્થા

January, 2004

એકલ-ચરમાવસ્થા (monoclimax) : જીવનસંઘર્ષનો સફળ સામનો કરી ઉજ્જડ નિકેત(niche)માં વનસ્પતિ-સમાજ દ્વારા કાયમ પ્રસ્થાપિત થવાની પરિઘટના. સંક્રમણકાળ દરમિયાન પ્રભાવ ધરાવ્યા પછી કાળક્રમે તે ગુમાવતાં વનસ્પતિ-સમાજમાં એક સભ્યનું સ્થાન બીજા સભ્યો લે છે. છેવટે પર્યાવરણ સાથે બધી રીતે અનુકૂલન પામેલા વનસ્પતિ-સમાજના સભ્યો ત્યાં સ્થાયી બને છે.

આ વિચારધારાના આદ્યપ્રવર્તક ક્લિમેન્ટ્સ હતા. તેમના મત મુજબ આ ચરમાવસ્થા આબોહવાકીય પરિબળો પ્રમાણે નિર્ધારિત થાય છે. કોઈ પણ વેરાન કે ઉજ્જડ પ્રદેશમાં વનસ્પતિ-સમાજનો વિસ્તાર અનુક્રમણ(succession)ની પ્રક્રિયામાંથી પસાર થાય છે. વિવિધ પ્રકારના વનસ્પતિ-સમૂહો એક પછી એક આવા વસવાટ ઉપર પ્રભાવ ધરાવવા મથે છે અને પ્રભાવ ગુમાવતા પણ જાય છે. અંતે એક સમાજ વિજયી નીવડી આવા વિસ્તારમાં પ્રસ્થાપિત થાય છે. જે વસવાટ પર કાયમી પ્રભુત્વ કેળવે તે વનસ્પતિ-સમાજની ચરમાવસ્થા કહેવાય. તે ભાવિ વિકાસના પંથનો પણ નિર્દેશ કરે છે. સમય અને સ્થળ અનુસાર બદલાતાં આબોહવાકીય પરિબળોને કારણે વનસ્પતિ-સમાજમાં પરિવર્તન પામતી અવસ્થા તે બહુ-ચરમાવસ્થા (polyclimax) છે.

નરેન્દ્ર ઈ. દાણી