એઉથિદિત પહેલો (યુથીડેમસ) : બાહલિક (બૅક્ટ્રિયા) દેશના યવનકુળનો રાજા. તે મૂળ આયોનિયા (એશિયા માઇનોર – હાલનું તુર્કસ્તાન) દેશનો વતની હતો અને બાહોશીથી સંભવત: કોઈ પડોશી રાજ્યનો સત્રપ (રાજ્યપાલ કે સૂબો) બન્યો હતો. ધીમે ધીમે બાહલિક દેશ કબજે કરી તે તેનો શાસક બન્યો. તેના પાટનગર બૅક્ટ્રા (બલ્ખ) ઉપર ઈ. પૂ. 208માં ઍન્ટિઓકસ ત્રીજાએ આક્રમણ કરી બે વરસ સુધી ઘેરો ઘાલ્યો. કોઈ પણ નિર્ણયાત્મક પરિણામ આવે તેમ ન હતું. બૅક્ટ્રિયન રાજાએ સમાધાન માટે ટેલિયાસને એલચી તરીકે મોકલ્યો. તેની સમજાવટથી સમાધાન થયું (ઈ. પૂ. 206). પોલિવિયસ નોંધે છે તેમ, તેની વિનંતીથી તેમજ ચીનની સરહદો પર થયેલા શકોના જમાવથી ઊભા થયેલા સમાન ભયને પારખીને ઍન્ટિઓકસે તેને સ્વતંત્ર રહેવા દીધો. તેના બદલામાં યુથીડેમસના યુવરાજ ડિમેટ્રિયસને તેની ક્ધયા પરણાવવા ઍન્ટિઓકસ સંમત થયો. યુથીડેમસે પહલવ રાજા ડાયોડૉટસને મારીને આમુર નદીની ખીણથી વાયવ્ય ભારત સુધીનો કેટલોક પ્રદેશ કબજે કર્યો હતો.
પ્રવીણચંદ્ર પરીખ