એ.એફ.પી. (Agence France – Press) : વિશ્વની ચાર પ્રમુખ આંતરરાષ્ટ્રીય સમાચાર-સંસ્થાઓમાંની એક. અન્ય મહત્વની સમાચાર-સંસ્થાઓમાં અમેરિકન સમાચાર-સંસ્થાઓ એ.પી. (Associated Press) અને યુ.પી.આઈ. (United Press-International) તથા બ્રિટિશ સમાચાર-સંસ્થા રૉઇટર્સ તથા રશિયન સમાચાર-સંસ્થા તાસનો સમાવેશ થાય છે.

એ.એફ.પી. વિશ્વની સૌથી જૂની સમાચાર-સંસ્થાઓમાંની એક છે. 1835માં સ્થપાયેલી સમાચાર-સંસ્થા હવાસ(Havas)નું બીજા વિશ્વયુદ્ધ પછી એ.એફ.પી.માં રૂપાંતર થયું. પુરોગામી હવાસની જેમ એ.એફ.પી. પણ ફ્રેન્ચ સરકારના નાણાકીય ટેકા (સમાચાર એકઠા કરી તેનું વિતરણ કરવાની સેવાઓ પૂરી પાડવાના લવાજમના રૂપમાં) પર મુખ્યત્વે આધાર રાખે છે. આથી અન્ય સમાચાર-સંસ્થાઓ કરતાં ફ્રેન્ચ સરકાર તેના પર વધુ પ્રભાવ ધરાવે છે. 1957માં ફ્રેન્ચ પાર્લમેન્ટે એક કાયદો પસાર કરી એ.એફ.પી.ના સંચાલન માટેની કાઉન્સિલની સ્થાપના કરી હતી. તેમાં 15 સભ્યો છે. તેમાં અખબારી ઉદ્યોગના 8 પ્રતિનિધિઓ અને સ્ટેટ બ્રૉડકાસ્ટિંગ સિસ્ટમના બે પ્રતિનિધિઓ ઉપરાંત સાર્વજનિક સેવાઓના ત્રણ પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. આ છેલ્લા ત્રણની વરણી વડાપ્રધાન, વિદેશપ્રધાન અને નાણાપ્રધાન કરે છે. બાકીના બે સભ્યો એજન્સીનો સ્ટાફ પોતે નક્કી કરે છે. એજન્સી નિષ્પક્ષપણે અને મુક્ત રીતે કાર્ય કરે તે સુનિશ્ચિત કરવા એડમિનિસ્ટ્રેટિવ કાઉન્સિલની ઉપર એક બીજી પણ કાઉન્સિલ હોય છે. એ.એફ.પી. દેશની અંદરના ગ્રાહકો પર વધુ આધાર રાખે છે. તે દેશની અંદર 50 પ્રોવિન્સિયલ બ્યુરો ધરાવે છે અને વિદેશોમાં 151 બ્યુરો ધરાવે છે.

એ.એફ.પી.નું નેટવર્ક 151 દેશોમાં ફેલાયેલું છે. આ સમાચાર સંસ્થામાં 2400 કર્મચારીઓ કાર્યરત છે, એમાંથી 1700 પત્રકારો અને ફોટોગ્રાફરોનો સમાવેશ થાય છે. સમાચાર એજન્સીના સ્ટાફમાં 100 દેશોના નાગરિકો કાર્યરત છે. એ.એફ.પી. ફ્રેન્ચ, અંગ્રેજી, સ્પૅનિશ, જર્મન, પોર્ટુગીઝ અને અરબી – એમ છ ભાષામાં સમાચારો અને માહિતીસેવા આપે છે. 186 વર્ષ જૂની આ સંસ્થાના પ્રમુખ તરીકે ફેબ્રિક ક્રાઈસ કાર્યરત છે.

1835માં ન્યૂઝ એજન્સી હવાસના નામથી ફ્રાન્સના એ વખતના જાણીતા લેખક-અનુવાદક ચાર્લ્સ લુઈ હવાસે તેની શરૂઆત કરી હતી.

એ.એફ.પી.એ સમયની સાથે ઘણાં પરિવર્તનો કર્યાં છે. 1988માં એજન્સીએ ઇન્ફોગ્રાફિક્સની સર્વિસ શરૂ કરી હતી. 2001માં વીડિયો સર્વિસનો પ્રારંભ કરાયો હતો. એ.એફ.પી. દરરોજ અલગ-અલગ 7 ભાષામાં લગભગ 200 જેટલા વીડિયો રજૂ કરે છે. મોબાઇલ ફોન માટે એ.એફ.પી.એ ‘મોબાઇલ સર્વિસ’ પબ શરૂ કરી છે.

મહેશ ઠાકર