ઍન્ડરસન ફિલિપ વૉરન

January, 2004

ઍન્ડરસન ફિલિપ વૉરન (જ. 13 ડિસેમ્બર 1923, ઇન્ડિયાના-પોલિસ, ઇન્ડિયાના, યુ.એસ.; અ. 29 માર્ચ 2020 ન્યૂજર્સી, યુ. એસ.) : ઉચ્ચ ઇલેક્ટ્રૉનિક પરિપથિકી-(advanced electronic circuitry)માં કરેલા પ્રદાન માટે નોબેલ પારિતોષિક મેળવનાર ભૌતિકશાસ્ત્રી.

 

ફિલિપ વૉરન ઍન્ડરસન

હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા પછી ત્યાં તેમણે 1949માં ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. એ વર્ષમાં ઍન્ડરસન બેલ ટેલિફોન લેબૉરેટરીઝમાં જોડાયા. 1975થી તેમણે બેલ અને પ્રિન્સટન યુનિવર્સિટી – એ બંનેની કામગીરી સંભાળી. પ્રિન્સટન યુનિવર્સિટીમાં તેઓ ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર તરીકે હતા. કમ્પ્યૂટરમાં બિનખર્ચાળ ઇલેક્ટ્રૉનિક સ્વિચિંગ અને સ્મૃતિતંત્ર(memory)નાં સાધનોના વિકાસને શક્ય બનાવતા ઘનઅવસ્થા ભૌતિકશાસ્ત્ર(solid state physics)માં તેમના સંશોધન માટે, તેમને 1977માં જ્હૉન વાન વ્લેક અને સર નેવિલ એફ. મોટ સાથે ભૌતિકશાસ્ત્ર માટેનું ઉપર્યુક્ત પારિતોષિક આપવામાં આવ્યું.

તેમનાં લખાણોમાં કેટલાંક યાર્દચ્છિક જાલિકા(random lattices)માં ‘પ્રસરણ(diffusion)નો અભાવ’ (1958) અને ‘ઘન વિશેના ખ્યાલ’(concepts of solids 1963)નો સમાવેશ થાય છે. જાપાની ‘ગો’ રમતના તેઓ નિષ્ણાત હતા.

હિંમતલાલ ચૂનીલાલ શુક્લ