ઍનિલીન : પ્રાથમિક ઍરોમૅટિક એમાઇન. સૂત્ર C6H5NH2. બંધારણીય સૂત્ર : . 1826માં ઉન્વરડોર્બને ગળીના વિભંજક નિસ્યંદનથી સૌપ્રથમ મેળવ્યું. ગળીને Indigo fera anilમાંથી મેળવવામાં આવતી તેથી તેનું નામ ઍનિલીન પાડવામાં આવ્યું. તે નાઇટ્રોબેન્ઝીનનું કૉપર ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન વડે અથવા લોખંડનો ભૂકો અને પાણી (થોડા હાઇડ્રોક્લોરિક ઍસિડ સહિત) વડે અપચયન કરીને મેળવવામાં આવે છે. ક્લોરોબેન્ઝિન સાથે ભારે દબાણે અને ઊંચા તાપમાને ક્યુપ્રસક્લોરાઇડની હાજરીમાં એમોનિયા સાથે પ્રક્રિયા કરીને પણ તે મેળવી શકાય છે. આ ત્રણે પદ્ધતિઓ ઉદ્યોગમાં વપરાય છે. શુદ્ધ ઍનિલીન રંગવિહીન, વિશિષ્ટ વાસવાળું તૈલી પ્રવાહી છે. હવાની અસરથી તે તપખીરિયો બદામી રંગ ધારણ કરે છે. ઉ.બિંદુ 184.4o સે., ગ.બિંદુ 6.2o સે., વિશિષ્ટ ઘનતા 1.0215, વક્રીભવનાંક 1.5863. તે નિર્બળ બેઇઝ છે. Kb = 3.8 × 10–10. પાણીમાં અલ્પ દ્રાવ્ય, પણ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે. તે વિષાળુ ગુણધર્મ ધરાવે છે. બેઇઝ હોવાને લીધે ઍસિડ સાથે જલદ્રાવ્ય ક્ષાર આપે છે, કાર્બૉક્સિલિક ઍસિડ સાથે એનિલાઇડ આપે છે. 0o સે. તાપમાને નાઇટ્રસ ઍસિડ સાથે ડાયેઝોનિયમ સંયોજન આપે છે, જેમાંથી રંગકો અને ઔદ્યોગિક ઉપયોગિતા ધરાવતાં અન્ય મધ્યસ્થ સંયોજનો મેળવી શકાય છે. હેલોજન સાથે પ્રક્રિયાથી 2, 4, 6 − ટ્રાઈહેલોજન વ્યુત્પન્ન મળે છે. હાઇપોક્લૉરસ ઍસિડ N, N − ડાઈક્લૉરોઍનિલીન આપે છે. મિથાઇલ અને ઇથાઇલ આલ્કોહૉલ સાથે ડાઈમિથાઇલ અને ડાઈઇથાઇલ ઍનિલીન મેળવી શકાય. ફૉસ્જિન સાથે ફિનાઇલ આયસોસાયનેટ અથવા ડાઈફિનાઇલ યુરિયા મળે છે. જ્યારે કાર્બન ડાઈસલ્ફાઇડ અને આલ્કલી સાથે ડાઈફિનાઇલ થાયોયુરિયા મળે છે, જેનું આગળ વિઘટન કરતાં ફિનાઇલ આયસોથાયોસાયનેટ મળે છે. ઉદ્દીપકીય અપચયનથી સાઇક્લૉહેક્ઝાઇલ એમાઇન મળે છે. ઍનિલીન સલ્ફેટને 190o સે. ગરમ કરતાં સલ્ફાનિલિક ઍસિડ મળે છે. ગ્લિસરૉલ અને સલ્ફ્યુરિક ઍસિડ સાથે ક્વિનોલિન મળે છે. જુદા જુદા ઑક્સિડેશન-કર્તા વાપરીને ક્વીનોનીમાઇન, એઝોબેન્ઝિન, નાઇટ્રોસોબેન્ઝિન, પૅરાઍમિનોફિનૉલ અને ઍનિલીન બ્લૅક સંયોજનો બનાવી શકાય છે.
તેનો ઉપયોગ રંગકો, ઔષધો અને રબરમાં વપરાતાં પ્રતિઑક્સિકારકો તથા વલ્કેનાઇઝેશન એક્સલરેટર્સ વગેરેની બનાવટમાં થાય છે.
પ્રહલાદ બે. પટેલ