ઍવૉગૅડ્રોનો સિદ્ધાંત (Avogadro’s law) : 1811માં ઇટાલિયન રસાયણજ્ઞ એમેડિયો ઍવૉગૅડ્રોએ રજૂ કરેલી પરિકલ્પના (hypothesis). સમાન તાપમાન અને દબાણે વાયુઓ કે બાષ્પના સમાન કદમાં અણુઓની એકસરખી સંખ્યા હોય છે. આ પરિકલ્પનાની અગત્ય તરફ સૌપ્રથમ ઇટાલિયન સ્ટેનિસ્લો કેનિઝારોએ 1858માં ધ્યાન દોર્યું. આ પરિકલ્પનાની વિવિધ દિશાએથી સાબિતી મળતાં તેને રસાયણવિજ્ઞાનની વિચારસરણીમાં સિદ્ધાંત કે નિયમનું ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે.

ગે લ્યુસેકના 1808માં રજૂ થયેલા વાયુકદ-સંયોજનને ડૉલ્ટનના પરમાણુસિદ્ધાંત વડે સમજાવવાના પ્રયત્નમાં ઊભી થયેલી ગૂંચનો નિવેડો લાવવા આ વિચાર રજૂ થયેલો, પણ તે સમયે તેની અગત્ય સમજાઈ ન હતી. ઍવૉગૅડ્રોના સિદ્ધાંત વડે સૌપ્રથમ વાયુરૂપ પદાર્થોના અણુભાર નક્કી કરવાનું, સામાન્ય વાયુઓના અણુઓ દ્વિપરમાણુક (diatomic) છે તે બાબત તથા વાયુરૂપ સંયોજનો બનાવનાર તત્ત્વોના પરમાણુભાર નક્કી કરવાનું શક્ય બન્યું. આ ચોકસાઈ આવતાં રસાયણશાસ્ત્રને વિજ્ઞાનની બીજી શાખાઓની સમકક્ષ સ્થાન મળ્યું.

આ સિદ્ધાંત વાયુઓના ગતિવાદ(kinetic theory of gases)માંથી ઉપજાવી શકાય છે. આ સિદ્ધાંત સંપૂર્ણ રીતે ફક્ત આદર્શ (ideal) વાયુઓને જ લાગુ પડે છે.

એમેડિયો ઍવૉગૅડ્રો

આ નિયમને બીજી રીતે પણ રજૂ કરી શકાય. નિયત તાપમાને અને દબાણે V કદ વાયુમાં અણુઓની સંખ્યા n હોય તો V ∝ n (P અને T નિયત). આમ એકસરખા કદ(V) વાળા વાયુઓમાં (સમાન તાપમાને અને દબાણે) અણુઓની સંખ્યા (n) હોય એટલે કે n/m મોલ સંખ્યા હોય.

00 સે. તાપમાને અને એક વાતાવરણના દબાણે આદર્શ વાયુનું કદ 22.414 લિટર હોય છે.

ભરત ઠાકર