ઍનિમૉમિટર (anemometer) : પવનની ઝડપ માપવા માટેનું સાધન. રૉબિન્સન અથવા વાડકા આકારના ઍનિમૉમિટર(Cup animometer)માં ચાર ગોળાર્ધ વાડકાઓને, તેમની અંતર્ગોળ સપાટીઓ પરિભ્રમણ(rotation)ની દિશામાં જ હોય તે રીતે, એકબીજાને લંબ આવેલી ચાર ભુજાઓ ઉપર જકડેલા હોય છે. આખું તંત્ર પવનની ઝડપને લગભગ અનુપાતિક (proportional) દરે પ્રચક્રણ (spin) કરતું હોય છે. અદ્યતન વાડકા પ્રકારનાં ઍનિમૉમિટરમાં પવનની ઝડપનું સંચારણ (transmission) વિદ્યુતની મદદથી, અભિલેખન-નકશા (recording chart) ઉપર થતું હોય છે.

ઍનિમૉમિટર

ઍનિમૉમિટરમાં બે નળીઓ હોય છે, તેને Dinnes કે દાબનળી કહે છે. તેમાંની એકનું ખુલ્લું મુખ વાત-કુક્કુટ(weather cock)ની પાંખ(vane)ની જેમ, પવનની દિશામાં રાખેલું હોય છે. વધારાના દાબનો, નળીમાં નીચેની તરફ રાખવામાં આવેલા અભિલેખન-સાધન પ્રતિ સંચાર થાય છે. બીજી નળી, વીંટી આકારમાં આવેલાં છિદ્રોવાળી હોય છે. છિદ્રોમાંથી પવન પસાર થતાં પવનના શોષણ દ્વારા દાબમાં ઘટાડો થાય છે. દાબના ઘટાડાનો પણ અભિલેખન સાધન પ્રતિ સંચાર થતો હોય છે. આ સાધનમાં એક બંધ પાત્રમાંના પાણીમાં એક પ્લવ(float)ને એ પ્રમાણે ગોઠવેલો હોય છે, જેથી પવન ફૂંકાય ત્યારે પહેલી નળીમાંનો વધારાનો દાબ પ્લવને નીચેની તરફ લાગી તેને પાણીમાં ઉપરની તરફ ઊંચકે છે; અને દાબના ઘટાડાનો સંચાર પ્લવની ઉપર આવેલી હવા તરફ થઈ તે પણ પ્લવને ઉપર ધકેલે છે. પ્લવના હલનચલનની નોંધ મંદ ગતિએ પરિભ્રમણ કરતા નળાકાર (drum) ઉપર ચોંટાડેલા આલેખ ઉપર થાય છે. બહુ ચોક્કસ અને સૂક્ષ્મ માપન માટે ‘Hot-wire anemometer’નો ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યુતપ્રવાહ વડે લાલચોળ બને તે પહેલાંની પરિસ્થિતિ સુધી તપાવેલા તાર ઉપરથી પવન પસાર થાય ત્યારે ઠંડક પેદા થવાને કારણે, તારના અવરોધમાં ફેરફાર થતો હોય છે, તે સિદ્ધાંતને આધારે આ સાધનની રચના થયેલી છે.

એરચ મા. બલસારા