ઍન્ડરસન મૅક્સવેલ

January, 2004

ઍન્ડરસન મૅક્સવેલ (જ. 15 ડિસેમ્બર 1888, આટલાંટિક, પેન્સિલવેનિયા, યુ.એસ.; અ. 28 ફેબ્રુઆરી 1959, સ્ટેન્ફર્ડ, કનેક્ટિક્ટ) : અગ્રગણ્ય અમેરિકન નાટ્યકાર. તેમનો ઉછેર ઉત્તર ડાકોટામાં.

મૅક્સવેલ ઍન્ડરસન

1914માં સ્ટેન્ફર્ડ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ઉપાધિ મેળવીને તેઓ કૅલિફૉર્નિયા અને ઉત્તર ડાકોટામાં શિક્ષક થયા. 1924 સુધી ન્યૂયૉર્કના પત્રકાર તરીકે કાર્ય કર્યું. તેમનું પ્રથમ કરુણ નાટક ‘વ્હાઇટ ડેઝર્ટ’ (1923) ઉત્તર ડાકોટાના દલિત જીવન વિશે છે. તેમણે લૉરેન્સ સ્ટાલિંગ્સની સાથે લખેલું નાટક ‘વૉટ પ્રાઇસ ગ્લૉરી ?’ (1924) રંગમંચ પર અત્યંત સફળતા પામ્યું હતું. યુદ્ધના સૈનિકો વિશેનું આ હાસ્યપ્રધાન નાટક છે. સ્ટાલિંગ્સ સાથે તેમણે ‘ફર્સ્ટ ફ્લાઇટ’ (1925) અને ‘ધ બુકાનિયર’ (1925) નાટકો લખ્યાં. ‘યુ હુ હેવ ડ્રીમ્સ’ (1925) તેમનો એકમાત્ર કાવ્યસંગ્રહ છે. ‘આઉટસાઇડ લુકિંગ ઇન’ (1925) અને ‘સેટરડેઝ ચિલ્ડ્રન’ (1927) તેમનાં હાસ્યપ્રધાનો નાટકો છે. ‘ગૉડ્ઝ ઑવ્ ધ લાઇટનિંગ’ (1928) હેરોલ્ડ હિકરસન સાથેનું તેમનું નાટક છે. ‘ઇલિઝાબેથ ધ ક્વીન’ (1930) બ્લૅન્ક વર્સમાં લખાયેલું, રાણી ઇલિઝાબેથના અર્લ ઑવ્ ઇસેક્સ સાથેના પ્રેમની કહાણી રજૂ કરતું નાટક છે. ‘નાઇટ ઓવર તાઓસ’ (1932)માં ન્યૂ મેક્સિકોના સામંતશાહીનું બ્યાન કરતું પદ્યનાટક છે. ‘મેરી ઑવ્ સ્કૉટલૅન્ડ’ (1933)માં ઇંગ્લૅન્ડ અને સ્કૉટલૅન્ડના ઇતિહાસને વણ્યો છે. ‘વેલી ફૉર્જ’ (1934), ‘વિન્ટરસેટ’ (1935), ‘ધ વિંગલેસ, વિક્ટરી’ (1936), ‘ધ માસ્ક ઑવ્ કિંગ્ઝ’ (1936), ‘હાઇ ટૉર’ (1937), ‘ધ સ્ટાર વૅગન’ (1937(, ‘નિકરબોકર હૉલિડે’ (1938) અમેરિકન વિષયવસ્તુ પર રચાયેલી નાટ્યકૃતિઓ છે. ‘કી લાર્ગો’ (1939)માં સ્પૅનિશ લશ્કરમાં એક આદર્શવાદી અમેરિકન સૈનિકને રજૂ કરાયો છે.

‘જર્ની ટુ જેરૂસલેમ’(1940)માં યુવાન ઈશુને રજૂ કરવામાં આવ્યાં છે. ‘ધી ઇવ ઑવ્ સેંટ માર્ક’ (1942)માં દ્વિતીય વિશ્વયુદ્ધમાં શહીદ થયેલ અમેરિકન ખેડૂતપુત્રની વાત છે. ‘કૅન્ડલ ઇન ધ વિંડ’ (1941) અને ‘સ્ટૉર્મ ઑપરેશન’ (1944) યુદ્ધનાટકો છે. ‘જૉન ઑવ્ લૉરેન’ (1947) અને ‘એન ઑવ્ ધ થાઉઝન્ડ ડેઝ’ (1948) જૉન ઑવ્ આર્ક અને એન બોલીન અને હેનરી આઠમા વિષે લખાયેલાં નાટકો છે. લૉસ્ટ ઇન ધ સ્ટાર્સ’ (1948) સંગીતપ્રધાન નાટક છે. ‘બેરકૂટ ઇન ઍથેન્સ’ (1951) સૉક્રેટિસ વિશે છે. ‘ધ બૅડ સીડ’ (1955) વિલિયમ માર્ચની નવલકથાનું નાટ્યરૂપાંતર છે.

તેમના ‘બોથ યૉર હાઉસીઝ’ (1933) નાટકને પુલિત્ઝર પારિતોષિક પ્રાપ્ત થયું હતું. તેમાં અમેરિકન કૉંગ્રેસમાં ચાલતા રાજકીય ભ્રષ્ટાચાર પર કટાક્ષ છે.

કૃષ્ણવદન જેટલી

વિ. પ્ર. ત્રિવેદી