ઍસિટોન : કિટૉનિક (C = O) સમૂહ ધરાવતું એલિફેટિક કીટોનની સમાનધર્મી (homologous) શ્રેણીનું પ્રથમ સભ્ય. તેનાં શાસ્ત્રીય નામો પ્રોપેનોન અને ડાયમિથાઇલ કીટોન છે. સૂત્ર CH3COCH3, રંગવિહીન, ઈથરને મળતી રોચક વાસવાળું, જ્વલનશીલ, બાષ્પીય પ્રવાહી. ઉ.બિં. 56.20 સે., ગ.બિં. 94.80 સે., વિ. ઘ. 0.791. પાણીમાં બધા જ પ્રમાણમાં મિશ્રણીય.
એક જમાનામાં તે કાષ્ઠના ભંજક નિસ્યંદનથી મેળવાતું હતું. એસેટિક ઍસિડની બાષ્પને 4500 સે. ધાતુના ઑક્સાઇડ ઉપર પસાર કરતાં તે બને છે. હાલમાં પેટ્રોરસાયણ ઉદ્યોગમાં મળતા પ્રોપીનમાંથી, ફીનૉલના ઉત્પાદનમાં વપરાતા ક્યુમિન પ્રક્રમમાં તથા ગ્લિસરૉલ અને હાઇડ્રોજન પેરૉક્સાઇડના ઉત્પાદનમાં ગૌણ પેદાશ તરીકે એમ વિવિધ રીતે મોટા પ્રમાણમાં તેનું નિર્માણ કરાય છે.
ઍસિટોનની બાષ્પનું 7000 સે. તાપમાને ઉષ્મીય વિઘટન (pyrolysis) થવાથી કિટિન (ketene) બને છે, જેની એસેટિક ઍસિડ સાથે પ્રક્રિયા થવાથી એસેટિક ઍનહાઇડ્રાઇડ બને છે.
ઍસિટોનની આલ્કલી[દા. ત., Ba(OH)2]ની હાજરીમાં આલ્કોહૉલ પ્રકારની સંઘનનપ્રક્રિયા થવાથી ડાઇઍસિટોન આલ્કોહૉલ (Diacetone alcohol, I), મૅસિટીલ ઑક્સાઇડ (II) અને ફૉરોન (Phorone, III) બને છે.
તેની આયોડિન અને સોડિયમ હાઇડ્રૉક્સાઇડ સાથે પ્રક્રિયા થતાં આયોડૉફૉર્મ (CHI3) બને છે, જે તેના અભિલક્ષણન(chara-cterisation)માં ઉપયોગી છે.
દ્રાવક તરીકે તથા મિથાઇલ મિથાક્રેલેટ, મિથાઇલ આઇસોબ્યુટાઇલ કીટોન, મિથાઇલ આઇસોબ્યુટાઇલ કાર્બિનૉલ વગેરેના નિર્માણમાં તે વપરાય છે. તેની વિષાણુતા ઓછી હોઈ ઉદ્યોગમાં તેનો ઉપયોગ સલામત ગણાય છે.
પ્રથમ વિશ્વયુદ્ધ સમયે બ્રિટનને (દારૂગોળાની બનાવટ માટે) ઍસિટોનનો પુરવઠો કપાઈ જતાં તેના નિર્માણ માટેની પ્રવિધિ સ્ટાર્ચના આથવણની – વાઇઝમેને વિકસાવી હતી. આ શોધથી તેમણે મેળવેલ શુભેચ્છાઓ અને નાણાંએ ઇઝરાયલની સ્થાપનામાં મોટો ફાળો આપેલો. તેના તે પ્રથમ પ્રમુખ થયેલા.
શારીરિક વિકૃતિ(દા. ત., મધુપ્રમેહ)માં તે લોહી તથા પેશાબમાં સૂચક પ્રમાણમાં માલૂમ પડે છે. આવા દરદીના શ્વાસમાં પણ ઍસિટોન માલૂમ પડે છે.
પ્રવીણસાગર સત્યપંથી