ઍન્ડરસન શેરવૂડ

January, 2004

ઍન્ડરસન શેરવૂડ (જ. 13 સપ્ટેમ્બર 1876, કેમૅડન, ઓહાયો; અ. 8 માર્ચ 1941, કોલોન, પનામા) : અમેરિકાના અગ્રણી વાર્તાકાર. બે વિશ્વયુદ્ધ વચ્ચેના સમયગાળામાં ખાસ કરીને ટૂંકી વાર્તાલેખનની કલા પર તેમનો પ્રબળ પ્રભાવ પડ્યો હતો.

શેરવૂડ ઍન્ડરસન

અર્નેસ્ટ હેમિંગ્વે અને વિલિયમ ફૉકનર જેવા લેખકો તેમની પ્રારંભિક કૃતિઓ માટે એમના ઋણી છે. તેમણે અખબાર વહેંચવાનું, ઘર રંગનારાનું અને ખેતમજૂરી વગેરે કામ કર્યાં હતાં. 1906 સુધી તેમણે શિકાગોમાં વિજ્ઞાપનકાર તરીકે કામ કર્યું. 1912માં રંગ બનાવનારની ઑફિસ છોડી તેમણે સાહિત્યક્ષેત્રે ઝંપલાવ્યું. તેમની પ્રથમ બે નવલકથાઓના પ્રકાશનમાં ફ્લૉઇડ ડેલ અને થિયૉડોર ડ્રૈઝરે તેમને મદદ કરેલી. તેમની પ્રથમ ગણનાપાત્ર કૃતિ ‘વાઇન્સબર્ગ ઓહીઓ’ (1919) છે. આ કૃતિમાં એક નાના નગરના લોકોની એકબીજા સાથે સંકળાયેલી વાર્તાઓ છે. ‘પુઅર વ્હાઇટ’ (1920), ‘મેની મેરેજિઝ’ (1923) અને ‘ડાર્ક લાફ્ટર’(1925)માં તેમની શૈલી વધુ આકર્ષક બને છે.

‘બિયૉન્ડ ડિઝાયર’ (1932) નવલકથામાં દક્ષિણની કાપડ મિલના કામદારોના સંઘર્ષની વાત છે. તેમના અન્ય પ્રખ્યાત વાર્તાસંગ્રહો છે ‘ધ ટ્રાયમ્ફ ઑવ્ ધી એગ’ (1921), ‘હૉર્સિઝ ઍન્ડ મૅન’ (1923) અને ‘ડેથ ઇન ધ વૂડ્ઝ’ (1933). તેમની અત્યંત જાણીતી વાર્તાઓ છે ‘આઇ વૉન્ટ ટુ નો વ્હાય’, ‘આઇ એમ અ ફૂલ’ અને ‘બ્રધર ડેથ’. તેમનાં આત્મકથાત્મક રેખાચિત્રો ‘અ સ્ટૉરી ટેલર્સ સ્ટોરી’ (1924), ‘ટાર : અ મિડવેસ્ટ ચાઇલ્ડહૂડ’ (1926) અને તેમના મૃત્યુ બાદ પ્રગટ થયેલ ‘મેમોઇર્સ’ (1942) પણ તેમની મૂલ્યવાન કૃતિઓ છે.

કૃષ્ણવદન જેટલી